Saturday, March 29, 2014

આગવા, અનોખા... સોમનાથ


તારીખ ૨૪ માર્ચ ૨૦૧૪, સોમવારે અમદાવાદ એસ.એસ.એમાં ઓફિસમાં ઓઆઈસી કોમ્પ્યુનીટી મોબીલાઈઝેશન શ્રી કાજલબેન શ્રીવાસ્તવ સાથે થયેલ ચર્ચા દરમિયાન બાવળા બ્રાંચ શાળાના એક વિદ્યાર્થી અંગે પરિચય મેળવ્યો. એસ.એસ.એ અમદાવાદના ઓઆઈસી ટીટી શ્રી દિલીપભાઈ વડેરા અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ લેઉવા (CRC Coordinator, Bawla) પાસેથી આ વિદ્યાર્થી અંગેની કેટલીક માહિતી અને ફોટોગ્રાફ મેળવ્યા. અમદાવાદ જીલ્લાના આગવા અનોખા બાવળા કુમાર બ્રાંચ શાળાના વિદ્યાર્થી વિષે બ્લોગમાં પ્રસિધ્ધ કરવાનો આનંદ છે.
જેની ભૂમિને પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન તેમનાં પાવન પગલાઓથી તૃપ્ત કરી છે અને બકાસુર નામના રાક્ષસનો વધ કરી લોકોને ભયમુક્ત બનાવ્યા તેવા આજના આપણા બાવળા શહેરમાં અમદાવાદ જીલ્લા પંચાયત હસ્તકની પાંચ શાળાઓ આવેલી છે. આપણી શાળાઓમાં અભ્યાસક્રમ/પાઠ્યક્રમ સાથે સાથે શિક્ષણમાં સહભ્યાસિક પ્રવૃત્તિઓને પણ મહત્વમાં ગણવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે  વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ખુબ જરૂરી છે.  ‘એડેપ્ટસ’ ના વિવિધ વિધાનોમાં જણાવ્યા મુજબ ‘બાળકમાં રહેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરી તેનું સન્માન કરવું’ આ સમાજની શિક્ષક માટેની અપેક્ષા છે. રાજ્યની શાળાઓમાં ચિત્રકામ, ગીત સંગીત, ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, રમતોત્સવમાં, હસ્તકલા જેવાં વિવિધ વિષયો દ્વારા વિદ્યાર્થીઓણો સર્વાંગીણ, શૈક્ષણિક વિકાસ કરાઈ રહ્યો છે.
અમદાવાદ જીલ્લાના બાવળામાં બ્રાંચ શાળાનો ધોરણ -૩નો વિદ્યાર્થી સોમનાથ વિશ્વનાથ ગોસ્વામી પણ ચિત્ર કળા દ્વારા પોતાના જીવનને રંગોથી ભરી રહ્યો છે. સોમનાથ આર્થિકરીતે અત્યંત ગરીબ કુટુંબમાંથી આવે છે. તેના માતા પિતા જયારે સોમનાથને ધોરણ ૧ માં પ્રવેશ માટે આવેલ ત્યારે ધોરણ -૧ ના વર્ગ શિક્ષકે વિદ્યાર્થીનું નામ પૂછતાં તેના પિતાએ જણાવેલ કે 'બહેન હજું કોઈ ચોક્કસ નામ નક્કી નથી કર્યું તમે જ સારું, તમને ગમતું નામ લખીદ્યો ને! !' શિક્ષિકાબહેને વિદ્યાર્થી સોમનાથ જીનની ચાલીમાંથી આવતો હોઈ તેમજ તેના પિતાનું નામ વિશ્વનાથ હોઈ વિદ્યાર્થીનું નામ ‘સોમનાથ’ આપ્યું.
સોમનાથ અમારા જીલ્લાનું ગૌરવ, અમારો આગવો અનોખો વિદ્યાર્થી...
સોમનાથને ધોરણ-૧માં દાખલ કર્યો ત્યારથી શ્રી શોભનાબેન અને શ્રી થાકારભાઈ તેના વર્ગ શિક્ષક રહ્યા છે. બંને શિક્ષકો અને શાળાના અન્ય શિક્ષકોએ સોમનાથમાં રહેલી ચિત્રકલાને પારખી. સોમનાથ આર્થીક રીતે પછાત હોઈ શાળાના શિક્ષકોએ સોમનાથને ચિત્રકામ માટે જરૂરી કાગળ, પેન્સિલ, રંગ વિગેરે પુરા પડ્યા. શિક્ષકના આ આત્મ વિશ્વાસને સોમનાથને પુરા પાડતાં પોતાનું કૌવત કાગળ પર કંડારવાનું શરુ કર્યું. સોમનાથે ધોરણ ૩ ગુજરાતી પાઠ્યપુસ્તકના તમામ ૧૮ પાઠમાં આવતા ચિત્રો આબેહુબ દોર્યા. આ ચિત્રો સોમનાથની પ્રોફાઈલ અને પોર્ટફોલીઓમાં મહત્વનો હિસ્સો બન્યા. સોમનાથના ચિત્રો જોઈ શાળા અને તેના મહોલ્લાના અન્ય વિદ્યાર્થીઓ પણ ચિત્રકળામાં રસ લેતા થયા છે. સોમનાથે પોતાની ગરીબી, આર્થિક પછાતપણું, જીવનની હાડમારીઓ અને એવા અનેક પ્રશ્નોને મહાત કરી જીવનને રંગોથી ભરવાના માર્ગને પોતાનો માર્ગ બનાવ્યો. સોમનાથના રંગીન ચિત્રો સોમનાથની આર્થિક ગરીબી કે અશિક્ષિત પરિવારની મુશ્કેલીઓને ઢાંકી દે છે...કદાચ આ રંગો જ સોમનાથના જીવનને રંગોથી રંગીન બનાવી દેશે !! પરમાત્મા સોમનાથને સૌ સફળતાના શિખરો સર કરી શકે તે માટે શક્તિ આપે.
 ચાણક્યની જાણીતી ઉક્તિ, “શિક્ષક કભી સાધારણ નહિ હોતા...’ કે પછી (અજ્ઞાત) કવિની કવિતાની પંક્તિ, ‘ હું શિક્ષક છું, હું સર્જક છું, હું મનમાં મુનાઝાનારો છું. હું નિત નવા પ્રયોગોથી બાળકને રીઝવી જાણું છું. હું ચીતરું છું ચીતરી ચડે તેવું, પણ ચીતરી ચડે તેવું ચિતરનારને હું મહાન ચિત્રકાર બનાવી જાણું છું..હું શિક્ષક છું, હું સર્જક છું...’ આવી ઉક્તિ કે પંક્તિઓ બાવળાની બ્રાંચ કુમાર શાળાના આવા સન્નિષ્ઠ શિક્ષકોને ધ્યાને લઈને જ લખાઈ હશે !! આ સરાહનીય કાર્ય માટે શાળાના શિક્ષકો, બી.આર.સી/ સી.આર.સી કૉ ઓર્ડીનેટર તેમજ શાળા સાથે સંકળાયેલ સૌ ટીમ એજ્યુકેશન, અમદાવાદના સભ્યોનો આભાર અને અભિનંદન.
અહી પૂર્વ DDO, Ahmedabad, Shri Banchhanidhi Pani સાહેબે ઉજવેલ ‘Dream Festival’ ને જરૂર યાદ કરવાનું મન થાય. આવા આગવા અનોખા, વિદ્યાર્થીઓને જીલ્લા કક્ષાએ પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ‘Dream Festival’ નું આયોજન કરવામાં આવેલ.
આપની શાળામાં પણ આગવા અનોખા વિદ્યાર્થીઓ હોય કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે કોઈ નવતર પ્રયોગો કે પ્રયત્નો થઇ રહ્યા હોય તો જરૂરથી અમને મેઈલ કરશો. અમો આપના  યોગ્ય પ્રયત્નોને માન. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ, એસ.એસ.એ, (ક્યુઈસેલ)- ગાંધીનગર કે  આઈ.આઈ.એમ ઇનોવેશન-અમદાવાદ સેલ સુંધી પહોંચાડવા પ્રયત્ન કરીશું અથવા તે અંગે આપને જરૂરી માર્ગદર્શન આપીશું.

સોમનાથ... અમારો આગવો,અનોખો ચિત્રકાર


 સોમનાથના ચિત્રો....
 શ્રી કાજલબેન શ્રીવાસ્તવ અને શ્રી અલકાબેન વ્યાસ , ધોરણ ૩ સોમનાથના વર્ગની મુલાકાત
 

No comments: