Wednesday, August 13, 2014

આપણા સામાજિક દુષણો
આદણીય ગુરુજી, અત્રે ઉપસ્થિત મહાનુભાવો અને મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો.
આપ સૌને મારા નમસ્કાર
મને આનંદ છે કે આજે મને આપ સૌની સમક્ષ આપણા સામાજિક દુષણો પર મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે. આપણે બધાં જાણીએ છીએ કે આપણા સામાજિક દુષણો પર વર્ષોથી ઘણું બધું લખાયું છે અને કામ પણ થયું છે. અને માટે જ આપણે કેટલાંક દુષણને દુર કરી શક્યા છીએ. સામાજિક દુષણો નાથવા પર કામ કરવા બદલ આપણે દયાનંદ સરસ્વતીજી, રાજારામ મોહનરાય,ગાંધીજી, વિનોબાજી અને એવા ઘણાય મહાનુભાવોનો આભાર માનવો જ રહ્યો.
આપને કદાચ એમ હશે કે આજે હું આપની સમક્ષ દીકરીને જન્મતી અટકાવવી, સામાજિક ઊંચ-નીચ ભેદ, જ્ઞાતિ કે વર્ણ ભેદ જેવા વિષયો પર બોલીશ. મિત્રો, આપણે જાણીએ છીએ કે બદલાતા સમય સાથે સમાજમાં કેટલીક સારી બાબતોનો ઉમેરો થયો  તો કેટલીક બાબતો ખરાબ દુષણ રૂપે ઉમેરાઈ છે. હું એ વાત સાથે સહમત છું અને તમે પણ હશોજ કે દીકરીને જન્મતી અટકાવવી એ દુષણ છે, એ કાયદા દ્વારા જાહેર કરાયેલ ગુન્હો છે. મારે અહી કહેવું છે કે સરકારશ્રી દ્વારા ગુન્હો જાહેર થતા ગઈકાલનું આ સર્વસામાન્ય સામાજિક દુષણ હવે શિક્ષિત અને સુખી ઘરોમાં રહ્યું છે. હવે  તે લોકો જ ગર્ભ પરિક્ષણ કરાવી શકે જેમની પાસે પૈસો અને ખોટું કાર્ય કરાવવાની  શક્તિ હોય. આમ આ દુષણ એ હવે સાધન સંપન્ન અને સુશિક્ષિત સમાજમાં વધુ જોવા મળે છે. આપણને એક સ્ત્રી અર્થાત ‘મા’ ના ખોળામાં આળોટવાનું અને એક સ્ત્રી અર્થાત ‘પત્ની’ના સહકારથી ગૃહ સંસાર ટકાવવાનું ગમશે પરંતુ એક દીકરી જે આ સામાજિક વ્યવસ્થા ટકાવી રહી રહી છે તેને જન્મવા દઈ વધાવવામાં તકલીફ થાય છે. દીકરીને જન્મ અને સન્માન અપાવી આ સામાજિક દુષણને દુર કરીએ.
આપ સહમત હશો કે હવે સામાજિક ઊંચનીચનો ભેદ નથી રહ્યો. આપણે ક્યારેય કોઈ ચાની કીટલી પર, નાસ્તાની લારી પર કે હોટેલમાં જમવા જઈને તે બનાવનારની જ્ઞાતિ નથી પૂછતા. જે સ્વાદિષ્ટ સ્વાદ આપે તેના ત્યાં જઈએ છીએ. જ્ઞાતિ ભેદ ક્યારેક ઈલેક્શન સમયે કેટલાંક રાજકારણીઓ દ્વારા વોટ મેળવવા ઉપયોગ કરાય છે બાકી આપણે તો ‘જ્ઞાતિવાદ’ને તિલાંજલિ  આપી છે અને સાથે એક નવું દુષણ ઘર કરાવ્યું છે અથવા ઘર કરાવવા જઈ રહ્યા છીએ તે છે ‘અટકવાદ’. આજે આપણને સમાજમાં હું બ્રાહ્મણ છું તો બ્રાહ્મણ ને જ મદદ કરું અથવા હું કોઈ X જ્ઞાતિ માંથી આવું છું તો મારી X જ્ઞાતિને જ મદદ કરું. આ આવતી કાલની બહુ મોટી સમસ્યા સર્જી શકે તેવું સામજિક દુષણ આપણા સમાજમાં આવી રહ્યું છે. કેટલાક લોકો તો પોતાની અટક ને લઈને X” ફોર “X” જેવા નવા સ્લોગન આપે છે. વિશ્વને પોતાનું કુટુંબ માનનારો હિન્દુસ્તાની X” ફોર “Xની ફોર્મ્યુલા સાથે જીવતો કેવો લાગે ? મારી આપ સૌને વિનંતી કે આપણે હંમેશા યાદ રાખીએ ‘માનવી માનવ થાય તો ઘણું’.
માત્ર સામાજિક દુષણ જ નહિ સામાજિક દુશ્મન તરીકે જેને સ્થાન લીધું છે તે “પ્લાસ્ટિક” નો જરૂરિયાત પુરતો ઉપયોગ નહિ કરીએ તો “પ્લાસ્ટિક” એક દિવસ આપણ માટે પગમુકાવાની જગ્યા પણ નહિ રાખે. “પ્લાસ્ટિક”તો એવી રાક્ષશી બનાવટ  છે જેનો બન્યા પછી નાશ કરવો અશક્ય છે. “પ્લાસ્ટિક” નો વિવેકપૂર્ણ ઉપયોગ હવે જરૂરી બન્યો છે. પ્લાસ્ટીકનો બિનજરૂરી ઉપયોગ એ સામાજિક દુષણ છે.
આપણને એમ કે સામજિક દુષણો માત્ર મોટેરાઓ દ્વારા જ ફેલાય. પરંતુ હવે તો હદ થઇ કહેવાય..! પ્રાથમિક શાળામાં ભણતાં કેટલાંક વિદ્યાર્થીઓ કે કોલેજમાં ભણતા કેટલાંક વિદ્યાર્થીઓ આજે કોઈના કોઈ વ્યસનનો ભોગ બની રહ્યા છે. થોડાંક આર્થિક નફા ખાતર મોટેરાઓ ૧૮  વર્ષથી નાની ઉંમરનાને વ્યસની વસ્તુ ન આપી શકવાનો કાયદો હોવા છતાં તેનો ભંગ કરતાં જોવા મળે છે. કોઈ પણ પ્રકારનું વ્યસન  એ સમાજનું દુષણ જ કહી શકાય. વ્યસન એ માત્ર સામાજિક,આર્થિક રીતે જ નહિ પરંતુ શારીરિક રીતે પણ નુકસાન કારક છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું એક સ્વપ્ન એટલે ‘વ્યસન મુક્ત ગુજરાત’. વિદ્યાર્થી મિત્રો, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીનું ‘વ્યસન મુક્ત ગુજરાતનું સ્વપ્ન’ આપણા દ્વારા પૂરું કરી શકાય... આપણે વ્યસન મુક્ત ગુજરાત બનાવવા સૌથી મોટું યોગદાન આપી શકીએ છીએ. આપણા ઘરમાંથી જ આપણે વ્યસન મુક્તિ માટેની જીદ કરી શરૂઆત કરી શકીએ. આપણા ઘરમાં રહેતાં વાલીઓ સાથે આપણી જીદ જ ગુજરાતને વ્યસન મુક્ત બનાવી શકશે.
મને કહેતાં દુઃખ થાય છે કે આધુનિક ભારતના સામાજિક દુષણ તરીકે મોઘું બનતું ‘ઉચ્ચ શિક્ષણ’ પોતાનું સ્થાન બનાવી રહ્યું છે.  આજે પ્રાથમિક શિક્ષણ  પછીનું શિક્ષણ મોઘું બની રહ્યું છે. વધતી જતી મોંઘવારીના કારણે મોંઘીદાટ ફી ભરવી મધ્યમ વર્ગના પરિવાર માટે અશક્ય બનતાં યુવાનોની કારકિર્દી જોખમાય છે...અને ભારતની પ્રગતિ રૂંધાય છે. મોંઘુ ઉચ્ચ શિક્ષણએ સામાજિક દુષણ કહી શકાય.
આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ હમણાંજ તેમની લદાખ મુલાકાત સમયે કહેલું કે દેશના ખૂણે ખૂણે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. ‘પર હિતાય કાર્યેષુ’ કરનાર ભારતીય આજે સાચા કે ખોટા કામ કરવા માટે  ભ્રષ્ટાચારી બનતા જઈ રહ્યા છે. આવો ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવી ભારતને ભ્રષ્ટાચાર રૂપી સામાજિક દુષણથી બચાવીએ.
અબાલ વૃદ્ધ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. કહી શકાય આ ઉપયોગનો અતિરેક થવા લાગ્યો છે. ઘરે આવેલ મહેમાન કે યજમાન એકબીજા સાથે સમય આપવા બદલે મોબાઈલ પર વધુ જોવા મળે છે. ફેસબુક, વોટ્સેપ જેવા સોસીયલ મીડિયા દ્વારા ક્યારેક ખોટી વાતોનો પ્રચાર કરવામાં આવે છે. આ દુષણ સમાજને એક બીજાથી દુર કરી રહ્યું છે. આજે માનવને અંતર્મુખી બનાવવાનું કાર્ય મોબાઈલ, કોમ્પ્યુટર કરી રહ્યા છે. સમાજને જોડાવાના હેતુએ શોધાયેલ ઈન્ટરનેટ આજે સમાજને ખોટા રસ્તે પણ લઇ જઈ રહ્યું છે. આપણે ટેકનોલોજીનો સદુપયોગ કરી સમાજમાંથી આ દુષણ દુર કરવું જ રહ્યું.
પોતાની આર્થીક સધ્ધરતા અને સામજિક મોભો બતાવવા સમાજમાં આર્થિક સંપન્ન લોકો પ્રસંગોમાં વીજળી, પાણી અને ખોરાકનો બગાડ કરે છે. વીજળી, હવા, પાણી અને ખોરાકનો આદર પૂર્વકનો ઉપયોગ આપણી આવતી કાલ બચાવી શકે. એક વોલ્ટ વીજળીનો બચાવવાનો અર્થ વીજળીના કુલ બે વોલ્ટ બચાવ્યા કહી શકાય...એક આપણે ઉપયોગ ન કરીએ તે વોલ્ટ અને બીજો આપણે સંગ્રહ કરેલ વોલ્ટ. બીન જરૂરી વીજળીનો વ્યય આપણે ઘર કે વર્ગમાં ખાલી ખાલી ફરતાં પંખા અને બળતી લાઈટો બંધ કરવાની ટેવથી સામાજિક દુષણ દુર કરવા પ્રયાસ કરી શકીએ.
વિદ્યાર્થી મિત્રો, સામાજિક દુષણો તો ઘણાં છે પરંતુ સમયની સંકળાશ હોઈ ‘સામાજિક દુષણો’ પર વ્યક્ત કરતાં મારા વિચારોને અહી હું વિરામ આપું છું. અસ્તુ...આભાર


No comments: