Saturday, June 11, 2016

પ્રવેશોત્સવ ૨૦૧૬....એક યાદગાર અનુભવ.....


મારા ગામ કાંઝની બાજુના ગામ રામપુરામાં ઘણા જૈન પરિવાર રહે. તેઓના સંતાનો જયારે પાંચ વર્ષના થાય ત્યારે 'નિશાળા ગરણું' પ્રસંગ ઉજવે. 'નિશાળા ગરણા'માં સગા સબંધીઓને તેડાવે, સસામૈયું થાય અને તેમના બાળકોને ઘોડાની બાગી સજાવી ગામની પ્રાથમિક શાળામાં મુકવા આવે. આ સમયે યથા શક્તિ શાળાને દાન કરે, ભોજન સમાંરભ રાખે અને ઉજવણી કરે. અમારા બ્રાહ્મણ સમાજમાં પણ યજ્ઞો પવિત સંસ્કારનું ઘણું મહત્વ. યજ્ઞો પવિત વિષે મેં મારા આ બ્લોગ પર અગાઉ લખેલ છે. ભારતીય સંસ્કૃતિમાં પણ જીવનના જુદા જુદા તબક્કે અપાતાં સંસ્કાર અર્થાત સોળ સંસ્કાર વિષે લખાયેલું છે. આ સોળ સંસ્કાર પૈકી એક મહત્વનો સંસ્કાર એટલે વિધ્યાસંસ્કાર....અને વિદ્યા સંસ્કારનું પહેલું પગથીયું એટલે 'શાળા ગરણું' અર્થાત શાળા પ્રવેશોત્સવ. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બાળકનું શાળામાં સ્વાગત કાર્યક્રમ અર્થાત શાળા પ્રવેશોત્સવ.
રાજ્યમાં છેલ્લાં બાર વર્ષથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઇ રહી છે. સરકારશ્રી દ્વારા થઇ રહેલ શાળા પ્રવેશોત્સવના અને અન્ય પ્રયાસોના કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ અંગે જાગૃતિ વધી છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. શિક્ષણમાં જાગૃતિ એટલે વિકાસ અને વિકાસ એટલે 'દેશ બદલ રહા હૈ....'
દર વર્ષે પ્રવેશોત્સવમાં જુદી જુદી શાળાઓમાં જવાનું થાય છે અને નવા નવા અનુભવો થાય. આ વર્ષે રાજ્ય કક્ષાના અધિકારી શ્રીમતી ગીથાબહેન જોહરી (IPS)ના રૂટમાં અમારા તાલુકાના મામલતદારશ્રી ભાવેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ તેઓ સાથે લાયઝન લાયઝન અધિકારી તરીકે કામ કરવાની તક મળી. બંને અધિકારીશ્રીઓ વાસ્તવિકતાને સમજી, સ્વીકારી અને રસ્તો નીકળનારા અધિકારી હોઈ, મારા માટે આ ત્રણ દિવસ જીવનના સૌથી મહત્વના અને યાદગાર દિવસો પૈકીના અને ઘણું બધું શીખવ્યું હોય તેવા દિવસો કહી શકાય.
પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ૨૦૧૬ ના આ ત્રણ દિવસો તારીખ ૮ થી ૧૦ જુન દરમિયાન અમે દેત્રોજ તાલુકાની ભગાપુરા પ્રાથામિકા શાળા, શાહ એચ એમ સર્વોદાય વિદ્યાલય (ધો-૯), ઘટીસાણા પ્રાથામિકા શાળા, શ્રી સરસ્વતી વિદ્યાલય-જીવાપુરા (ધો.૯), કાંત્રોડી પ્રાથમિક શાળા અને શ્રી લાલા હનુમાન વિદ્યાલય-અશોકનગર (ધો.૯) ખાતે ઉજવણીમાં સહભાગી થવાનું થયું.
વ્યક્તિગત મારા માટે ત્રણેય દિવસો મહત્વના રહ્યા. મેં મારું ધોરણ દશ સુન્ધીનું શિક્ષણ શાહ એચ એમ સર્વોદય વિદ્યાલય, રામપુરા ખાતે કરેલ. આ શાળામાં હું ખાખી ચડ્ડી અને સફેદ શર્ટના યુનિફોર્મ સાથે મસ્તીની મસ્ત લાઈફ, મારું બાળપણ જીવેલ. આ શાળામાં મને ભણાવેલ અને મારા જીવનના શૈક્ષણિક ધડતરમાં જેઓનું એક અગત્યનું સ્થાન છે એવા શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ ગોસ્વામી અને શિક્ષકો સાથે રહી નવમાં ધોરણના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવતાં કાર્યક્રમમાં સહભાગી બનવું એ જીવનનો એક ગૌરવપૂર્ણ લહાવો કહી શકાય. રામપુરા માધ્યમિક શાળામાં પ્રાર્થના સમયે ગવાયેલ મનુષ્ય ગૌરવગાન 'મનુષ્ય તુ બડા મહાન હૈ' ગીત મેં અગાઉ સંભાળેલ ધૂન કરતાં અલગ અને હ્રદય પર એક આગવી છાપ સાથે જાગૃત કરતુ રહ્યું. રુંવાટા ઉભા કરી દે તેવી રીધમ સાથે ગાનાર આ ગીતની સંગીત ટીમ ને અભિનંદન.  અમારી છેલ્લાં દિવસની અશોકનગર શાળા એટલે શ્રી લાલ હનુમાન હાઈસ્કુલ, અશોકનગર. આ શાળાના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રી શૈલેશભાઈ પટેલ અમારા પરિવારના અતિ ખરાબ દિવસોમાં અમને રસ્તો બતાવી લગભગ પંદર વર્ષ સાથે રહી-સાથે રાખી તમામ સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થનાર અને ધંધાકીય સૂઝ આપનાર ગોડ ફાધર કહી શકાય તેઓની શાળામાં ઉજવણીમાં સહભાગી બનવાનું અને તેઓના વર્ષો પછી દર્શન કરવાનો લાહવો મળ્યાનો આનંદ અવર્ણનીય છે.
અમારા મામલતદાર શ્રી ભાવેશભાઈ દવે સ્વભાવે અને ભૂતકાળમાં શિક્ષક અને પછી મામલતદાર બનેલ. તેઓએ કર્મંઠ અને ઈમાનદાર મામલતદાર તરીકે સમગ્ર તાલુકામાં પોતાની નામના મેળવી શિક્ષક સમાજને ગૌરાન્વિત કરી છે. જયારે જયારે તેમને મળીએ ત્યારે ત્યારે કઈક નવું જાણવા અને શીખવા મળે એ સ્વાભાવિક છે.
શ્રીમતી ગીથા બહેન જોહરી (IPS)માટે એક વાક્યમાં કહેવું હોય તો, 'નામ જ પુરતું છે વ્યક્તિત્વના પરિચય માટે...' કહેવું સહેજેય અતિશયોક્તિ ભરેલ નથી. શ્રીમતી ગીથા બહેન જોહરી (IPS)ના લાયઝન તરીકે કામ કરવાનું સંભાળેલ ત્યારે ખુબ આનંદ થયેલ. તેઓ વિષે ખુબ સંભાળેલ અને અગાઉના પરિચય અને અનુભવોના કારણે આ ત્રણ દિવસો શૈક્ષણિક સારા અનુભવો પુરા પાડનાર હશે તે સ્પષ્ટ હતું. શ્રીમતી ગીથા બહેન જોહરીની કડક અને શિસ્તપ્રિય પોલીસ અધિકારી તરીકે છાપ છે. અહી અમારી તમામ શાળાઓના વિદ્યાર્થીઓમાં તેમનામાં એક માતા અને શિક્ષકના દર્શન થતાં જોવા મળ્યા. તેઓ વિદ્યાર્થીઓ સાથે જયારે જયારે વાર્તાલાપ કરે ત્યારે ત્યારે એક શિક્ષક જોવા મળે. તેમનામાં એક ચમત્કારિક કળા એ જોવા મળી કે વિદ્યાર્થીઓ તેમની સાથે ખુબ નીખાલાશ બની કોઈ પણ પ્રકારના ડર વિના આત્મ વિશ્વાસથી વાત કરતાં અને વિદ્યાર્થીઓને જાણ પણ ન થાય અને તેમનું મૂલ્યાંકન થતું. વિદ્યાર્થી સાથે વાતચીત-મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીમાં જોવા મળતી ખૂબીને તેઓ બિરદાવતાં અને પ્રોત્સાહિત કરતાં. શ્રીમતી ગીથા બહેન જોહરીને એક સારા શિક્ષણવિદ પણ કહી શકાય. તેઓ શિક્ષણ, વિવિધ પદ્ધતિઓ, પ્રજ્ઞા અને સામ્પ્રત્ય શૈક્ષણિક પ્રવાહોથી સંપૂર્ણ પણે માહિતગાર. મૂલ્યાંકન કેવી રીતે કરવું, શું ધ્યાન રાખવું અને કેવા પ્રશ્નો કરવાં તે અંગેની તેઓને પુરતી જાણકારી. નાની શાળાઓમાં વિદ્યાર્થીઓને પુરતા વિષય શિક્ષક ન મળવાને કારણે થતી મુશ્કેલીઓ અને તેને નિવારવાના ઉપાયો પરની ચર્ચા સમયે તેમના શૈક્ષણિક જ્ઞાન નો અનુભવ થયો. તેઓ તેમના ઉદબોધન સમયે વિદ્યાર્થીઓને IPS કેવી રીતે બનાય તે અંગે માહિતી આપતાં અને તેમના ગનમેન શ્રી ગોપાલભાઈ પાસે પોલીસ કોન્સ્ટેબલ કેવી રીતે બનાય તે અંગે માર્ગદર્શન અપાવતાં. વાલીઓ અને મહિલાઓને સમજાવતા કે માત્ર પુરુષો જ કામ શા માટે કરે ? હવે સ્ત્રીઓએ પણ આર્થિક ઉપર્જનમાં જોડાવું જોઈએ....તો પુરુષોને સમજાવતાં કે મહિલા જે પ્રકારે ઘર કામ કરે છે તે ખુબ કઠીન અને મહત્વનું છે. સ્ત્રીઓ અને પુરુષો એક બીજાના કામને આવકારે અને સન્માન આપે. તેમને સંભાળવા એ પણ એક લ્હાવો જ કહી શકાય.
શ્રીમતી ગીથા બહેન જોહરી (IPS) સાથે આવેલ તેમની કચેરીના કર્મચારી PA શ્રી વિકાસભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ પટેલ બંને પણ શિક્ષણ ને જાણનાર અને મિત્રભાવ કેળવી રહેનાર હોઈ તેમની સાથે નવો પરિચય અને સંબંધ બંધાયાનો આનંદ.
આ વર્ષના પ્રવેશોત્સવ દરમિયાન સૌથી સારી બાબત એ લાગી કે ધો.૨ ના  વિદ્યાર્થીઓના ગુણ પત્રક 'C' , ધો. ૩ થી ૫ અને ધો. ૬ થી ૮ પૈકી કોઈ એક ધોરણનો કોઈ એક વિષયની ઉત્તરવહી ચકાસણી અને ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ જેઓ હાઈસ્કુલ માં અભ્યાસાર્થે ગયા હોય તેમના કોઈ બે વિષયની ઉત્તરવહી ચકાસી વિદ્યાર્થી સાથે ચર્ચા દ્વારા વિદ્યાર્થી મૂલ્યાંકન કરી ચકાસણી કરવામાં આવી....
શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ૨૦૧૬ ની કેટલીક યાદગાર તસ્વીરો....
   
No comments: