Saturday, January 4, 2014

વાંસળી વાળો

આપ કયારેક અમદાવાદ  યુનીવર્સીટી થી નહેરુનગર તરફ જતાં રસ્તે સાંજના સમયે નીકળ્યા હશો તો કદાચ એક સરસ મજાની વાંસળીના સુર સાંભળ્યા હશે...?? સાંભળ્યાં છે ???

યુનીવર્સીટીથી નહેરુનગરના રસ્તે એક ગરીબ અપંગ કાકા પોતાની ઘોડીના સહારે ઉભા રહી વાંસળી વગાડતા હોય છે. મોટે ભાગે તે અહી સાંજના સમયે જ જોવા મળે છે. ક્યારેક સમયની મોકળાશ મળ્યે હું તેમની વાંસળી સાંભળવા ઊભો રહું છું. આમ તો મેં એમની વાંસળીમાં મોટેભાગે એક જ ગીત વાગતું સૌથી વધુ સાંભળ્યું છે, "મેરી કિસ્મત મેં તું નહી શાયદ, કયું તેરા ઈન્તેજાર કરતા હું, મેં તુજ્હે કલ ભી પ્યાર કરતા થા, મેં તુજ્હે અબભી પ્યાર કરતા હું...." આ ગીત વગાડતી વખતે આ અશકત કાકા ખરેખર વાંસળીના સૂરમાં જીવ રેડી દે છે અને એવી તો સુમધુર વાંસળી વગાડે છે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. ખાસ કરીને આ ગીત વગાડતા વૃધ્ધ કાકા પોતાની ગરીબી , દુ:ખ, દર્દ બધુંજ ભૂલી જતાં હોય તેમ અનુભવાય છે. ગઇકાલે હું થોડો ડીપ્રેશનમાં હતો. શાંતિથી મે વાંસળી સાંભળી હળવો થયો. એમની નજીક જઇને પૂછ્યું કાકા આટલી સરસ વાંસળી વગાડો છો તમે, લ્યો આ મારા તરફથી નાનકડી ભેટ, ભેટના રૂપમાં મેં આપેલા કેટલાંક પૈસા પોતાની વિવશતાનો સ્વીકાર કરી તેમણે સ્વીકાર્યા. જતાં જતાં મેં હસીને પૂછી લીધું કે, કાકા આ તમે દર્દ ભર્યું ગીત કેમ વગાડો છો ? તમે પણ કોઈના દગાનો ભોગ બન્યા છો. .?, હસીને કાકાએ જવાબ આપ્યો કે આ ગીત તો હું મારી જિંદગીને ટાંકીને વગાડું છું કે, "હે જિંદગી મારી કિસ્મતમાં તું નથી કદાચ, તોય તને મારી ઈચ્છાએ જીવવાની ઝંખના ઘણી છે." આ સાંભળી મને સ્વર્ગસ્થ શ્રી ઉમાશંકર જોશીની કાવ્ય પંકિત યાદ આવી, 'ત્રણ વાના મુજને મળ્યા, હૈયું-મસ્તક અને હાથ, જા ચોથું માલે નથી જોઇતું તેં બહુજ દૈ દીધું રઘુનાથ...' ધંધાની અસ્થિરતાના કારણે હું થોડો ચિંતીત હતો. મને જુસ્સો મળ્યો આગળ વધવાનો.... ક્યારેક તમે અમદાવાદના આ રસ્તેથી પસાર થાઓ ત્યારે તે વાંસળીવાદકના સુર સાંભળવાનું ન ભૂલતા.. જીવનનો અર્થ અને પરમાત્માએ જે કાંઇ આપ્યુ છે તેનું મહત્વ સમજાઇ જશે....

No comments: