Tuesday, December 8, 2015

બાળ ફિલ્મ મહોત્સવ....Children Film Fair... Bal Film Mahotsav...

બાળ ફિલ્મ મહોત્સવ
બાળ ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ લેખન માટે મળેલ સન્માન...
આપણે આપણી શાળામાં થતાં વિવિધ કાર્યક્રમોની આપણા મોબાઈલ કે કેમકોડર દ્વારા વિડીયોગ્રાફી કરીએ છીએ. ઘણાં ઉત્સાહી શિક્ષક મીત્રો પોતાના વર્ગખંડમાં કે શાળામાં કોઈ નાટક કે જનજાગૃતિના કાર્યક્રમ વિશેષ રીતે કરાવી તેની સુંદર વિડીયોગ્રાફી કરે. GIET અને DIET  દ્વારા પણ શિક્ષકોને સ્ક્રીપ્ટ લેખનની અનેકવાર તાલીમ આપવામાં આવેલ. શિક્ષકો દ્વારા તૈયાર થયેલ સ્ક્રીપ્ટ કે નાની વિડીયો ફિલ્મ્સ કે એ પ્રકારના અન્ય પ્રયત્નોને સમાજ સમક્ષ મૂકી એમાંની શ્રેષ્ઠ કૃતિઓને બિરદાવવા માટે દેશમાં પ્રથમવાર GIET અને GCERT ના સયુંકત ઉપક્રમે ‘બાળ ફિલ્મ મહોત્સવ’ યોજવામાં આવ્યો.
ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાયેલા આ બાળ ફિલ્મ મહોત્સવ રાજ્યના મોટાભાગના શિક્ષકો સહભાગી બની શકે ટે હેતુથી ચાર ઝોન/વિભાગમાં વહેંચવામાં આવ્યો. જેમાં સૌરાષ્ટ્ર માટે રાજકોટ, મધ્ય અને ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ગાંધીનગર અને દક્ષિણ ગુજરાત માટે ડાંગમાં ‘બાળ ફિલ્મ મહોત્સવ’ યોજવમાં આવ્યો. ‘બાળ ફિલ્મ મહોત્સવ’માં સહભાગી બનવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી. સાથે સાથે દરેક જીલ્લાના ડાયેટ ખાતે પણ રજીસ્ટ્રેશન વ્યવસ્થા ગોઠવવામાં આવી. રજીસ્ટ્રેશન સાથે ડાયેટ દ્વારા ‘બાળ ફિલ્મ મહોત્સવ’ પર સ્ક્રીપ્ટ લેખન અને અન્ય માર્ગદર્શન માટે તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ. જેમાં ફિલ્મ નિર્માણના વિવિધ પાસાઓને સમજાવવામાં આવેલ. રજીસ્ટ્રેશન ફોર્મ સાથે ફિલ્મની વિગત અને દરેક ફિલ્મને ડીવીડીમાં મંગાવવામાં આવેલ જેથી એ ફિલ્મ નિષ્ણાતો જોઈ શકે.

હેતુઓ:
-    શિક્ષકો દ્વારા ટેકનોલોજીના માધ્યમને શિક્ષણમાં ઉપયોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવું
-    શિક્ષકો દ્વારા તૈયાર થયેલ શોર્ટ ફિલ્મને વૈશ્વિક સ્તર સુંધી પહોંચાડવી.
-    શિક્ષકોને સ્ક્રીપ્ટ લેખન, સ્ટોરી ડેવલપમેન્ટ, ફિલ્માંકન તેમજ વિડીયોગ્રાફી માટે રાજ્યકક્ષાના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન
-    શિક્ષકો દ્વારા તૈયાર થયેલ ‘બાળ ફિલ્મો’ ને સ્પર્ધાત્મક રજુ કરી શ્રેષ્ઠ રચનાઓને પુરસ્કૃત કરવાં
-    શિક્ષકોને બાળ ફિલ્મ નિર્માણ માટે તૈયાર કરવાં
-    મેકિંગ ઓફ મુવીથી શિક્ષકોને વાકેફ કરવાં
-    ફિલ્મ જોવાની કાળા વીશે શિક્ષકોને સમજણ આપવી
-     બ્લોગ, વેબ સાઈટ કે સોશિયલ મીડિયા દ્વારા શૈક્ષણિક બાબતોને રજૂઆત કરતાં શિક્ષકોને પ્રોત્સાહિત કરવાં તેમજ રાજ્યકક્ષાના તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવું
       
તારીખ ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ગાંધી-નગર કડી શિક્ષણ સંકુલ ખાતે GIET દ્વારા બાળ ફિલ્મ મહોત્સવયોજવામાં આવેલ. મેં મારી ફિલ્મ ‘AGENT OF CHANGE’ નું રજીસ્ટ્રેશન કરાવેલ. હોઈ ગુજરાતના આ પ્રથમ શૈક્ષણિકબાળ ફિલ્મ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું મને સદભાગ્ય સાંપડ્યું. રાજ્યભરમાંથી શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો દ્વારા શૈક્ષણિક ફિલ્મોનું  સ્ક્રીનીંગ કરી તેમાંથી શ્રેષ્ઠ એનેમેશન, શ્રેષ્ઠ એડીટીંગ, શ્રેષ્ઠ વિડીયોગ્રાફી, શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ જેવા વિભાગોમાં આવેલ ફિલ્મોને સ્ક્રીનીંગ દ્વારા જાહેર કરી એવોર્ડ આપવામાં આવ્યો.

                   પ્રથમ દિવસે ઉદઘાટન સમારંભમાં સમારંભના અધ્યક્ષ અને ઉદઘાટક તરીકે શિક્ષણ મંત્રીશ્રી શ્રી નાનુભાઈ વાનાણી, મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા, અતિથી વિશેષ તરીકે કડી સર્વ વિદ્યાલયના પ્રમુખ શ્રી વલ્લભભાઇ પટેલ, રાજ્યમાં બાળ ફિલ્મ મહોત્સવ નું આયોજન હાથ ધરનાર GIETના ડાયરેક્ટર શ્રી ટી.એસ.જોશી ઉપસ્થિત રહ્યા. મનુષ્ય તું બડા મહાન હૈ...ના ગૌરવગાન દ્વારા બાળ ફિલ્મ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. મંચસ્થ મહાનુભાવાવોનું સ્વાગત પુસ્તક અને તુલસીના છોડ થી કરાયું જે એક નવતર પ્રયોગ લાગ્યો.

૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ શુભારંભ સમારોહ લગભગ ૧૨ કલાક સુંધી ચાલ્યો. ત્યારબાદ ભોજન વિરામ પછી ૧૩.૦૦ કલાકથી ૧૫.૪૫ દરમિયાન GCERTના ગીજુભાઈ ઓડીટોરીયમ ખાતે ફિલ્મોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.જેમાં આવેલ ફિલ્મોને જોઈ જોનાર ઓડીયન્સ દ્વારા પોતાના મંતવ્યો આપવામાં આવ્યા. બરાબર ૧૬.૦૦ કલાકે ખીમજી વિસરામ હોલ, કડી કેમ્પસ ખાતે સમારંભના સમિક્ષક શ્રી હિરેનભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં ફિલ્મ જોવાની કળા’.... પર શ્રી દીપકભાઈ તેરૈયાએ સમજણ આપી. શ્રી દીપકભાઈ તેરૈયા દ્વારા ફિલ્મ જોવાની કળાના પ્રત્યેક પાસા પર બારીકાઇ થી ચર્ચા કરવામાં આવી. ‘મેકિંગ ઓફ મુવી’ પર તેઓએ PPT, ફિલ્મ ક્લિપ્સ, મિમિક્રી,જુદા-જુદાં ઉદાહરણો દ્વારા બારીકાઈથી ચર્ચા કરી. અમારા સૌ કોઈ માટે આ સેશન ખુબ રસપ્રદ રહ્યું. ૧૬.૧૫ થી ૧૭.૩૦ સુંધી અમે ફરી GCERT ખાતે ઓડીટોરીયમમાં સ્ક્રીનીંગ માટે જોડાયા. GIETમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી કલાકાર શ્રી કિરણભાઈ જોશી દ્વારા શૈક્ષણિક ફિલ્મો બનાવતા સમયે દયાન લેવાની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
       તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ જુદાં-જુદાં વિષયો પર વ્યાખ્યાન માળા યોજવામાં આવેલ. જેમાં ૯.૦૦ થી ૧૨.૩૦ દરમિયાન નાયબ સચિવ, શિક્ષણ વિભાગના શ્રી મનોજભાઈ શાહ અને ડૉ.નવનીતભાઈ રાઠોડની ઉપસ્થિતમાં બ્લોગર્સ વર્કશોપમાં રાજ્યના શૈક્ષણિક બ્લોગ લખનારા બ્લોગર્સ દ્વારા પોતાના અનુભવો ને વાગોળવામાં આવ્યા. મને પણ મારા આ બ્લોગwww.jivantshixan.blogspot.in પર મારા અનુભવો વહેંચવાનો મોકો મળ્યો. ખીમજી વિશ્રામ હોલ ખાતે ડૉ નવનીતભાઈ રાઠોડ દ્વારા ડીજીટલ ટીચર’, ડૉ અમિતભાઈ માળી દ્વારા શૈક્ષણિક સ્ત્રોતનું ફલક અને ડૉ લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા ઓપન  સોફ્ટવેરના માધ્યમથી શિક્ષણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી.
              તારીખ ૨૮ ફેબ્રુઆરીની સવારે ખીમજી વિસરમ હોલ, કડી કેમ્પસ ખાતે સમારોહના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત જહા, મુખ્ય મહેમાન ડૉ સ્વરૂપ સંપત રાવલ, અતિથી વિશેષ શ્રીમતી કાર્તિકા બ્રહ્મભટ્ટ (અધિક સચિવ,શિક્ષણ વિભાગ), શ્રી આર.સી.રાવલ (નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ,ગુજરાત), GIET  ના ડાયરેક્ટર શ્રી ટી.એસ.જોશી સાહેબ, શ્રી રાઠોડ સાહેબ (જીલ્લાપ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી, ગાંધીનગર)ની ઉપસ્થિતિમાં સમાપન અને એવોર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો.  એવોર્ડ વિતરણના નામ જાહેરાત સમયે મારુ નામ શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ રાઈટરતરીકે જાહેર થતાં હું અને  મારા સાથી મિત્રો ખુશખુશાલ થઇ ગયાં. મારો આ પ્રથમ પ્રયત્ન હતો જેને મને ગૌરવવંતો એવોર્ડ અપાવ્યો. મને જાણવા મળ્યું કે પસંદિત શ્રેષ્ઠ ફિલ્મો તારીખ ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના ૧૦ જાહેર સ્થળોએ દર્શાવવામાં આવેલ.... મારી જેમ અનેક શિક્ષક ભાઈ બહેનો માટે રાજ્યમાં યોજાયેલ આ પ્રથમ બાળ ફિલ્મ મહોત્સવ યાદગાર રહ્યો.      
           આગામી સત્રમાં આ પ્રકારે ફરી ‘બાળ ફિલ્મ મહોત્સવ’ આયોજન કરવામાં આવનાર હોઈ રાજ્યના તમામ શિક્ષકો આગામી ‘બાળ ફિલ્મ મહોત્સવ’ માટે અત્યારથી જ તૈયારી શરૂ શકે છે. ‘બાળ ફિલ્મ મહોત્સવ’ મહોત્સવ અંગે આપને વિશેષ માર્ગદર્શન ની જરૂર હોય તો આપના જૂથ સંસાધન કેન્દ્રના કૉ ઓર્ડીનેટર, બ્લોક સંસાધન કેન્દ્રના કૉ ઓર્ડીનેટર કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો સંપર્ક કરી શકો છો.
બાળ ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ લેખન માટે મળેલ સન્માન...

No comments: