Showing posts with label સ્વાનુભવ. Show all posts
Showing posts with label સ્વાનુભવ. Show all posts

Monday, January 13, 2020

રુણાનુબંધ

રુણાનુબંધ

ભારતમાં રહેતો ત્યારે રુણાનુબંધ શબ્દ ઘણી વાર સાંભળતો. રુણાનુબંધ અર્થાત કોઇ વ્યક્તિ સાથે આકસ્મિક સંબંધ બંધાય અને એ આપણને કોઇ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના સતત મદદ કરતાં રહે. ક્યારેય કલ્પના પણ નહીં કરેલ કે પિસ્તાળીસ વર્ષે કેનેડામાં રહેવા આવવાનું થશે! ૨૦૧૭ માં અમારા સાળા નિર્મલ સિંહ ના મહેમાન થવા કેનેડા આવવાનું થયું. કેનેડા માટે કહું તો નિર્મલ સિંહ ના કારણે જ આવવું થયું. કેનેડા આવવાનું નક્કી થતા અમારા કડી ઘરના પડોશી ભરતભાઈ ના આગ્રહથી રજાઇના એમના ઘરે આવવાનું થયું. ભરતભાઈ સાથે કોઇ રુણાનુબંધ હશે કારણ એમના ઘરે રહ્યા અને એમણે જ નવરાત્રી ના ઉત્સવમાં વુડ રીવરના માલીક/ભાગીદાર અંકુરભાઇનો પરીચય કરાવ્યો અને અંકુરભાઇના સહકારથી જ ૨૦૧૮મા કેનેડા આવવાનું શક્ય બન્યું. અંકુરભાઇએ નિઃસ્વાર્થ મદદ કરી અને લફલેશ જેવા શ્રેષ્ઠ ગામમાં રહેવાની તક મળી. અંકુરભાઇ ધાર્મિક નિતીમાં માનનાર તેમજ કોઇની તકલીફ જોઇ એમના દુઃખ માં સહભાગી બનનાર હોઇ આ બે વર્ષ દરમિયાન કોઇ તકલીફ ન પડી. કદાચ મારા એમના સાથેના રુણાનુબંધ હોઇ શકે...!!
લફલેશ રહેવા આવ્યા પછી એવોજ અનુભવ અમારા પાડોશી લોરી ક્રોસેટીયર એમના પત્ની અનિટા નો થયો. પરદેશમાં આવા પડોશી મળવા એ અકલ્પનીય કહી શકાય! અહીં આવ્યો ત્યારે બરફમાં કેવી રીતે રહેવું ? ઘરના રસ્તા પરનો બરફ કેવી રીતે નિકાળવો ? ઘર કેવી રીતે સાચવવું ? ક્રીસ્ટમસ કે તહેવારોમાં સમયે શું કરવું ? કંઇજ ના સમજાય! દરેક બાબતમાં લોરી અને એમના પત્ની અનિટા મદદ કરે. એમના ત્યાં જમવા જવાનું થાય. એમને કાંઇ નવું બનાવ્યું હોય તો મોકલાવે તેમજ ઘરે કાંઇ પણ રીપેરીંગ હોય એ કરી આપે. વળી ક્યારે પણ એ માટે કાંઇ મહેનતાણું પણ ન લે. ખુબ સેવાભાવી. અમે ઘરમાં પરસ્પર વાત કરીએ ત્યારે લોરીને દાદા કહીએ. એમની ઉંમર ૭૬ વર્ષ હશે પરંતુ ક્યારેય કોઇ કામથી થાકે નહીં. મારો દિકરો હંમેશા કહે કે દાદા કેટલા મહાન છે ! કોઇ સ્વાર્થ વિના મદદ કરતાં રહે! કદાચ આ જ રુણાનુબંધ હશે !!
આમતો ધર્મગ્રંથોમાં ઘણીવાર વાંચેલ કે પૂર્વ જન્મનું કોઇ રુણ - દેવું બાકી હોય એ ચૂકતે કરવા જન્મ લેવો જ રહ્યોં. અમે ક્યારેય કલ્પના નહીં કરેલ કે કેનેડામાં અમને મદદ કરવા અંકુરભાઇ કે લોરી જેવા મહાત્માઓને અમારા પહેલાં પરમાત્મા એ કેનેડા મોકલ્યા હશે જેથી અમને એમની મદદ મળતી રહે.
આ સમયે મને કૃષ્ણ-સુદામા યાદ આવે. સુદામા ગરીબ જ્ઞાની - સ્વમાની બ્રાહ્મણ (મારી જેમ😀) હતાં જ્યારે કૃષ્ણ મહારાજ. કૃષ્ણ અને સુદામા વચ્ચે  રંણાનુબંધ ના કારણે જ સુદામા ના કાંઇ કહ્યા વિના કૃષ્ણ એ સુદામાને જરુરી બધું જ આપ્યું.
નિર્મલ સિંહ, ભરતભાઇ, અંકુરભાઇ કે લોરી અને સૌ મિત્રો- શુભેચ્છકો જે રીતે મદદ કરે છે એ માટે આભાર સિવાય શું કહી શકું ??? મુશ્કેલ સમયમાં સારા લોકનો સહકાર મળે એ પણ ખુબ જરૂરી છે. કદાચ અંકુરભાઇ કે લોરી જેવા મહાત્માઓને પરમાત્મા જરુરીયાતમંદની મદદ કરી શકે એ માટે જ સાધન સંપન્ન બનાવતાં હશે!
જીવનમાં દરેક ક્ષેત્રમાં મને કોઇની મદદ મળતી રહી છે. કદાચ એ જ 'રુણાનુબંધ'.



Sunday, December 22, 2019

નિજાનંદ


આ અઠવાડિયામાં જુદી-જુદી બે વિડીયો કલીપ વોટ્સએપ માધ્યમે જોવા મળી. અને વિચાર આવ્યો....

સાંજ પડે જેમણે હીરામોતીથી બનાવેલી ખીચડી અને લીક્વિડ ગોલ્ડથી બનાવેલ કઢી ખાવાની ટેવ હોય (...અથવા સ્વપ્ન હોય) એમણે સાંજ નું ભોજન પરીવાર થી દૂર-અલગ રહીને અને બપોરનું ભોજન સહકર્મચારીઓ વિના કરવું. 

વિશ્વ માં આજ સુધી એવું કોઈ નથી જેઓ કર્મ અને યાદો (જે બહારની કોઇ વ્યક્તિ જોઇ કે એનો ભાગ પડાવી ન જ શકે) સિવાય કંઇ પણ સાથે લઈ ને ગયા હોય. કર્મ અને યાદો સિવાય દરેક વસ્તુ બીજા ભોગવશે અને કર્મ અને યાદો નો આનંદ આપણને મળશે. સંપત્તિ થોડો સમય આજુબાજુ ના લોકો સાથે પોતાની સરખામણી કરાવી ઘમંડ આપશે-આનંદ નહીં જ.

* મૃત્યુ પછી સંપત્તિ સાથે લઈ જનાર કોઇ મહામાનવને જાણતાં હોવ તો માહિતી આપવા વિનંતી.

એવા ઘણા કિસ્સાઓ જોવા મળશે કે સંપત્તિના અતિ મોહના કારણે  કેટલાક પોતાના જીવનસાથી કે સંતાનને છોડી આજીવન ખાલીપા સાથે સંપત્તિ ભોગવે.

ભલે આજે જ મૃત્યુ આવે (મૃત્યુ વહેલું આવશે તો નવો જન્મ પણ વહેલો મળશે) પરંતુ  દુન્વયી તકલીફો ભૂલી છેલ્લા શ્વાસ સુંધી મારી આસપાસ ના સૌ કોઇ સાથે જીવનનો આનંદ મળતો રહે એવી પ્રભુ પ્રાર્થના....

દશમાં ધોરણમાં ભણતો ત્યારે અભિયાન સામાયિકમાં‌ વાંચેલ...
...Lead the life in such a way that your cremator may seed few drops of tears.

કોઇ પણ પ્રકારના આવરણ કે શરત વિના પરીવાર,પડોશી, મિત્રો અને વિશ્વ ના તમામ લોકો- સૌને પ્રેમ કરીએ...

Friday, December 13, 2019

Thanks Lafleche Central School

મારા દિકરા યશે એની નાની‌ ઉમ્મરે જીવનના દરેક પાસાઓનો ઘણો અનૂભવ મેળવ્યો છે. જીવનને ૩૬૦ ડીગ્રી એ વણાંક આપતાં કેટલાક અનુભવો કેનેડામાં આવી ને થયા જે અમે જીવનભર નહીં ભૂલી શકીએ. મને વિશ્વાસ છે યશ એના જીવનમાં ખુબ સફળ થશે....એના જીવનઘડતર નો શિક્ષક એ પોતે અને એનો સમય રહ્યો છે. યશ એની ઉંમર કરતાં વધુ મેચ્યોર છે....કદાચ વ્યક્તિ ઓળખ અને સમજણ પૂર્વક સમય મુજબ નિર્ણય શક્તિમાં મારા થી પણ વધુ આગળ કહી શકાય.
આજે યશ એની શાળાના અનુભવ કહેતા કહેતા ભાવુક બની ગયેલ. યશ જ્યારે ભારત માં હતો ત્યારે ભણવામાં ઘણો સ્લો લર્નર. અભ્યાસ માટે એને અમારે રોજ ઠપકો આપવો જ રહ્યો. ભણવાનું મહત્વ એના માટે કાંઇ જ નહી. આમ પણ ભારતમાં ભણપારને ક્યાં નોકરી મળવાની છે ? ધંધા માટે મોટી મૂડી છે નહીં અને પ્રાયવેટ  નોકરીમાં સ્કિલ મહત્વનું છે.... આવી એની દલીલો રહેતી.
અમારી લફલેશ શાળાના શિક્ષકો એ માત્ર ત્રણ મહિના માં યશનુ સ્કિલ ઓળખી લીધું. યશ ભારતમાં ગુજરાતી માધ્યમમાં ભણતો જ્યારે અહીં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું. શરુઆત માં અઘરું લાગતું પરંતુ સમય મુજબ એને મન બનાવી લિધેલ. અહીં શાળામાં રીમેમ્બરન્સ ડે નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધા માં યશનો ત્રીજો નંબર આવતા એમની શાળાના આચાર્યશ્રી એ મને ફોન કરી જાણ કરતાં કહેલ કે,'અમને આનંદ છે યશ અમારી શાળામાં છે. અમને યશ પર ગર્વ છે. યશ માટે અમારી શાળા પસંદ કરવા તમારો આભાર. હું અવાક બની સાંભળતો રહ્યો. શું કહેવું એ જ સમજાતું નહીં. મારા માટે પણ ગર્વ કહી શકાય!
લફલેશ શાળામાં પુસ્તકીયા જ્ઞાન સાથે સ્પોર્ટ્સ, રસોઇ બનાવવાનું પણ શિખવવામાં આવે છે. શાળા દ્વારા જ યશને ડ્રાઈવર્સ લાયસન્સ ની થિયરી પરીક્ષા અને પ્રેક્ટિશ કરાવી લાયસન્સ અપાવ્યું. રસોઇ માટે જુદી જુદી ટીમ બનાવેલ હોય. લફલેશ ગામમા માત્ર અમારો પરીવાર શાકાહારી છે. અહીં શાકાહારી રહેવું અઘરું કહી શકાય! જોકે અશક્ય નથી. યશ શાકાહારી છે એ એનો શાળા પરીવાર જાણે. શાળામાં રોજ જુદું જુદું જમવાનું જાતે ગૃપમા બનાવી ખાવાનું અને એના માર્ક્સ મળે. યશ નોન વેજ ન ખાય. એના શિક્ષક અને સાથી મિત્રો એ પુછતાં થશે ન ખાવાનું કારણ બતાવ્યું. વિદ્યાર્થીઓ અને શિક્ષકને લાગ્યું કે યશ નહીં જ ખાય આથી શિક્ષકે વેજ બ્રોથ અને અન્ય સામગ્રી લાવી આપી અને સાથી વિદ્યાર્થીઓએ પણ સ્વેચ્છાએ વેજ ખાવાનું શરૂ કર્યું. શાળાના એક વિદ્યાર્થી ના કારણે ગૃપના સભ્યો પણ વેજ ખાય એ અકલ્પનીય જ કહી શકાય.અહીંના કેનેડીયન વિદ્યાર્થીઓએ યશ સાથેના માત્ર ત્રણ મહિનાના સંબંધમાં જો ગૃપ સમયે વેજ ખાવાનું નક્કી કર્યું હોય તેનો અર્થ એમને યશના‌ વિચારો એની પસંદગીનું સન્માન કર્યું. નાની ઉંમર ના વિધાર્થીઓ આમ તો જ કરી શકે જો એમને ઘરમાંથી આ પ્રકારના સંસ્કાર મળ્યા હોય....! મેં ભારતમાં એવા ઘણાં શિક્ષિત જોયા છે જેઓ માત્ર પોતાની દૃષ્ટિએ જ જુએ છે. એમના માટે પોતે જ સાચા. પોતાના ઘમંડને સંતોષવા માટે કોઇ પણ વ્યક્તિ સાથે સંબંધ પુરો કરતા સામેની વ્યક્તિ ની મજબૂરી સમજે નહીં. આવા લોકો હંમેશા સામે વાળાને બદલવામાં જ પોતાનો વિજય સમજતા હોય છે. એ ન ભૂલવું જોઇએ કે, 'માણસે જાત બદલવા માટે કોઇ કારણ કે મજબૂરી જોઇએ....'કોઇને મજબૂર કરી એનું અસ્તિત્વ પુરું કરી ખુશ થનારા રાવણના પૂતળાનું દહન કરીએ છીએ પરંતુ એમાંથી કોઇ બોધપાઠ નહીં લઇએ...?' અહીં કેનેડાના લોકો સત્ય સાથે જીવે છે.... સાચું કહું તો આપણે વસુધૈવ કુટુંબકમ્ ની માત્ર વાતો કરીએ છીએ, જ્યારે અમારા લફલેશ ના લોકો અને તમામ કેનેડીયન સાચા અર્થમાં વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના સાથે જીવે છે. ખરેખર અહીંના લોકો પ્રેમાળ અને મહાન છે. અહીં શાળામાં પ્રવેશ મેળવતા સમયે કે આજ સુધી મને કે મારા પરિવાર ના સભ્યોનો કોઇએ ધર્મ. જ્ઞાતી કે પેટા જ્ઞાતિ નથી પૂછી. ભારતમાં શાળા પ્રવેશ ફોર્મમાં પહેલા જાતીની માહિતી આપતાં આ કોલમ તો આવે જ. દુઃખ સાથે કહેવું પડે કે દેશ જાતી ધર્મ સાંપ્રદાયના ફાંટા માં ફંટાઇ રહ્યો છે. ઘણી વાર શહેરમાં જવાનું થાય અને શોપિંગ મોલ માં કોઇ નવા આવનાર મળી જાય તો અહીં પણ પૂછે,' તમે ક્યાંના ?
ગુજરાતના.
ગુજરાતમાં ક્યાંના ?
કડીના
જાતે કેવા ? (આ સાંભળતા મનમાં ગુસ્સો આવે પણ કહેવાય તો નહી ?!....)
બ્રાહ્મણ
એમ કેવા બ્રાહ્મણ ?
ઔદિચ્ય...ભલે મારે મોડું થાય છે પછી મળીએ. આવા નાતજાતના વાડામાં રહેનારને બહાર ન જ નિકળવું જોઇએ. આવા લોકો આતંકવાદી જેવા કટ્ટર જ હોય! સમય આવ્યે આવા લોકો અન્ય સમાજ માટે ઉપદ્રવી બની શકે. આજે એક મિત્ર એ ફેસબૂક માં પોસ્ટ કરેલા કે,'ગીતા કોર્ટમાં નહીં ક્લાસ (વર્ગખંડમાં) ભણાવવી જોઇએ. હું ઘણાં વિકસિત, શાંતિ પ્રિય સફળ દેશમાં ફર્યો છું. મેં આવા કોઇ દેશમાં શાળામાં ધર્મનું જ્ઞાન આપતાં ન જોયા. શાળામાં આધુનિક જ્ઞાન જ અપાય! ધર્મ બાળકો મંદિરમાં જઈને જાણે. શાળાને ધાર્મિક અખાડો બનાવી શું મળશે ? અભ્યાસુ વ્યક્તિએ ધાર્મિક કટ્ટર દેશો અને ધાર્મિક સ્વાતંત્ર્ય વાળા દેશોની દશા વ્યવસ્થા જોવી જોઇએ. ધર્મ શાંતિ માટે છે, એ ખ્યાલ મને અહીં સ્પષ્ટ થયો. હું દર રવિવારે સવારે ૯.૦૦ કલાકે નિયમિત  ઘરે પૂજા પાઠ કરી અમારા લફલેશ ની કેથલીક ચર્ચામાં જાઉ અને ૧૧ વાગે વુડ રો ની ચર્ચામાં જાઉં. મને અઠવાડિયું ફ્રેશ રહેવાની ઉર્જા મળે. કેનેડા એ ધાર્મિક સમભાવ ધરાવતો શ્રેષ્ઠ દેશ છે.
અને અંતે, 
યશ દ્વારા છેલ્લે કહેવામાં આવેલ વાક્ય,'હવે ભણવું જ છે...' 
કેમ ?
'ભણેલાને જ બધાં સભળે છે. વાંક હંમેશા નિર્બળ અને ઓછું ભણેલા નો જ હોય છે.'
હું અવાક બની યશના પોતાના જીવન માટેના કોન્ફીડન્સ અને ભવિષ્ય નું વિચારી થોડો સમય મૌનસ્થ બની રહ્યો. હું દૃઢપણે કહી શકું કે લફલેશ શાળા યશના જીવને યશવાન બનાવશે. 
Thanks Lafleche Central School

Sunday, December 8, 2019

Love You Lafleche!

મેં જ્યારે Wood River Bar and Grill Lafleche Saskatchewan માં Supervisor તરીકે કામ શરૂ કર્યું ત્યારે સાંભળેલ કે આ રેસ્ટોરન્ટ અને બાર કમ્યુનિટી એ બનાવેલ પછી વેચેલ. અહીં આવ્યો ત્યારે રેસ્ટોરન્ટ બંધ હાલત જેવી હતી. અહીં કમ્યુનિટી નો પ્રેમ મેળવી  નામ મેળવવું, લોકોને આવતા કરવા ઘણું અઘરું છે એમ મને જણાવવામાં આવેલ. લફલેશ માત્ર ૪૦૦ લોકોની વસ્તી વાળું (મોટા ભાગે સિનીયર સિટીઝન) અને ટાઉનમા ત્રણ રેસ્ટોરન્ટ. મેં જેમ જેમ કસ્ટમર આવતાં ગયાં એમ એમ એમના ફીડબેક મેળવી જરૂરી સુધારા શરૂ કર્યાં. અહીંના લોકો ખુબ પ્રેમાળ અને માયાળુ છે. કમ્યુનિટી દ્વારા બાર- રેસ્ટોરન્ટ બનાવેલ હોઇ મેં કમ્યુનિટી કોર્નર બનાવવા નું વિચાર્યું. અમારી હોકી ટીમ ખુબ પ્રખ્યાત છે. હોકી અમારા લફલેશ ની પ્રિય રમત. દરેકને હોકી માટે ખુબ આદર. ૨૪ માર્ચ ૨૦૧૯ની સાંજે South Sask Female Hockey League Champs 2018-19 માં અમારી ટીમનો સુંદર દેખાવ રહ્યો. હોકી પુરી થયા પછી ટીમના સભ્યો અને પેરેન્ટ્સ અમારા ત્યાં જમવા આવ્યાં. અમે કમ્યુનિટી કોર્નર માં હોકી પ્લેયર ની સહી લેવા કહ્યું અને ટીમ દ્વારા હોકી કોર્નર તૈયાર કરવામાં આવ્યું. આજે આ કોર્નર કમ્યુનિટી કોર્નર છે અને દરેક સભ્ય ગર્વથી પોતીકાપણાના ભાવ સાથે અમને સપોર્ટસ કરવા આવે છે. હું નશીબદાર છું, આજે લફલેશ ના તમામ લોકોએ એમના હૃદયમાં મને અને પરીવાર ને વિશેષ સ્થાન આપ્યું છે અને ખુબ પ્રેમ આપે છે. દરેક તહેવાર, પ્રસંગે અમને ગ્રામ જનો તરફથી પરીવાર ના ભાગ માની આમંત્રણ આપે. પરમાત્મા નો આભાર અમને કેનેડાના લફલેશ, સસ્કાચવાનમા રહેવાની તક આપી.
Love You Lafleche!
Love You Canada!


Memories ... Supper with Seniors

While talking and planning for this year Christmas supper with Seniors, memories recall from 28th December 2018.
When I was in India, we use to celebrate New Year supper with all Family members, Friends and Seniors at our hometown. It's my first Christmas and new year celebration in Canada. Lafleche is my hometown now.

We got an opportunity to serve complimentary Christmas suppers from Wood River Bar and Grill to Seniors at Wheatland Lodge, Lafleche. We prepared Canadian supper and Indian Khichadi for Seniors. 

Khichadi is Gujarati Traditional food prepared with Rice, Green Gram (mung bean), Ghee, Oil, Onion, Garlic, Paprika, Spices, Black Cumin, Turmeric, Asafetida. Its delicious food preferred for supper. 

We are so happy and feel blessed by serving complimentary supper to our Seniors.
Thanks Seniors....
Thanks Lafleche....
Will celebrate this year again....

Friday, December 6, 2019

Canada શાંતિ થી રહેવા માટે નો શ્રેષ્ઠ દેશ...

Blog

જ્યારે જ્યારે‌ ભારતમાં  મિત્રો કે સ્નેહીજનો સાથે ફોન પર વાત થાય ત્યારે ત્યારે તેઓ કેનેડા વિશે અવશ્ય પુછે. ભારતમાં વધતી બેકારી, સામાજિક અસમાનતા, આર્થિક ગરીબાઈ, અશાંતિ જેવા કેટલાક કારણોના લીધે મહેનતું અને શાંતિ પ્રિય લોકો તક મળે તેઓ ભારત છોડી અન્ય દેશમાં સ્થાયી થવા ઇચ્છતા હોવ છે. જો કે એમાં ખોટું પણ નથી. જેમણે સખત મહેનત અને ઇમાનદારી થી રહેવું છે એમના માટે કેનેડા સ્વર્ગ સમાન છે. કેનેડા વિસ્તાર ની દૃષ્ટિએ ભારત કરતાં ત્રણ ગણો વિશાળ અને વસ્તી ની દૃષ્ટિએ ગુજરાત કરતાં અડધી આબાદી વાળો મજાનો દેશ છે. કેનેડા માં વિશ્વ ના તમામ દેશના લોકો ભાઇચારાની ભાવના સાથે રહે છે. અહીં દરેક વ્યક્તિ માટે સરખા કાયદા કાનૂન અને સ્વિકૃતિ છે. તમામ લોકો કાયદાનું એ રીતે પાલન કરે કે કોઇને કાયદાનું ઉલ્લંઘન કરવાની જરૂર પણ ન પડે.
સૌ માટે પ્રશ્ન હોય છે કે કેનેડા કેવી રીતે આવવું...?
કેનેડા વસવાટ માટે આવવા માટે જુદી-જુદી ઘણી પધ્ધતિઓ છે. પરીવાર ના આશ્રિત માટે, અભ્યાસ અર્થે, કામ (નોકરી) કરવા, ધંધાર્થે વિગેરે વિગેરે. દરેક વિઝા માટે અલગ અલગ જરુરીયાત હોય છે. cic.gc.ca પર log in થવાથી તમામ માહિતી મળી રહેશે. જો આપ અભ્યાસ અર્થે અથવા નોકરી અર્થે આવવા માંગો છો તો IELTS માં ઓછામાં ઓછા ૬ બેન્ડ અપેક્ષિત છે. જે વ્યવસાય નોકરી કરતા હોવ એ મુજબની નોકરી માટે કેનેડા ના કોઇ એમ્પ્લોયર તરફથી વર્ક પરમિટ માટે ડોક્યુમેન્ટ જરુરી છે. હું ભારતમાં હતો ત્યારે મારા પત્નીની નોકરીનું સ્થળ દર બે વર્ષે બદલાતું રહેતું અને મારી નોકરી એક જ સ્થળે રહેતી હોઇ સોમવારથી શનીવાર મારે એકલાં રહેવાનું થતું. આથી શિક્ષકની નોકરી સાથે સાથે મેં વન ટેન રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ, મહેસાણા માં મેં સાંજ થી મોડી રાત્રી મેનેજર તરીકે નોકરી શરૂ કરેલ. વન ટેન રેસ્ટોરન્ટમાં મળતા પગારમાંથી મેં વિદેશ ફરવાનું નક્કી કરેલ. યુરોપ, અમેરિકા અને કેનેડા ફરતાં ફરતાં મને વિદેશ વસવાટ નો મોહ વધ્યો. જોકે વિદેશ માં વસવાનું મેં ૨૦૧૧ માં સંકલ્પ કરેલ પરંતુ વન ટેન રેસ્ટોરન્ટ ના અનૂભવને કારણે મારું સ્વપ્ન પુરુ થયું. સદનશીબથી મને કેનેડામાં રેસ્ટોરન્ટ માં સૂપરવાઇઝર તરીકે કામ કરવાની તક મળી. કેનેડામાં નાનું ગામ હોય કે મોટું શહેર પાયાની સગવડો સરખી મળી રહે. હું સસ્કાચવાન રાજ્યના નાનકડા ગામમાં રહું છું. અમારા ગામની વસ્તી ૪૦૦ વ્યક્તિ હશે પરંતુ લફલેશ-સ્વર્ગ જેવું સુંદર પ્રેમાળ અને હંમેશા ધબકતું. જો ખરેખર કેનેડાને જાણવું હોય, માણવું હોય કે કેનેડીએ તરીકે જીવવું હોય તો નાના ગામડા (small town)માં રહેવાનું પસંદ કરવું. મારી દૃષ્ટિએ કેનેડા શાંતિ થી રહેવા માટે સૌથી વધુ સારો દેશ છે.