એક દિ’ સર્જકને
આવ્યો,
કઈંક અજબ જેવો
વિચાર,
દંગ રહી જાય જગત
તેવું,
કરું હું કઈંક સર્જન
એવું...
પંચ મહાભૂતો મેળવી એ
સર્વનું મંથન કર્યું,,
એમ એક દિ' સર્જકે એક
‘નારી’નું સર્જન કર્યું.
નારી એ ઈશ્વરની એક અનન્ય અને અમૂલ્ય એવી વિશ્વને મળેલી સૌથી મોટી ભેટ,
સૌથી મોટો આશીર્વાદ છે. આપણા ધર્મશાસ્ત્રો, વેદો દરેકમાં નારીને એક વિશિષ્ઠ સ્થાન
મળ્યું છે. સ્ત્રીને શક્તિરૂપ ગણવામાં આવી છેઅને તેનો મહિના પણ ગવાયો છે. દેવો જે
અસુરનો નાશ નહોતા કરી શકતા તેમના નાશ માટે દેવી (સ્ત્રી)નું આહવાન કરવામાં આવતું. આપણા
ઋષિમુનીઓએ,સંતોએ નારીનો મહિમા ગાઈને તેને એક ગરિમા,એક સન્માન આપ્યું છે.આદિ
અનાદિકાળથી નારીને ‘નારાયણી’ અર્થાત ‘નારાયણ’નું એક સ્વરૂપ માનવામાં આવે છે. તેનો
મહિમા ગાતા જણાવ્યું છે કે જે ઘરમાં સ્ત્રીઓનો વાસ છે તે ઘરમાં દેવતાઓ રમે છે. આમ
પ્રાચીનકાળમાં સ્ત્રીઓ સમાજમાં પૂજનીય અને વિશિષ્ઠ દરજ્જો ભોગવતી. સમયાંતરે તેનું
આ સ્થાન, તેનો દરજ્જો જોખમમાં મુકાતા ગયા અને સ્ત્રીઓ મુખ્ય પ્રવાહમાંથી દુર થઇ
હાંસિયામાં ધકેલવા લાગી. તેનું અસ્તિત્વ જોખમમાં મુકાવા લાગ્યું.
સૃષ્ટિના સર્જનની શરૂઆત
કે જરૂરિયાત એ પ્રકૃતિના મૂળ પાસા શિવ અને શક્તિ, નર અને માદા, સ્ત્રી કેસર અને
પુંકેસર આ બંનેના મિલનથી જ થાય છે. પરિણામે
આ સૃષ્ટિમાં ઘણા લોકો એવું કહી શકે છે કે સંસાર રથના બે પૈડા એટલે સ્ત્રી અને
પુરુષ જે એકદમ સાચી વાત છે. પ્રાચીન સમયથી જ સ્ત્રીનું મહત્વ,જરૂરિયાત અને
ક્ષમતાને ઉચિત દરજ્જો અને માન અપાયું હતું પરંતુ સમાજ જેમ જેમ બનતો ગયો માણસ
ટોળામાંથી સમુહમાં, સમુહમાં થી સમાજમાં, સમાજમાંથી ગામમાં પરિવર્તિત થતો ગયો તેમ
તેમ સમાજની રીતે કહીએતો સમાજ સુધરતો ગયો.પણ સ્ત્રીને તબક્કાવાર રીતે બીજા
નાગરિકનું સ્થાન મળ્યું. પીતૃસત્તાક સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી ગઈ ગઈ.અલબત્ત
કોઈક કુટુંબોમાં સ્ત્રીઓ વધારે શક્તિશાળી નિર્ણયશીલ અને દ્રઢ નિશ્ચયી હોય તો તે
કુટુંબનું સંચાલન તે સ્ત્રી કરતી પરંતુ નામ પુરુષનું હોતું કેમકે સમાજે પીતૃસત્તાક
વ્યવસ્થા સ્વીકારી લીધી હતી.વિશ્વના બધાજ ખંડોમાં લગભગ આ સ્થિતિ રહી.જેને આપણે ઓછા
સંસ્કૃત, આદિવાસી કહીએ છીએ કે જેઓ પ્રકૃત્તિની વધારે નજદીક હતા સમાજની નહિ તેઓએ
સ્ત્રીને પુરુષ સમાન દરજ્જાનો અથવા તેનાથી પણ વધારે ઉંચા દરજ્જા પર રાખેલી કારણકે
તે પ્રકૃતિની વધુ નજીક હતો સમાજની નહિ. પ્રકૃતિમાં દરેક વસ્તુ સમાન છે, દરેકનું
અલગ સ્થાન છે. સમાજે હંમેશા અધીપત્યનું સ્થાન આપ્યું છે.
એક સમય એવો હતો કે સ્ત્રીઓ
આપણા સમાજમાં વિશિષ્ઠ દરજ્જો ભોગવતી, સ્ત્રીઓ વિદ્યા અભ્યાસ પણ કરતી અને સ્ત્રીઓ
વિદુષી પણ હતી. પરંતુ એક એવો તબક્કો આવ્યો જ્યાં સ્ત્રીઓનું સ્થાન નીચું થતું ગયું
પરિણામે તેને પડદામાં રાખવામાં આવી, ઓઝલમાં રાખવામાં આવી...હદ તો ત્યાં થઇ કે
સ્ત્રીને એક સંપતિ માનવામાં આવી. આપણે જાણીએ છીએ કે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની
પત્ની દ્રૌપદીને પોતાની સંપત્તિ ગણી તેને ભરી સભામાં દાવમાં મુકે છે તે દ્વાપરયુગ.
રામાયણ કાળમાં રાવણ જેવાં પુરુષો અન્ય કોઈની પત્નીને ઉપાડી લઇ જાય અને તે પત્નીએ
ઘરે પાછા ફરતી વખતે પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિ પરિક્ષા આપવી પડતી. વાલી-સુગ્રીવ
વચ્ચેનું યુદ્ધ થયું તેમાં પણ તારા જ હતી. એક સ્ત્રી પર અધિપત્ય મેળવવાનો જ આ જંગ
હતો.
પ્રાચીન સમયથી આધુનિક યુગ તરફ ગતિ કરતા કરતા સ્ત્રીનું સ્થાન ક્યારેક
ખુબ ઉચ્ચ દરજ્જા પર તો ક્યારેક ખુબ નીચે રહેતું આવ્યું છે. તબક્કાવાર જોઈએ તો
ભારતમાં મધ્યકાલીન સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ સાવ બદતર હતી. જેની પાછળનું મૂળ કારણ
વિદેશી આક્રમણકારો ગણાવી શકાય. તેઓ જે તે પ્રદેશ પર ચડાઈ કરતા, જીતી જાય તો જે તે
પ્રદેશને લુંટતા અને તે પ્રદેશની સ્ત્રીઓ અને બાળકોને ઉપાડી જતાં. બાળકોને ગુલામ
બનાવતા અને સ્ત્રીઓને ભોગવતા, શોષણ કરતા કે વેચી મારતાં. સ્ત્રીઓની સ્થિતિ દયનીય
બનતી આથી સ્ત્રીઓને ઓઝલમાં રાખતાં. રાણી પદ્મિનીએ અલ્લાઉદીન ખીલજીના આક્રમણને અંતે
જોહર કરવું પડેલ તે આપણે જાણીએ છીએ. આમ વિદેશીઓના આક્રમણને પરિણામે સ્ત્રીઓને ઘરની
બહાર નીકળવા પર પ્રતિબંધ આવ્યો અને પડદામાં રહેવાની સ્થિતિનું નિર્માણ થયું. એ જે
તે સમયની સ્ત્રીની સલામતી માટેની માંગ કે વ્યવસ્થા હતી જે સમયાંતરે રૂઢી-રીવાજ બની
ગઈ. વિદેશી આક્રમણો બંધ થવા છતાં સ્ત્રીઓની પરિસ્થિતિમાં સુધારો આવવાના બદલે
પાબંધિઓ વધતી ગઈ. પંદરમી-સોળમી સદીમાં ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ ખુબ જ કરુણ
બની.જેમાં બાળકીને દૂધ પીતી કરવી, પતિના મૃત્યુ બાદ તેની ચિતા પર સળગીને સતી બનવું
પડતું, વિધવા પુનઃવિવાહ પ્રતિબંધ જેવાં દુષણો ફૂલ્યા ફાલ્યા.આવા સમયે રાજારામ
મોહનરાય, મહાત્મા જ્યોતિબા ફૂલે, ગાંધીજી, દયાનંદ સરસ્વતી જેવાં સમાજ સુધારકો અને
સંતોએ સ્ત્રીઓની આ પરિસ્થિતિ દુર કરવા માટે ઝુબેશ ચલાવી આ સામાજિક દુશાનોને દુર
કરવા માટે સફળ પ્રયત્ન કર્યા. પરિણામે સ્ત્રીઓને પતિના મૃત્યુ બાદ જીવવાનો અધિકાર
મળ્યો.
હવે આઝાદ ભારતની વાત કરીએતો તે સમયે પણ સ્ત્રીઓની પરિસ્થિતિ સુખદ ન
કહી શકાય! સ્ત્રીઓ વિદ્યાભ્યાસ કરવાની તક નહોતી મળતી. પડદા પ્રથા અને દહેજ પ્રથા
જેવાં દુષણો ફૂલ્યા ફાલ્યા હતાં અને કદાચ આથી જ
સ્ત્રી જન્મને અશુભ માનવામાં આવતો. દીકરીનો જન્મ આપનાર માતા સમાજ અને
પોતાના જ કુટુંબમાં અપ્રિય થઇ પડતી. વળી કેટલાંક સમાજમાં સ્ત્રીઓને પગરખા પહેરવા પર પણ પ્રતિબંધ હતો.
રસ્તામાં પસાર થાય અને જો તેને પુરુષ સામે મળે તો મર્યાદાના નામે એક બાજુ ઉભા રહી
જવું પડતું, તેને મોટો ઘૂમટો તાણવો પડતો, આવી તો તે સમયની સ્ત્રીઓની અવદશા હતી. આમ
જોવા જઇએતો આઝાદી પછી સ્ત્રીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનું બુદ્ધિ જીવીઓના
ધ્યાન પર આવ્યું અને તેમને સ્વીકાર્યું કે સમાજના દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓની
સહભાગીદારી ખુબજ જરૂરી છે. સ્ત્રીઓની હાલની પરિસ્થિતિમાં સુધારો લાવવો એ સમયની
માંગ અને જરૂરિયાત છે.આથી જ કાયદાકીય જોગવાઈ દ્વારાસ્ત્રીઓ વિદ્યાભ્યાસ કરી શકે તે
માટે મફત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી જેથી કરીને સ્ત્રીઓ શૈક્ષણિક અને આર્થિક
રીતે સધ્ધર બને. એટલુંજ નહિ, સ્ત્રીઓ સ્પર્ધાત્મક યુગમાં પુરુષથી પાછળ ન રહી જાય
તે માટે ૩૩% અનામતની પણ જોગવાઈ કરવામાં આવી. સમાજમાં સ્ત્રીઓના અસ્તિત્વને પડકારરૂપ
હોય તેવી તમામ બાબતોમાં વિશેષ કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું. જોકે દુઃખ સાથે
કહેવું પડે કે આજે પણ આ બધીજ વ્યવસ્થાઓ હોવા છતાં કે સ્ત્રીઓને ૩૩% અનામત મળવા
છતાય તેની આ પરિસ્થિતિમાં વધુ ફર્ક પડ્યો નથી. ક્યારેકતો ગામડામાં મહિલા સરપંચના
હોદા્ પર હોય પણ સરપંચની કામગીરી તેનો પતિ કરતો હોય છે અને આ વાત ગામને ખબર હોવા
છતાં આપણા પુરુષપ્રધાન સમાજમાંથી વિરોધનો
સુર પણ ઉઠતો હજી જોવા મળતો નથી. આ છે આપણી માનસિકતા!
સ્ત્રીઓના પ્રશ્નો ને જાણવા,સમજવા આપણે પરકાયા પ્રવેશ કરવો જોઈએ અર્થાત
સ્ત્રીની દ્રસ્ટીથી વિચારવું જોઈએ. આપણી સામાજિક વ્યવસ્થા જ જુઓને –દીકરી બાપના
ઘરે અનામત ની જેમ ઉછરે અને કોઈક છોડને મૂળમાંથી ઉખાડી નાખવા આવે તેમ દીકરીને સાસરે
વળાવી દેવામાં આવે.ત્યાં નવી પાશ્ચાદ ભૂમિકામાં તેને અનુકુલન સાધવાનું અને પારકાને
પોતાના કરી દેવામાં પોતાના અસ્તિત્વને પણ ભૂલી જઈને સમર્પણ, સહનશીલતા,ત્યાગનાં નામના
રૂપાળા વાઘા પહેરી લેવાના અને બાપની આબરૂ સાચવવાના હોડમાં પોતાના ગમા અણગમા ને પણ વિસારે પાડી દેવાના ! આ પુરુષપ્રધાન
સમાજવ્યવસ્થા માં ક્યાંય જોયું કે કોઈ
ભાઈ, પતિ,દીકરો કે કોઈ બાપે કોઈ બહેન,પત્ની કે
દિકરી, માટે કોઈ વ્રત તપ,જપ ,ઉપવાસ કે કોઈ તિથી કરી હોય ? સ્ત્રીની રક્ષા
માટે કોઈ રાખડી પણ બાંધી હોય? ના ! કેમ ?સ્ત્રીઓ ને જ આ બધું કર્યા કરવાનું ? આ
તમામ વ્યવસ્થામાં પિતૃસત્તાક્પ્રધાન માનસિકતા પ્રખર રીતે સામે આવે છે.
માત્ર
ભારત જ નહિ પણ અન્ય દેશો પણ એવા છે ક જ્યાં સ્ત્રીઓ ની સ્થિતિ દયનીય બની છે. વારીશ
ડોરીશ નામની એક મોડેલે પોતાની આત્મકથા- ‘રણમા ખીલ્યું ગુલાબ’ માં ત્યાની સ્ત્રીઓની
દયનીય પરિસ્થિતિનું વર્ણન કર્યું છે જે સભ્યસમાજના રુવાડા ખડા કરી દેનારં છે.
બ્રિટન જેવા સુવિકસિત દેશમાં પણ સ્ત્રીઓ ને મતાધિકાર ભારત પછી આપવામાં આવેલો જેના
માટે ત્યાની સ્ત્રીઓ એ રીતસર લડત ચલાવવી પડી હતી. અફઘાનિસ્તાન જેવાં દેશોમાં
સ્ત્રીઓને ભણવાનો અધિકાર નથી તે આપણે જાણીએ છીએ.
આપણે જાણીયે છીએ કે શારીરિક,માનસિક કે સર્જનાત્મકતાની રીતે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં
પુરુષ કરતાં પાછળ નથી જ,જયારે જયારે તેને તક મળી છે ત્યારે તે આકાશ કે અવકાશ,
પૃથ્વી પર કે પાણીમાં પોતાની શક્તિનો પરચો આપી ચુકી છે. લક્ષ્મીબાઈ તેમજ અહલ્યાબાઈ
જેવી બહાદુર સ્ત્રીઓએ લશ્કરની આગેવાની લઇ યુદ્ધ લડ્યા છે. મેરી કોમ, પી.ટી
ઉષા,સાઈના નહેવાલ,જ્વાલા ગટ્ટા,લજ્જા ગોસ્વામી જેવી મહિલાઓએ રમત ગમત ક્ષેત્રે ભારત
દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. રાજકારણ ક્ષેત્ર્મ પણ જોઈએ તો સરોજીની
નાયડુ, સુચેતા કૃપલાણી જેવી મહિલાઓએ પોતાનું યોગદાન આપેલ છે. અરે આવીતો કેટલીયે
સ્ત્રીઓ છે જેમને પોત પોતાના ક્ષેત્રમાં વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. મધર
ટેરેસા, અરુંધતી રોય, અર્પણા પોપટ, કલ્પના ચાવલા,સુનીતા વિલિયમ્સ,બચેન્દ્રી
પાલ,મીરાંબાઈ, અમૃતા પ્રીતમ, મૃણાલીની સારાભાઇ, કિરણ બેદી, અમૃતા શેરગીલ જેવાં
અનેક સ્ત્રીઓ માટે દેશ ગર્વ અનુભવે છે. તેમ છતાં આપણે સ્ત્રી ગરીમાને બીજા ક્રમે
રાખી છે. આ દેશમાં વિદુષી ગાર્ગી, લીલાવતી અપાલા, મૈત્રેઈ, લોપા મુદ્રા જેવી
જ્ઞાની સ્ત્રીઓ વાદવિવાદમાં ભલા ભલાં પ્રખર પંડિતોને પોતાના જ્ઞાનનો પરચો આપ્યો
છે. આ વિદુષી મહિલાઓએ વેદોની ઋચાઓ પણ લખી છે.
જે ઘર ચલાવી શકે તે દેશ પણ ચલાવી શકે છે, પરંતુ આપણે સુકાન આપવું હોય
તો ને ? આ વિષય પર મારે ટૂંકમાં અને સ્પષ્ટ અભિપ્રાય આપવાનો હોય તો એ છે
પ્રાચીનકાળથી અત્યાર સુંધી સાતત્ય પૂર્વક જોઈએતો આપણે નારીની ઈરાદા પૂર્વક માત્ર
ઊપેક્ષા જ કરી છે. માત્ર ભારતમાં જ આ સ્થિતિ નથી વિશ્વના ઘણા દેશો સ્ત્રીને સમાન
ગણવામાં ઘણા પાછળ છે. એક વીસમી સદીમાં એજ દેશો તાકી શકાશે કે જે દેશો સ્ત્રીઓની
ગરીમાને પ્રથમ સ્થાન આપશે અને તેને પુરુષ સમોવડી ગણીને તેની પર વિશ્વાસ મુકીને
તેને પ્રગટ થવાની તક આપશે. જે સમાજ કે દેશ સ્ત્રીઓને દ્વિતીય સ્થાન આપશે તે સમાજ
ઉકેલાઈ જશે. અરે સ્ત્રીઓ વિનાના સમાજની કલ્પનાતો કરો !! હજી હમણાજ ‘માતૃભૂમિ’
નામની ફિલ્મ આવેલ આ ફિલ્મ બહુ ચાલેલ નહિ પરંતુ તેમાં કરેલ કલ્પના અદભૂત કહી શકાય.
આ ફિલ્મમાં કલ્પેલ એક એવું ગામ જેમાં
માત્ર પુરુષો જ એક પણ સ્ત્રી નહિ. અને સ્ત્રીઓ વગરના આ ગામમાં પુરુષોની
માનસિકતા કેવી હોય !! વિચારી શકો ખરા ?? કેવી ભયજનક અને દારુણ સ્થિતિ છે ? જો
દીકરી નથી તો વહુ નથી, જો વહુ નથી તો વંશ નથી અને વંશ નથી તો સમાજ કેવી રીતે ?
જ્યાં જ્યાં સ્ત્રીઓને તક મળી છે, ઉછરવાની તક મળી છે ત્યાં ત્યાં
તેમને પોતાનું અસ્થીત્વ સાબિત કરી બતાવ્યું છે. આપણે આપણા ઘર, ઓફિસ, સોસાયટી,
સમાજમાં વિચારીએ કે મારી દીકરી મારી પત્ની, મારી બહેન, મારી માં, મારી મિત્ર- એ જે
કોઈ પણ હોય તેને હું મારા કરતા કયા સ્થાને જોઉં છું. જો આપણે સ્ત્રીઓને આપણા
સમોવડિયા સ્થાને જોઈએ છીએ તો આપણે પ્રગતિના પંથે છીએ, જો આપણે તેને આપણાથી વધારે
આગળના સ્થાને જોઈએ છીએ તો પ્રગતિના પંથમાં ઘણા આગળ છીએ અને જો આપણે સ્ત્રીને આપણી
પાછળ જોઈએ છીએ તો પ્રગતિના પંથે ઘણા પાછળ છીએ. અને અંતે એટલું જ સ્વીકારી વેદોમાં
જણાવ્યું છે તે કહીશ કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે,રમન્તે તત્ર દેવતા’.
(આ લેખ લખવા માટે મને માર્ગદર્શન આપનાર મારા મિત્ર
શ્રીપ્રકાશભાઈ પરમાર, કો -ઓર્ડીનેટર,કીમ (સુરત) અને મારા ધર્મપત્નીશ્રીનો હું હૃદય
પૂર્વક આભારી છું... -કેતન ઠાકર )
No comments:
Post a Comment