ઘણા મિત્રો સબંધીઓ ફોન પર પુછતા કે ભારત છોડીને કેનેડા અ
ને કેનેડામાં પણ લફ્લેશ જેવું નાનું ગામડું શા માટે પસંદ કર્યું ? ઘણા મોટા શહેરોમાં પણ મને કામ મળી રહેત. આ પ્રશ્ન મોટાભાગના સ્નેહીઓનો હોઈ આજે બ્લોગ પર જીવંત થવાની ઈચ્છા થઇ. આમ તો હું પહેલા બ્લોગ નિયમિત લખતો પરંતુ એકાદ વર્ષથી મેં બંધ કરેલ. કેનેડા આવી શરૂઆતમાં લખવા કરતા શીખવામાં વધુ વ્યસ્ત રહેવા નક્કી કરેલ. આ દોઢેક વર્ષમાં ઘણા અનુભાવો થયા. ઘણું જાણવા અને શીખવા મળ્યું.
ભારતમાં મારો શિક્ષણ અને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ નો અનુભવ. મોટાભાગે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર માં કો ઓર્ડીનેટર તરીકે કામ કરેલ હોઈ સમાજ સાથે રહેવાનો સીધો અનુભવ. કેનેડામાં જયારે મુલાકાતે આવ્યો ત્યારે ઘણા મોટા શહેરો ફર્યો હતો. અહી મોટા શહેરોમાં ભારતીય સમાજ ના લોકો સરળતાથી મળી રહે. મેં અને મારા પત્નીએ વિચારેલ કે મોટા શહેરમાં રહેવાથી આપણા સંતાનો કદાચ હાઈટેક જીવન જીવી શકશે પરંતુ કેનેડાનું સાચું કલ્ચર, તહેવારો, ધર્મ નજીકથી નહિ માણી-જાણી શકે. જો બાળકોને સાચા અર્થમાં કેનેડીયન બનાવવા હોય તો કોઈ ગામડું પસંદ કરવું જરૂરી છે. શહેરમાં બાળકો ભારતોય સમાજના લોકો આસપાસ રહેવાને કારણે અહીની રહેણીકરણી, ભાષા, તહેવારો કે સંસ્ક્રુતિને અનુભવી શકે અને ક્યારેય સાચા કેનેડીયન ન બની શકે. વળી, ગુજરાતના સાવ નાના ગામડામાં ઉછેરેલ હોઈ અમને પણ ગામડું વધારે ગમે. શહેરમાં રહેવું એ અમારા માટે સજા કહી શકાય. વળી અમારે પણ કેનેડીયન જીવનને જાણવું માણવું હતું-છે. કેનેડામાં ગામડામાં રહી કામ કરવાની પ્રબળ ઈચ્છા હતી. ભગવાને મદદ કરી અને ગામડામાં કામ કરવાની તક મળી.
આમ તો લફ્લેશ એ સાવ નાનું ગામ છે પરંતુ ગામના પ્રત્યેક વ્યક્તિમાં વિશાળ હૃદય છે. ધર્મે હિંદુ હોઈ મને ખ્રિસ્તી ધર્મનો પરિચય ઓછો. અહી આવ્યા પછી હું દર રવિવારે ચર્ચ જાઉં. ચર્ચમાં પ્રાર્થના પછી અમે બધા કોફી માટે હોલમાં બેસીએ અને હું દર રવિવારે અહી વિષે ઘણું બધું નવું જાણું. કોઈ પણ પ્રકારના આવરણ વિના વ્યક્તિને પ્રેમ કરવો એ કેનેડીયન પ્રજા પાસે થી શીખવા જેવું છે. અહી લોકો બતાવાવાબ ખાત્ર નહિ પરંતુ દિલથી દેશને ખુબ પ્રેમ કરે છે કદાચ એટલા માટે જ અહી જીવન શાંતિપૂર્ણ લાગે છે.
મેં ફેબ્રુઆરી ૨૦૧૮માં લફ્લેશ વુડ રીવર બાર એન્ડ ગ્રીલમાં સુપરવાયઝર તરીકે કામ શરુ કર્યું ત્યારે રેસ્ટોરન્ટ બહુ ચાલતું નહિ. રેસ્ટોરન્ટને ધમધમતું કરવાનું કામ ચેલેન્જ મેં લીધેલ. સ્ટાફમાં માત્ર હું અને અમારા રસોયા બહેન. ગામ બહુ નાનું હોઈ અહી કામ કરનાર મળવા બહુ મુશ્કેલ. આથી સુપરવિઝન સાથે વેઈટ્રેસ, સફાઈ અને કુક ની ગેરહાજરીમાં રસોઈ બનાવવાનું કામ આપણે જ કરવું પડે. ભારતમાં વન ટેન રેસ્ટોરન્ટ મહેસાણાનો મને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટનો અનુભવ ખરો પરંતુ બાર માં જુદા જુદા ડ્રીંક બનાવવાનો કે સિધા જમવાનું બનાવવાનો અનુભવ નહિ. ગુજરાતમાં દારૂબંધી અને હું દારુ ન જ પીવાય કે માંસાહાર ન જ કરાય એમ માનનાર. બપોરના સમયે કુક જતા રહે અને આ સમયે તમમ કામ મારા માથે. ૭ ફેબ્રુઅરી ૨૦૧૮ ના પહેલા દિવસે અમારા કુક બપોરનું કામ પૂરું કરી નીકળી ગયા. હું એકલો હોઈ ભગવાનને પ્રાર્થના કરતો કે જ્યાં સુંધી કુક ન આવે ત્યાં સુંધી કોઈ ઘરાક ન આવે તો સારું. પરંતુ ભગવાન તો મને શીખાવવા માંગતા. લગભગ ચારેક વાગ્યે બે ઘરાક આવ્યા. મેં ઓર્ડર લેતા પૂછ્યું કે શું આપું ? અને એક ભાઈ એ પીલ્સ્નર અને બીજા ભાઈ એ સીઝર કહ્યું. પીલ્સ્નર એ અહી બીયર ની એક બ્રાંડ છે. મેં બિયરની બોટલો જોયેલ એટલે એની મને જાણ પણ ખરી.મેં સર્વિંગ ટ્રે માં પીલ્સ્નર ની બોટલ અને એક કાતર મૂકી કસ્ટમર ના ટેબલ પર આપવા ગયો. અને કહ્યું આપની પીલ્સ્નર અને આપની સીઝર.બંને મારી સામે જોઈ ખુબ હસ્યા. હું સમજી નાં શક્યો. મેં તરત કહ્યું, કાઈ ભૂલ થઇ ?? હું નવો છું. કેનેડામાં નોકરીનો મારો આ બીજો દિવસ છે. સીઝર વાળા ભાઈ એ કહ્યું કે મારે સીઝર ડ્રીંક જોઈએ છે કાતર નહિ. મેં કહ્યું કે એવું કોઈ બીયર અમારી પાસે નથી. એ ભાઈ મારી સાથે આવી મને સીઝર બનાવતા શીખવ્યું. મેં સ્ટેપ લખી લીધા. એ ભાઈએ એ સીઝર પીધા પછી ફરી મને બીજું સીઝર બનાવવા કહ્યું અને મેં જાતે બનાવ્યું. એમને બહુ ગમ્યું અને બીલ ચુકવતા સારી એવી ટીપ આપી જે મારા જીવનની કેનેડાની ધરતી પર પહેલી બક્ષીસ હોઈ મેં મંદિરમાં પૂજામાં રાખી જે આજે પણ છે. આવોજ અનુભવ મને પેરેલાયઝર બનાવવા માટે થયેલ. જો કે પેરેલાયઝર નો ઓર્ડર આપનાર બહેનને મેં પહેલાથી જ કહેલ કે હું નવો હોઈ મને બનાવતા નથી ફાવતું અને તેઓએ જાતે આવી મને શીખવ્યું. અત્યારે હું અમારા મેનુમાનું કોઈ પણ ભોજન સારું બનાવી શકું છું અને બેઝીક ડ્રીન્કસ પણ. જો હું કોઈ મોટા શહેરમાં કામ કરતો હોત અને ઘરાક ને કહું કે મને નથી બનાવતા ફાવતું તો જરૂર મારે ભારત પાછા આવવું જ પડત. અહી પણ નાના ગામડામાં માણસો ના હૃદય મોટા છે. આજે લફ્લેશ ના દરેક પરિવાર મને દિલથી પ્રેમ કરે અને જરૂર સમયે મદદ પણ. શિયાળામાં બરફ વધુ હોઈ બરફમાં ઘર આસપાસ કેવી રીતે સફાઈ કરવી કે ઉનાળામાં ઘાસ કાપી ઘર ના પર્યાવરણ ને કેવી રીતે સારું રાખવું એ મારા પડોશીઓ એ શીખવ્યું. ભારતની જેમ અહી પણ મારા પાડોશી ખુબ સારા અને મદદગાર છે. દર રવિવારે કોઈ મિત્રના ત્યાં જવું કે કોઈ આપના મહેમાન બને. રજાનો દિવસ સરળતાથી પૂરો થાય.કદાચ આવો પ્રેમ મને કોઈ મોટું શહેર ન પણ આપી શક્યું હોત. હું ભગવાન ને પ્રાર્થના કરું કે જીવનના અતિમ સ્વાસ સુંધી હું લાફ્લેશમાં જ રહું.

No comments:
Post a Comment