Wednesday, April 9, 2014

આગવા, અનોખા ... શ્રી બળદેવભાઈ પટેલ

   
                                                                                                            
 અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ દ્વારા જીલ્લાની શાળાઓના પ્રારંભિક અભ્યાસ અર્થે તેમજ શાળાઓના વાર્ષિક નિરિક્ષણ માટે જીલ્લા કક્ષાએથી દરેક બ્લોકમાં ટીમ બનાવી તારીખ ૨-૪ એપ્રિલ ૨૦૧૪ દરમિયાન વાર્ષિક નિરિક્ષણ હાથ ધર્યું. પ્રથમ બે દિવસ જીલ્લા કક્ષાએ કામગીરીમાં વસ્ત હોઈ હું શાળા મુલાકાત ણ લઇ શક્યો પરંતુ ત્રીજા દિવસે અમારા ક્લસ્ટરની ટીમના એક સભ્યએ ઈલેક્શન મીટીંગમાં જવાનું હોઈ મને આ ટીમમાં સહભાગી બનવાનું પુણ્ય સાંપડ્યું. અમારી ટીમના સભ્યો શ્રી દિનેશભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલ સાથે જેઠીપુરા પહોંચ્યા. શ્રી દિનેશભાઈનો મને જુનો પરિચય. તેઓ સારા શિક્ષકતો છે જ સાથે સાથે વહીવટી કુશળ પણ ખરા. શિક્ષણમાં નવતર પ્રયોગો તેમને ખુબ પસંદ. શ્રી દિનેશભાઈના વહીવટી અને શૈક્ષણિક અનુભવના કારણે અમારું કામ સરળતાથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાશે તેની મને વિશ્વાસપૂર્ણ ખાતરી હતી જ. જેઠીપુરા શાળાના અનુભવો અલગથી બ્લોગમાં લખીશ. પરંતુ મને આજે આ પોસ્ટ લખવાની પ્રેરણા આપી શ્રી બળદેવભાઈ પટેલ જેઓ નાથપુરા શાળામાં શિક્ષક છે.


દેત્રોજ ક્લસ્ટરનું નાથપુરા ગામ દેત્રોજથી લગભગ ચાર-પાંચ કીલોમીટર દુર હશે.!! શ્રી બળદેવભાઈ નાથાપુરા શાળામાં શિક્ષક.  બળદેવભાઈનો નામ અને શાળા સુંધીનો મને  અગાઉ પરિચય હતો, પરંતુ તેમને નજીકથી ઓળખવાનું આ મુલાકાત દરમિયાન જ બન્યું. બળદેવભાઈ મૃદુભાષી અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર એક સજ્જન શિક્ષક છે. વાર્ષિક નિરિક્ષણ માટે બનાવેલ ટીમ પૈકી અમારા બ્લોકની એક ટીમના લીડર અને વાર્ષિક નિરિક્ષણ કાર્ય દરમિયાન નાથપુરા શાળાની મુલાકાત લેનાર શ્રી અમૃતભાઈ દેસાઈ (કૉ ઓર્ડીનેટર,બલસાસણ)એ કહેલ કે મારે અમારા ક્લસ્ટરના શિક્ષકોને નાથપુરા શાળા બતાવવી છે તેના પરથી વિચારી શકાય કે બળદેવભાઈ અને તેમની શાળાના આચાર્યશ્રી, શિક્ષકો પૂરી લગન, ખંતથી કામ કરતા હશે. બળદેવભાઈ સાથે વાતચીત દરમિયાન મેં તેમને પૂછ્યું કે, ‘બળદેવભાઈ તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓ સુંદર રીતે તૈયાર કર્યા છે, તમે ક્યારેક ડાયેટમાં તજજ્ઞ તરીકે તાલીમમાં પણ આવો છો, BLO તરીકેની કામગીરી પણ સારી રીતે કરો છો અને શાળાની તમામ પ્રવૃત્તિઓમાં સહભાગી પણ થાઓ છો. આનું રહસ્ય ? બધું સારી રીતે કરી શકાય પરંતુ અંતરિયાળ ગામમાં વિદ્યાર્થીઓને કેળવવા ...!!! અઘરું નથી ? તેમના જવાબે મને મારા ભૂતકાળમાં મોકલી દીધો. તેઓએ કહ્યું, કે ભાઈ, બાળપણથી જ મારા પિતાજી ન હોઈ મારા માતાજી મજુરી કરતા અને અમને ભણાવ્યા. મેં જેતપુર પેટે કોથળા બાંધી સાડી પર રંગકામ કર્યું છે અને નોકરી નહોતી ત્યારે આજુબાજુના ગામમાં વિદ્યાર્થીઓને ખુબ ઓછી ફી લઇ ટ્યુશન કરી ભણાવ્યા પણ  છે. શિક્ષક તરીકે નોકરી મળતા હું પરમાત્માનો આભાર માનું તેટલો ઓછો છે કારણ મેં જીવનનો ઘણો મોટો સમય અભાવ અને મહેનતમાં પસાર કરેલ. મને મારી મહેનતનું પરિણામ ભગવાને આપ્યું. આજે જયારે હું મારા વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ કે અન્ય કામમાં હોઉં ત્યારે એ જ વિચારું કે હું પણ આવા વિદ્યાર્થીઓની જેમ મજુરી કરનાર પરિવારમાંથી જ આવું છું. મેં પણ મજુરી કરેલ છે, મેં પણ આ વિદ્યાર્થીઓની જેમ અભાવ વાળું બાળપણ વિતાવેલ છે. મને કોઈ સારા શિક્ષક મળ્યા અને આજે હું શિક્ષક બન્યો, આર્થિક સધ્ધર થયો. મારા આ વિદ્યાર્થીઓમાના વિદ્યાર્થીઓ પણ પોતાનું ઉજ્વળ ભવિષ્ય કરે અને તે માટે  મારે વ્યક્તિગત કોઈ કચાશ ન જ રાખવી જોઈએ...!! તેઓ કહેતા હતાં કે ‘હું મારા દરેક વિદ્યાર્થીમાં મારું બાળપણ, મેં ભોગવેલ મુશ્કેલીઓને જોવું છું, અને તેમની સાથે મહત્તમ સમય પસાર કરી શીખવવા પ્રયત્નશીલ રહું છું. તેઓ જયારે તેમના ભૂતકાળના ખરાબ દિવસો અને વર્તમાનમાં તેમના વિદ્યાર્થીઓ માટેની કામગીરી અંગે વાત કરતા ત્યારે લાગતું કે તેમને દુ:ખને સાચી રીતે અનુભવ્યું છે. બળદેવભાઈ જેવાં એક શિક્ષક સાથે કામ કરવાનો આનંદ અનેરો છે. કહી શકું કે, મને મારા જ બ્લોકમાંથી એક સારા શુભેત્છ્ક મળ્યા, એક સારા મિત્રનો વધારો થયો. હું માનું છું કે, આવા શિક્ષકોજ આવતી કાલને બદલી શકે. જે કોઈની પીડા અનુભવે તે જ કોઈને પીડા મુક્ત કરી શકે. આથી જ, કદાચ નરસિંહ મહેતાએ કહ્યું હતું કે “વૈષ્ણવ જન તો એને જ કહીએ જે પીડ પરાઈ જાણે રે ..“ આ દેશ સાચા અર્થમાં ત્યારે જ આઝાદ થશે, આ દેશ સાચા અર્થમાં ગંદા પોલીટીક્સથી ત્યારેજ મુક્ત થશે જયારે સમાજની પ્રત્યેક વ્યક્તિ એક બીજાની પીડા સમજી તેન ભવિષ્ય માટે વિચારશે, કામ કરશે. આ કામ શિક્ષક વધુ સારી રીતે  કરી શકે...કારણ શિક્ષકે શિક્ષણ દ્વારા સમાજ ઘડતર કરવાનું છે. જે દીવસે તમામ સરકારી કર્મચારી, નેતાઓ અને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવી બેઠેલ લોકો અન્યોની પીડા, દુઃખ, તકલીફો સમજી તે નિવારવા સાચા અર્થમાં કામ હાથ ધરાશે તે દિવસે ભારત વિશ્વમાં એક વિકાસ થયેલ રાષ્ટ્રની સાચી ઓળખ ધરાવતું હશે.  આપણે આ સદ્કાર્ય જરૂર કરીશું, જો પીડ પરાઈ જાણીશું તો !!!... Feel the pain

No comments: