ભારતમાં દરેક સરકારી નોકરીયાત ને ઓછામાં ઓછા એક 'સાહેબ' અને કોર્પોરેટ કંપનીમાં કામ કરનાર ને બોસ્સ હોય છે. દરેક પોતાના 'સાહેબ' - બોસ્સ ને ખુશ રાખવા હંમેશા પ્રયત્નશીલ રહે છે.
સાહેબ ને ગમશે તો ખરું ને ? સાહેબ શું કહેશે ?
સાહેબ બોલશે તો ?
સાહેબ ની હાજરીમાં વાત કરાય ?
આ 'સાહેબ' એટલેકે 'બોસ્સ' ના કારણે ઘણા પરીવાર તૂટી રહ્યા છે. તટસ્થતાથી સર્વૅ કરવામાં આવે તો મધ્યમ અને અપર મધ્યમ વર્ગનો પરીવાર આ કહેવાતા 'સાહેબ' - 'બોસ્સ' ના ડરના કારણે કે એમની સાથે નીકટના સંબંધ રાખવાની હોડના કારણે તૂટી રહ્યો છે. કોઇ NGO 'ચશ્મા પહેર્યા સિવાય' સર્વે કરે તો સત્ય બહાર આવે.
જો તમારે આવા કોઇ સાહેબ કે 'બોસ્સ' નથી તો તમે એક ખુશહાલ પરીવાર ના સભ્ય છો. તમારું ઘર સ્વર્ગ જ છે.
ઘણીવાર તો સાહેબ નો ડર ઘર સુધી પહોંચે. સાહેબ ની હાજરીમાં પરીવાર ના સભ્યો સાથે કે એમના વિશે વાત કરવાનું ટાળવા વાળા ઘરમાં આવ્યા પછી પણ સાહેબનો ફોન આવતાં જ ટીવી નો અવાજ બંધ, પરીવાર ના સભ્યો ની વાતચીત બંધ, બાળકોનો કલરવ બંધ બધું જ બંધ...જાણે યમદૂત નો અવાજ ઘરમાં ન પ્રવેશ્યો હોય!? મને એ પ્રશ્ન થાય કે સાહેબ ને પરીવાર કે ઘર નહીં હોય ?? પરીવાર માં મોટા સભ્યો તો સમજે કે નોકરી કરવી હોય, ટકાવી રાખવી હોય કે સાહેબ ની ચાપલુસી ની તમામ હદ વટાવી હોય તો આમ કરવું જ રહ્યું પરંતુ બાળકોના મનમાં તો સાહેબ એટલે મીસ્ટર ઇન્ડીયા ફિલ્મના મુગેમ્બો...
કેટલાક સાહેબો પોતાનો હોદ્દો જોયા વિના કે પોતાના હોદ્દાની દરકાર કર્યા વિના પોતાની હાથ નીચેના કર્મચારીઓને સતત ભય અને ચિંતામાં રાખે. એવા કેટલાક નમૂના ઓ સિસ્ટમ માં જોવા મળશે જેઓ નવા નવા ઓફિસમાં આવે એટલે પોતાના હાથ નીચેના મહિલા કર્મચારીઓને ખૂબ ખખડાવે, ખૂબ કામ આપે- રાત્રે બે ત્રણ વાગ્યા સુધી બેસાડી રાખે અને એમના પરિવારના જીવન ને બગાડી મૂકે. તેઓએ નથી સમજતા કે ઓફિસ સમય પછી આવા કહેવાતા બોસ એટલે કે સાહેબો પોતાની તાબા હેઠળના કર્મચારીને પોતાના ઘરે રોજ રાત્રે બોલાવી 11- 12 વાગ્યા સુધી બેસાડી ના રાખી શકે અથવા તો કર્મચારીના ઘરે પોતાની ભોળી અથવા વધુ હોશિયાર (જો સ્વાર્થ હોય તો) પત્ની સાથે બેસી ના શકે. એમાં પણ મહિલા કર્મચારી હોય તો આમ ના જ કરી શકે. આવું કરનારા લંપટ સાહેબો સમાજમાં બહુ સરળતાથી ઓળખાઈ જાય છે. પારિવારિક સંબંધોના બહાના તળે પોતાના હાથ નીચેના કર્મચારીના પારિવારિક જીવનને પોતાના સ્વાર્થ ખાતર પૂરું કરે છે. આવા સાહેબો ના કારણે કેટલાકના ઘર ભાગ્યા. કેટલાક આત્મહત્યા કરે અથવા મગજના ફરેલ આવા સાહેબોને સમાજ વચ્ચે લાવી ધોળા દિવસે તારા બતાવે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા આવા સાયબો ને અને એમના સ્વાર્થને ઓળખી મહિલા કર્મચારીઓએ ચેતતા રહેવું જોઈએ. સાહેબ તો બદલી થયેથી જતા રહેશે પરંતુ પોતાનો જીવનસાથી પોતાની ભૂલના કારણે બદલાઈ જશે અને આખી જિંદગી રોવાનો વારો આવશે. આવા લંપટ સાહેબો અને એમના પત્નીઓએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ, કે શું એમના ઘરે આવતા કર્મચારીની પારિવારિક જીવન કેવું છે? શું એક કર્મચારી એમની હાજરીમાં પોતાના જીવનસાથી સાથે વાત કરી શકે છે? જો વાત નથી કરી શકતા તો કાં તો કર્મચારી મા શંકા કરવી અથવા પોતાના સાહેબ એટલે કે પતિદેવ વિશે વિચારવું. કેટલાક સાહેબો અને એમના કહેવાતા ધર્મ પત્નીઓએ એમના તાબા હેઠળના કર્મચારી ને રોજ ફરજિયાત બે-ત્રણ કલાક બોલાવે. રાત્રે મહિલા કર્મચારી ને રોજ દશ અગીયાર વાગ્યા સુધી બેસાડી રાખે તો એમની પોતાની અને એમના પતીદેવ 'સાહેબ' ના અંગત જીવનનું શું ? એમના ત્યાં રોજ હાજરી પુરાવતા કર્મચારી ના પારિવારિક જીવન નું શું ?
ચમચા આને ગુલામ માનસિકતા વાળા માટે દરેક સાહેબ આગળના સાહેબ કરતા શ્રેષ્ઠ હોય છે. આવા લેભાગુઓ મોટાભાગની ઓફીસોમાં જોવા મળતાં હોય છે. સાહેબ પણ જાણતાં હોય છે કે કોણ વહીવટદાર છે, કોણ ભેટ સોગાદો નું શોખીન છે અને કોની સાથે એના પરીવાર ને દુર કરી એનો પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કરી શકાશે.
મોટા દેખાવવાની ઘેલસા, નિમ્ન કક્ષાની વિચારધારા વાળા કેટલાક લોકો અધિકારી બને અને પોતાના સ્વાર્થ ખાતર બિજાના જીવનમાં રોજ હોળી પ્રગટાવે છે. અત્યારે આપણા સમાજમાં 'સાહેબ' કલ્ચર ઘર કરતું જાય છે. આ કલ્ચરમા રહેતા, સાહેબ ના આશીર્વાદ થી થોડો લાભ મેળવતા માણસો પોતે ગુલામ માનસિકતાનો ભોગ બની ચૂક્યા છે અને પરીવાર ને પરાણે ગુલામ બનાવી રહ્યા છે. સાહેબ અને મેડમ લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યા છે. જો સરકાર શ્રી કે NGO આ અંગે જાગશે નહીં તો આવનાર સમયમાં સામાજિક ક્ષેત્રે બહું માઠી અસર થશે. સાહેબ ગીરી - સ્ટેટ્સના નશામાં નશીલા બનેલા સાહેબ એટલે ગુસ્સેથી મનનું ધાર્યું કરાવતાં પ્રજાના રુપિયા નો પગાર લેનાર સમાજ તોડનાર લુખ્ખાઓ...ફ્યુડલ માનસિકતા વાળા આવાસા સાહેબોને સમાજે ઓળખી ખુલ્લા પાડવા જ રહ્યા...
તમારે કોઇ સાહેબ છે ? -સ્વ ને પુછવા જેવો પ્રશ્ન.
જો તમે કોઇના સાહેબ છો તો જીવો અને જીવવા દો. આપણને આ એક જ જીવન મળ્યું છે, ફરી ના પણ મળે! મૃત્યુ પછી ભૂત બની ઝાડ પર ટીગાઇ ભૂતકાળ ની ભવ્યતાને યાદ કરવા સિવાય કાંઇ જ કામ નહીં હોય! વર્તમાન ની ક્ષણોને મનભરીને જીવી લેવી,પોતાના કર્મચારીઓને પણ જીવવા દેવા. આવા પોતાના સાહેબ ને ખુશ રાખવા પોતાના કર્મચારીઓને અજંપામાં રાખતા 'સાહેબ' કે 'બોસ' એ યાદ રાખવું લોકો તમારા સ્વભાવ ને કારણે નહીં તમારા સ્ટેટ્સ ના કારણે તમારા થી સંબંધ રાખે છે. ઉતર્યો અમલદાર કોડીનો એ કહેવત જરૂર આવા સાહેબ ના કારણે જ બની હશે.
NRI Friends won't understand the fear of Saheb.
No comments:
Post a Comment