Saturday, November 19, 2011

Beyond the Text book


Beyond the Text book

દિવાળી વેકેશન દરમિયાન નવનિયુકત શિક્ષક (વિદ્યાસહાયક) માટે આઠ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. આ સમય અમદાવાદ જીલ્લા સર્વ શિક્ષા અભિયાન અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન, અમદાવાદ(ગ્રામ્ય) દ્વારા કરાયેલ આયોજન મુજબ વિદ્યાસહાયક ભાઈ બહેનોને ચાર દિવસ તાલીમી સાહિત્ય આધારે, બે દિવસ પાઠ્ય પુસ્તક આધારે વિષય નિષ્ણાત લેખક દ્વારા સીધું માર્ગદર્શન અપાયું અને બે દિવસ અગાઉ ક્લસ્ટર કક્ષાએ યોજેલ એક દિવસીય માસિક તાલીમમાં થયેલ વિષય ચર્ચા આધારે પાઠ્યક્રમને અભ્યાસક્રમ સાથે સાંકળી કેટલાક જરૂરી એકમોને Beyond the Text book કેવી રીતે શીખવવા તે અંગે ચર્ચા કરાઈ. બાયસેગથી પ્રસારિત ઓન એર પ્રસારણ સમયે વિષય નિષ્ણાતશ્રીઓ અને સંચાલન સમયે મારા દ્વારા આ નાગે થોડી વાત કરવામાં આવેલ કે કેટલાક એકમો શીખવતા શિક્ષકે Beyond the Text book જવું જરૂરી હોય છે. તાલીમ પછી પણ કેટલાક વિદ્યાસહાયક મિત્રો ટેલીફોન માધ્યમે કે રૂબરૂ મુલાકાત સમયે આ અંગે જાણવા માગે છે કે Beyond the Text book એટલે શું ? કેવી રીતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવી ? મિત્રો આપ સૌ જાણો છો કે અત્યારે ગુણોત્સવ માટે આપણો જીલ્લો તડામાર તૈયારીમાં વ્યસ્ત છે. આ વ્યસ્તતામાં આ વિષય અંગે ઊંડાણપૂર્વક લખવું સમયના અભાવે હાલ પૂરતું શક્ય નથી આથી બે પ્રસંગ આપ સમક્ષ મૂકી આપને વિચારતા કરવા પ્રયત્ન કરું છું.આપ જરૂર આ અંગે વિચારી મને મેઈલ કરશો તો ગમશે...

Beyond the Text book એટલે પાઠ્યપુસ્તક માં આપેલ માહિતી સિવાય કેટલીક માહિતી વિદ્યાર્થીને આપવી જે પાઠ્યપુસ્તકમાં સમાવી શકાઈ નથી જેમકે ધોરણ ત્રણ ની એક ક્ષમતાના વિધાનમા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ ચોપાનિયા, બેનર્સ,દુકાનોના બોર્ડ કે સમાચાર પત્ર વાંચતા થાય. આ માટે પાઠ્યપુસ્તકમાં કોઈ એકમ લખવો થોડો અઘરો લાગે આથી આ એકમ ભણાવતા શિક્ષકે એવી કેટલીક પ્રવુત્તિ કરાવવી જ રહી જેના દ્વારા એકમ ચલાવતા અપેક્ષિત ક્ષમતા પૂરી કરી શકાય. વિદ્યાર્થીઓને ચોપાનીયા,બેનર્સ,દુકાનોના બોર્ડ કે સમાચાર પત્રો વંચાવવા આપ શું કરી શકો ? પ્રવુત્તિ કે પ્રોજેક્ટ ? અપને ક્યારેક પ્રવુંત્તિને પ્રોજેક્ટ કહીએ છીએ..જેમકે વાહનોના ચિત્રો વાળા સુંદર ચાર્ટને કાપી બીજા કાગળ પર તે વાહનો ચિપકાવવા અને કાર્ડ પેપરનું કવર ચડાવી ઉપર લખીએ કે વાહનોનો પ્રોજેક્ટ. મિત્રો આ પ્રોજેક્ટ થયો કે ચીટક કામ? જરા વિચારો. આપને આ તાલીમ દરમિયાન કેટલાક પ્રોજેક્ટ માટે આપના બ્લોક પર મોકલ્યા હશે જ્યાંથી આપે માહિતી એકત્ર કરી હશે, માહિતીનું સંકલન કર્યું હશે અને પછી તે અંગેનો અહેવાલ તૈયાર કરી પ્રેઝન્ટેશન કર્યું હશે. જો આમ કર્યું હોય તો એ પ્રોજેક્ટ કર્યો કહેવાય. આપણે પણ આવા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને કરાવી શકાય. જમીન વિષે શીખવતા વિદ્યાર્થીઓના જૂથ પાડી વિદ્યાર્થીઓને મુઠ્ઠી મુઠ્ઠી સોંપેલ વિસ્તારની માટી લાવી તેની વિશેષતા, તેમાં થતા પાક, પ્રકાર, નામ વિગેરે માહિતી (તેમના વાલી કે જે વિસ્તારમાંથી જમીન-માટી મેળવી હોય તે વિસ્તારના ખેડૂતના માર્ગદર્શનથી) આપી શકાય. વિદ્યાર્થી વર્ગમાં એકત્ર કરેલ માહિતીણો અહેવાલ રજૂ કરે તે પ્રોજેક્ટ. આ કામ કરવું વિદ્યાર્થીઓને બહુ ગમશે. આમ કામ પાઠ્યપુસ્તકમાં પાઠ્યક્રમ કે એકમ સ્વરૂપે ન હોય પરંતુ Beyond the Text book જઈને આપણે ચલાવી શકીએ. ધોરણ પાંચ સામાજિક વિજ્ઞાન માં એકમ એક ગામનો ઇતિહાસ પ્રોજેક્ટ બેઇઝ છે જેના અંતે કેટલીક ક્ષમતઓ અને માહિતી Beyond the Text book આપી શકાય. આપે એ મુજબ ભણાવ્યો હશે તો મારી વાત સમજી શકશો કે કેવી રીતે Beyond the Text book આ એકમમાં આવ્યું ? ના ભણાવ્યો હોય તો એ એકમ પ્રોજેક્ટ પદ્ધતિથી ભણાવવા વિનંતી. પાઠ્યક્રમ માં આપેલ માહિતી આધારે વિદ્યાર્થીઓને એ અંગે અગાઉની અને વર્તમાન તેમજ ભવિષ્યની સંભવિત માહિતી આપી શકીએ એટલે Beyond the Text book કાર્ય કર્યું કહી શકાય.

થોડા દિવસો પહેલા સમાચાર પત્રોમાં આવેલ કે અફઝલ ગુરુને ફાંસી. આપે પણ વાંચ્યું હશે. યશ તેની નાની બહેન બન્સરીને સમાચાર પત્ર વાંચી સંભળાવે. બંસરી હજુ છ વરસની છે એટલે એને ફાંસીનો અર્થ ન સમજાય. બંસરીએ પૂછ્યું આ ફાંસી એટલે શું ? યશે કહ્યું કે ફાંસી એટલે ભગતસિંહને લાહોરમાં અંગ્રેજ પાર્લામેન્ટ પર બોમ્બ નાખવાથી અંગ્રેજ સરકારે તેને ગળે રસ્સો બાંધી ફાંસીની સજા આપી મૃત્યુ દંડ આપેલ તે. આ સાંભળી હું વિચારમાં પડ્યો કે યશને શિક્ષકે આ વાત વર્ગ ખંડમાં યોગ્ય રીતે નહિ સમજાવી હોય ? મેં તેને શહીદ ભગતસિંહ ગાંધી સરદાર વિગેરેની ફિલ્મોની સી.ડી લાવી બંને ભાઈ બહેનને આ ફિલ્મો જોવા કહ્યું. આ ફિલ્મો જોઈ લીધા પછી ચાર પાંચ દિવસ પછી ફરી સમાચાર પત્રમાં સમાચાર આવેલ કે કસાબને ફાંસીએ ચડાવી દો: પાકિસ્તાન આ તિતલ વાંચી મેં બંને ને પ્રશ્ન કર્યો કે આ ફાંસી એટલે શું ? ભગતસિંહ અને અફઝલ ગુરુ કે કસબની ફાંસી માટે તમે શું કહેશો ? યશે એક વાક્યમાં જ જવાબ આપ્યો કે ભારતીય સ્વતંત્રતાની લડાઈ લડતા ભગતસિંહને અંગ્રેજોએ પકડી થોડા જ સમયમાં ફાંસી આપી મૃત્યુ દંડ આપેલ જયારે તેમની તેવ જ પ્રકારનો ગુનો કરતા અફઝલ કે કસાબને આજ દિવસ સુંધી ફાંસી નથી આપી શકતા. આ સાંભળી યશની સમજણ અંગે ફરી મને એક પ્રશ્ન થયો. કદાચ તમને પણ થયો હશે ?? ન થયો હોય તો ફરી યશનો જવાબ વાંચો અને વિચારો. મેં યશના જવાબને પ્રશ્ન તરીકે લઇ તેને સત્ય સમજાવ્યું. આપના વર્ગમાં આવું બન્યું છે ? આપે શું કર્યું ? આપે જે કઈ કર્યું અને વિદ્યાર્થીઓ ને સાચી સમજણ આપી તે છે Beyond the Text book જ્ઞાન.

એક બીજો પ્રસંગ,

અમે કેટલાક મિત્રો જીલ્લા પંચાયત નીચે ચા પીવા અંબિકા રેસ્ટોરન્ટમાં ગયેલા. આ રેસ્ટોરન્ટના પગથીયે અમને બે ત્રણ બાળકો રાષ્ટ્રધ્વજ વેચતા જોવા મળ્યા. અમે ALS ના આ બાળકોને કેટલાક પ્રશ્નો પૂછ્યા. પ્રશ્નો પૂછવા પાછળ કોઈ કારણ નહોતું માત્ર એમ જ સહજતાથી વાતો કરે. અમે પૂછ્યું કે એકના કેટલા ? ત્રણ લઇ એ તો કેટલા ? દશ લઈએ તો ? પચાસ લઈએ તો કેટલું ડીસ્કાઉન્ટ આપે ? એમાંથી મારે પંદર આ સાહેબને આપવા હોય તો તે મને કેટલા રૂપિયા આપે ? વિગેરે વિગેરે ... આ બાળકે અમારા બધા પ્રશ્નોના સચોટ ગણતરી પુર્વક જવાબ આપ્યા. અંતે અમારામાંથી કોઈ એક મિત્રએ પૂછ્યું કે સારું આમાંથી તને કેટલો નફો થાય ? આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીએ આપ્યો એ સાંભળી લાગ્યું કે એને એપ્લાઈડ નોલેજ મેળવું છે પુસ્તકિયું વધુ માર્ક્સ લાવતું જ્ઞાન નહિ. એ બાળકે કહ્યું કે સાહેબ, મારો નાફોતો તો ત્યારે નક્કી થાય જયારે તમે ખરીદો... છેને સચોટ જવાબ ? જો આ વિદ્યાર્થી આપનો પુસ્તકિયા જ્ઞાનના અંતે ૧૦૦ માંથી ૮૦ ગુણ લાવનાર હોત તો ? આ જવાબ હોત ? મિત્રો વિદ્યાર્થીઓમાં વ્યવહારિક જ્ઞાન આવે તેવી અપેક્ષા પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમમા રાખવામાં આવેલ છે. પરંતુ સ્કોર ના આ જમાનામાં આપણે એ ભૂલી ગયા છીએ અને માટે જ આપણી પરિક્ષામ ૧૦૦ માંથી ૭૦ લાવનાર વિદ્યાર્થી ગુણોત્સવ અંતર્ગત કરતા મૂલ્યાંકન ટેસ્ટ પેપરમાં નબળો દેખાવ કરે છે કારણ ગુણોત્સવના પ્રશ્નપત્ર વ્યવહારિક જ્ઞાન ચકાશે છે. આપણે પણ આપણી પદ્ધતિ બદલાવી પડશે અને વિદ્યાર્થીને વ્યવહારિક ઉપયોગમાં લઇ શકે તેવું જ્ઞાન આપવું પડશે જેથી તે એક સારો નાગરિક બની શકે. ખરુને ? હવે તમે વિચારો કે Beyond the Text book એટલે શું ??? રાજનીતિ શાસ્ત્ર કે ઇતિહાસનો કોઈ એકમ જેમાં સારા રાજા, સુશાસન વ્યવસ્થા કે પંચાયતી રાજ ની વાત ભણાવ્યા પછી ગામના સરપંચશ્રી, ધારાસભ્યશ્રી કે કોઈ રાજનેતાની મુલાકાત ન કરાવી શકાય ? આ છે બિયોન્ડ ટેક્ષબુક...વિચારો વિચારો વિચારો અને પ્રયત્ન કરો....

No comments: