Sunday, November 22, 2015

હું અને મારો પરીવાર.....


My family
મારા માટે ગત રવિવાર એક યાદગાર રવિવાર બની રહ્યો. પ્રથમ વખત અમારા બંને સંતાનો સાથે સુરત થી કડી લગભગ ૩૫૦ કીલોમીટર જેટલી લાંબી મુસાફરી કરવાની મજા મળી. લાંબા પ્રવાસે અમારે પરીવાર સાથે અનેકવાર બન્યું હશે પરંતુ માત્ર યશ અને આશકા સાથે પહેલીવાર જવાનું થયું. લગભગ પાંચ કલાકની આ મુસાફરીમાં મારા બંને સંતાનોને મેં મોટા થતાં જોયા. બંનેને એક બીજા સાથે ખુબ બને, ખુબ પ્રેમ...બંને મજાના છે. બંને વાતોડિયા છે અને એક બીજાની ખુબ કાળજી રાખે એ પણ પહેલીવાર જણાયું. આમતો અમે સપરિવાર જતાં હોઈએ ત્યારે અમારા પરિવારના બોસ (મારા ધર્મપત્ની) પણ સાથે હોય એટલે અમારે ભાગે બોલવાનું બહુ ઓછું આવે....(ઘણીવાર તો કોણ કેમ બોલે છે ? અથવા એ કોને કેમ બોલે છે ? તે પણ વિચારવું પડે). મારા પત્ની જયારે અમારા પરીવાર સાથે હોય ત્યારે તેના રોમેરોમમાં ભારતીય નારીના તમામ લક્ષણો છલોછલ ઉભરાઇ આવે...એના આ સ્વભાવની પણ અનેરી મજા છે. તે સાથે હોય એટલે અમારા બધાની કાળજી રાખે તેથી અમારે અમારી કાળજીની કોઈ ચિંતા નહી.
અમારી દીકરી આશકા....આશકા નામનો અર્થ પણ આનંદ આપે- ‘દેવની આરતી/પ્રસાદ લેવી.” બહુ બોલકી દીકરી. અમારા માટે તે દેવ સમાન. બાળક એ પરમાત્માનો અંશ છે તે તેના બાળપણે બતાવ્યું. અમે સાંજે ત્રણ કલાકે સુરતથી નીકળ્યા. વાતાવરણ વાદળછાયું હતું. કામરેજ ટોલ નાકા પછી બહેનજીએ તેના ભાઈની સાથે ગાડીની બારી બહારથી વાત કરવાનું શરૂ કર્યું. તેની ભાષા પણ મજાની. મમ આપું...? ચોકેટ આપું?? ભૂ આપું (પાણી ની બોટલ બતાવી)? અને પાછુ એ પણ પૂછવાનું કે, ‘મજા આવી ?’ વિગેરે વિગેરે.. થોડા સમય પછી સમજાયું કે બહેના તેના ભાઈ પાસેથી વસ્તુઓ લઈ તેના વ્હાલા સુરજદાદા ને આપે છે. સુરજને પાણી પીવારાવવાની હિમ્મત બાળકો જ કરી શકે. રસ્તામાં કોઈ વ્યક્તિ, પક્ષી કે પશુ કે દુર દેખાતાં ખેતરો સાથે વાત પણ કરે જ...રસ્તામાં ઘોડો દેખાયો તો મારે ફરજીયાત પણે ઘોડાને ‘મમ માં બિસ્કીટ’ આપવા ઉભા રહેવું પડ્યું. સાંજે લગભગ સાતેક વાગ્યે અમદાવાદ પહોંચ્યા ત્યારે અંધારું થઇ ગયેલ અને આશકાબહેન તેમના ચાંદામામાને મમ અર્થાત બિસ્કીટ,વેફર,ચોકલેટ ખવરાવવા અને પાણી પીવરાવવા મથતા હતાં.આ મુસાફરીમાં આશાકાની વાતચિતથી એ પણ જાણ્યું કે તે ઘરના તમામ સભ્યોના નામ, સંબંધ વિગેરે વીશે જાણે છે. તે બધું જાણે. બાળકો પરસ્પર સંવાદથી બધું શીખે અને સમજે. આશાકાની સવાર મંદિરમાં ‘જે જે’ થી થાય અને રાત્રે તોફાન મસ્તી કરતાં સુઈ જાય. આશકા આટલી બોલકી અને સમજુ છે એનો આજે ખ્યાલ આવ્યો. ચુલબુલ,ચબરાક બોલકી દીકરી બાપને બહુ વ્હાલી હોય !! આશકાને સંભાળતા મને તોતો ચાન ની વાર્તાનો ગુરુ સાથે મળવાને પહેલાં દિવસના અનુભવ જેવી અનુભૂતિ થઇ. આશકા અને યશ બોલતાં રહ્યા અને હું સાંભળતો રહ્યો.
યશ....અમારો દીકરો.....યશના નામનો અર્થ પણ મજાનો...જેની સાથે જોડાય તે યશસ્વી કે કીર્તિવાન બંને....
યશ ટેકનોક્રેટ છે. મારા નવા  iPhone વીશે મને માહિતી નહી પરંતુ તેને ખુબ જાણકારી. લગભગ આઠ વાગ્યે અમે અમદાવાદમાં શોપિંગમોલમાં ખરીદી કરવાં ગયાં. મારે ૩-૪ જીન્સ પેન્ટ ખરીદવાના હતાં. મને સિમ્પલ, ઓછી પેટર્ન વાળા સાદા કપડાં ગમે. મારા પત્નીની કપડાં ખરીદી માટે ખુબ સારી સમજણ. હું ખરીધી સમયે તેને સાથે રાખું જ. મારા દીકરાને પણ ફેશનેબલ કપડાં ખરીધી આવડે તેમ લાગ્યું. દીકરાએ મને ફરજીયાત ફાટેલી ફેશન વાળું જીન્સ ખરીદવું....મેં પણ તેને ખુશ રાખવા અને તેના પ્રેમને વશ થઇ  ખરીધું. મેં તેને એક બે જોડી કપડાની ખરીદવા કહ્યું પરંતુ તેને ના કહી. મને લાગ્યું કે હવે યશ મોટો થઇ ગયો છે.

અમારા પરિવારના દરેક સભ્યો એક બીજાની ખુબ કાળજી રાખે.અમે સૌ એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી. દરેકની આગવી વિશેષતા. મારા માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ એટલે મારું ઘર-જ્યાં મારો પુરો પરીવાર હોય !!! હું પરમાત્માનો આભારી છું, મને મારા સુખ દુઃખમાં સહભાગી બંને તેવી પત્ની અને મને સમજી શકે તેવા સંતાનો આપ્યા છે.....No comments: