Tuesday, November 4, 2014

The missing Games.... Let's use technology before it use us...આપણે નાના હતાં ત્યારે.... વિસરાયેલી રમતો.... 

ભાઈબીજ નિમિત્તે અમારા બહેનના ત્યાં જવાનું થયું. આમ પણ આપણા દરેક તહેવારો આપણને એક રાખવા અને પરિવાર સાથે હસી-ખુશીથી રહેવાના ઉદ્દેશ્યને કેન્દ્રમાં  ઉજવવામાં આવે છે.નવા વર્ષમાં સ્વગૃહે ઉજવણી કરી ભાઈ પોતાની લાડકવાયી બહેનના ત્યાં જાય, બહેનનાના પરિવાર સાથે મળી જમે, બંને પરિવારના સભ્યો એકબીજા સાથે ચર્ચા કરે  અને પોતાના નવા વર્ષની શરૂઆત કરે. જમવાનું પૂરું કરી અમે સૌ વાતો કરવા બેઠા. અમારી બેઠક વ્યવસ્થા એવી હતી કે બાજુના રૂમમાં બેઠેલ અમારા બાળકો પણ અમને દેખાય. અમારા ભૂતકાળના સંસ્મરણો તાજા કરી રહ્યા હતાં ત્યાં અચાનક અમારી નજર બાજુના રૂમમાં બેઠેલાં અમારાં બાળકો પર પડી...મારો દીકરો અને અમારા ભાણેજ બધા સાથે હતાં, બધાંજ કાર્યરત અને એ પણ મોબાઈલમાં રમત રમવામાં...અને ત્યાંતો મારા  બહેન બોલી ઉઠ્યા આ છોકરાઓ, આખો દિવસ બસ મોબાઈલમાં રમ્યે જ રાખે...આપણે નાના હતાં ત્યારે....
હા, આપણે નાના હતા ત્યારે ટેકનોલોજી આટલી હાથવગી નહોતી કે મેદાની રમત હથેળીમાં રમી શકાય. મોબાઈલ ટેકનોલોજીના ઘણાં ફાયદા અને ગેરફાયદા પણ. આમતો કોઈ પણ ટેકનોલોજી હોય ઉપયોગ અતિરેક ભર્યો અર્થાત નાશના પંથે કહી શકાય. ઈન્ટરનેટની ફેસીલીટી વાળા સ્માર્ટ મોબાઈલ ફોન અતિરેક કે અસમજણ ભર્યો ઉપયોગ જાણે આપણા બાળકો અને યુવાનોને બુધ્ધુ બનાવવા જ થઇ રહ્યો હોય એમ લાગે છે. ગેમ્સ, મેસેન્જીંગ એપ્સ અને ઈન્ટરનેટ ઉપયોગ આજના બાળકોને માત્ર શારીરિક,માનસિક વૈચારિક રીતે તોડવાનું જ કામ નથી કરી રહ્યા પરંતુ સાથે સાથે  સમાજથી દુર કરવાનું પણ કાર્ય કરી રહ્યા છે. બાજુમાં બેઠેલ સ્નેહી, ભાઈ કે મિત્ર કરતા મેસેજિંગ એપ્સ પર કોઈની સાથે ચેટીંગને વધુ પસંદ કરે છે. ક્રિકેટ, કબડ્ડી જેવી મેદની રમતો હવે હથેળીમાં રમાતી થઇ જતાં શારીરિક વિકાસના માથે મીંડું જ ને ?
આપણે નાના હતા ત્યારે રમાતી એ બાળપણની દરેક રમતનું પોતીકું મહત્વ હતું. રમતના અંતે રમનારને જરૂરથી લાભ થતો. ખેલદિલી,પ્રેમભાવ,ભાઈચારો જેવાં મૂલ્યો-ગુણો ખીલવવામાં આ રમતો ખુબ ઉપયોગી રહેતી. શારીરિક શ્રમના કારણે તન અને મન પ્રફુલ્લિત રહેતું. સાવ સામાન્ય લાગતી આપણી બાળપણની રમત આપણને ઘણું આપતી. અહી કેટલીક જાણીતી છતાં ટેકનોલોજીના વ્યાપ વધવાને કારણે અજાણી બનેલી રમતો વિશે આપેલ છે. આપણે જાતે રમી કે બાળકોને રમાડી ફરી આ રમતોના ભવ્ય વારસાને સજીવન કરી શકીએ છીએ.

દોડ પકડ:
દોડ પકડ રમત આમતો મેદાની રમત છે. આ રમત જુદા-જુદા વિસ્તારમાં જુદાં જુદાં નામે ઓળખાય છે, જેમકે, અડવા દાવ, પકડ દાવ વિગેરે. આ રમતમાં દાવ આપનાર ખેલાડીએ રમનાર અન્ય ખેલાડીઓમાંથી કોઈ એક ના શરીરને અડવાનું હોય છે. દાવ આપનાર ખેલાડી દાવ લેનાર ખેલાડીઓમાંથી જેને અડી જાય તેને રમત આગળ વધારવા દાવ આપવાનો હોય છે.
ફાયદા:
દોડવાથી થતાં તમામ લાભ.
ત્વરીતતા, આંખોની કસરત.

થપ્પો:
થપ્પોએ સંતાકુકડી, ચોર પોલીસ જેવા અન્ય નામથી પણ ઓળખાય છે. આ રમતમાં દાવ આપનાર પોતાની આંખો હાથ વડે બંધ કરી નક્કી કરેલ સંખ્યા (જેમકે ૧ થી ૧૦૦ સુંધી ગણવા)  સુંધી ગણે. આ સમય દરમિયાન દાવ લેનાર ખેલાડીઓ સંતાઈ જાય. સંખ્યા ગણવામાં ભૂલ કરે તો દાવ લેનાર ધ્યાન રાખે અને ફરીથી ગણવા કહે. નક્કી કરેલ સંખ્યા ગણવાની પૂરી થતાં દાવ આપનાર આંખો ખોલી સંતાયેલ ખેલાડી પૈકી કોઈ એકને શોધી નક્કી કરેલ જગ્યાએ હાથ થપથપાવી મોટેથી થપ્પો કહેશે, જેમકે ‘યશનો થપ્પો’ અથવા શરીર પર અડકશે.


ફાયદા:
દોડવાથી થતાં તમામ લાભ.
ત્વરીતતા, આંખોની કસરત.
તર્ક શક્તિનો વિકાસ
સંખ્યા ગણન તેમજ સંખ્યા ગણન માટે સહપાઠી શિક્ષણ

ગુલ્લી ડંડા:
ગુલ્લી ડંડા રમત કેટલાંક વિસ્તારમાં મોય ડંડા તરીકે પણ ઓળખાય છે. આ રમતમાં દાવ લેનાર એક વ્યક્તિ હોય જયારે દાવ આપનાર એક કે એક થી વધુ હોઈ શકે. દાવ લેનાર ખેલાડી  નાની ગુલ્લીને હાથમાં નાના ડંડા વડે જમીનમાં ગુલ્લી સમાય તેટલો નાનો ખાડો કરેલ હોય ત્યાં મૂકી ઉછાળે. દાવ આપનાર ખેલાડી કે ખેલાડીઓ પૈકી કોઈ ગુલ્લીને સીધી ઝીલી લે તો દાવ પૂરો અને ઝીલ્નારનો દાવ શરુ. કોઈ ઝીલી ન શકે તો ગુલ્લીને જમીન પર રાખી ડંડા વડે ઉછાળી ગુલ્લી નીચે પડે તે પહેલાં ડંડા વડે મારી આગળ મોકલે. જયારે દાવ આપનાર કોઈ ઝીલી લે ત્યારે  લેનારનો દાવ પૂરો થયો ગણાય.ફાયદા:
ચાલવાથી થતાં તમામ લાભ.
ત્વરીતતા, હાથ અને આંખોની કસરત.
તર્ક શક્તિનો વિકાસ

 કૂપી દાવ:
કૂપી દાવ ગુચગુચમણી તરીકે પણ ઓળખાય છે. આ રમત ચોમાસામાં વરસાદ પછી અન્ય મેદાની રમત ન રમી શકવાના કારણે બાળકો રમે છે. આ રમત રમવા એક લોખંડનો થોડો જાડો એક છેડે આગળથી અણીદાર સળીયો જોઈએ. દાવ લેનાર પોતાના હાથથી સળીઓ જોરથી  ફેંકી જમીનમાં ખોસવાનો હોય. જો  ખોસી શકે અને સળીયો નીચે પડી જાય તો દાવ ગયો. દાવ આપનાર ને ક્યારેક અગાઉથી નક્કી કર્યા મુજબ કઈક સજા (પદુ) પણ હોય જેમકે જેટલે સળીયો પડી જાય ત્યાંથી રમત શરુ કરી હોય ત્યાં સુંધી લંગડી  જવાનું.
ફાયદા:
ચાલવાથી થતાં તમામ લાભ.
હાથની કસરત.
તર્ક શક્તિનો વિકાસ

લખોટી:
અત્યારે સુશોભન કે અન્ય ઉપયોગ માટે વપરાતી લખોટીનું સ્થાન એક સમયે બાળકોના રમતમાં ખુબ મહત્વ હતું. લખોટી રમવા માટે જુદી જુદી પદ્ધતિઓ છે. જેમાંની એક સર્વ સામાન્ય પદ્ધતિ એટલે રમનાર દરેક ખેલાડી નક્કી કર્યા મુજબની લખોટીઓ એક વર્તુળમાં મુકે જેમકે દરેકે પાંચ-પાંચ મુકવાની હોય તો તે મુજબ વર્તુળ બનાવવું. આ વર્તુળથી દુર ખેલાડીઓ દ્વારા નક્કી કરેલ  એક લાઈન દોરેલ હોય જ્યાંથી દાવ લેનારે દાવ લેવાનો રહે. પ્રથમ દાવ લેવા માટે (પાકવા માટે) હાથ મિલાવી ચત્તા કરવા કે અન્ય રીતો દ્વારા પ્રથમ  દાવ લેનાર ખેલાડીનો  દાવ નક્કી કરે. દાવ લેનાર ખેલાડી વર્તુળમાની તમામ લખોટીઓ હાથમાં લઇ વર્તુળમાં નાખે. જો કોઈ લખોટી વર્તુળ બહાર આવી જાય તો દાવ ગયો અને જો તમામ લખોટી વર્તુળમાંજ પડે તો નક્કી લ અંતરે દોરેલી લીટી પર ઉભા રહી દાવ લેવાનો. લીટીને અડક્યા વિના પોતાની એક લખોટી વડે બાકીના ખેલાડીઓ પૈકી એકે બતાવેલ લખોટીને નિશાન લગાવી અન્ય લખોટીઓને અડકે નહી તે રીતે બહાર નીકળવાની.  કોઈ લખોટીને પોતાની તાકેલી લખોટી અડકી જાય તો ડિયું ગણાતાં નક્કી કરેલ પોતાની લખોટી સજા રૂપે વર્તુળમાં મુકવાની થાય. જો બતાવેલ લખોટી અન્ય લખોટીને અડક્યા વિના બહાર નીકળી જાય તો વર્તુળમાની તમામ લખોટી દાવ લેનારની માલિકીની બની જાય.ફાયદા:
હાથ, આગળીનાં ટેરવાંની કસરત
ત્વરીતતા, આંખોની કસરત.
તર્ક શક્તિનો વિકાસ
તાકવાની કળા વિકસાવવી.મામાનું ઘર કેટલે ? :
આ રમતમાં પાંચ-સાત ખેલાડી જરૂરી. દાવ આપનાર ખેલાડી પોતાના હાથ એકબીજા સાથે બાંધી સાંકળ જેમ વર્તુળમાં ઉભા રહેશે. દાવ આપનાર ખેલાડી વર્તુળમાં રહેશે. દાવ આપનાર ખેલાડી અને દાવ લેનાર ખેલાડી વચ્ચે સંવાદ થશે. જેમાં દાવ આપનાર જે વર્તુળમાં છે તે ગાશે, ‘મામાનું ઘર કેટલે ?’ દાવ આપનાર, ‘દીવો બળે એટલે’ .... દાવ આપનાર ખેલાડીઓએ બનાવેલ હાથની સાંકળ પર હાથ મારી કહેશે, ‘આ દરવાજા તોડુંગા..’ દાવ લેનાર, ‘છરા લેકે મારુંગા.’ આમ ગાતા ગાતા દાવ આપનારે સાંકળ તોડી ભાગવાનું અને દાવ લેનાર પૈકી જે પકડે તે દાવ આપે.
ફાયદા:
દોડવાથી થતાં તમામ લાભ.
ત્વરીતતા, આંખોની કસરત.
હાથની કસરત
જાહેરમાં બોલવા કે ગાવા માટેનો સંકોચ દુર થાય
તર્ક શક્તિનો વિકાસ

સાતેલી:
આપણે નાના હતાં...ત્યારે આ રમત ખુબ રમતી હતી. આ રમત ખેલાડીઓના બે સરખા જુથ કરી રમાય છે. ત્રણ સરખા અંતરે પાટા  (જમીન પર લીટીઓ) દોરવામાં આવે છે. વચ્ચેના પાટા પર સાત નાના પથ્થર કે ઠીકરા ની થપ્પી બનાવવામાં આવે છે. કોઈ ચોક્કસ પદ્ધતિથી નક્કી કરેલ જૂથના સભ્યમાંના એક સભ્ય કપડામાંથી બનાવેલ દડા વડે પથ્થર કે ઠીકરાની થપ્પી નીચે પાડી દે. સામેનું જૂથ એ થપ્પી ફરી ઉભી કરે એ સમયે બાકીના સામે વાળા સભ્યો કપડાના દડા વડે થપ્પી કરનાર ને થપ્પી કરનારને થપ્પી કરતાં રોકાશે. આ સમયે મારનારને થપ્પી કરનાર અડકી જાય તો આઉટ માની રમત સામે વાળાને દાવ આપનાર જાહેર કરી આગળ રમવાની હોય છે.ફાયદા:
દોડવાથી થતાં તમામ લાભ.
ત્વરીતતા, આંખોની કસરત.
તર્ક શક્તિનો વિકાસ
હાથની કસરત.

તાકવાની કળા વિકસાવવી.

આ સિવાય પણ કબડ્ડી, ખો-ખો જેવી પ્રખ્યાત તો આંબલી પીપળી, ટમેટું રે ટમેટું, છાપો, અમદાવાદ, જેવી ઘણી રમતો છે જે વિસરાઈ ગઈ છે. આવો સાથે મળી ફરી આ રમતોને તાજી કરીએ. ટેકનોલોજી આપણો ઉપયોગ કરવાનું શરુ કરે તે પહેલાં ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ...બાળકોને તેમનું બાળપણ પાછું આપવામાં મદદગાર બનીએ...
મિત્રો,
આ સિવાય અહી આપેલ બે ફોટોગ્રાફ્સ કઈ રમતના છે તેમજ આ રમતો કેવી રીતે રમી શકાય તે અંગે જણાવશો તો આનંદ થશે. આપના મંતવ્યો, રમતની પદ્ધતિ કોમેન્ટમાં લખવા કે ketanmthakar@gmail.com પર મેઈલ કરવા વિનંતી.
No comments: