Tuesday, November 4, 2014

EID and Muharram ...
















આવો જાણીએ ઇસ્લામિક  તહેવાર  બકરી ઇદ અને મહોરમ  વિશે . આપણાં  વિદ્યાર્થીઓને પણ સમજાવશો જેથી વિદ્યાર્થીઓ તમામ જ્ઞાતિના ધાર્મિક તહેવારો વિશે જાણી તહેવારો નું મહત્વ જાણે અને પરસ્પર ભાઇ ચારો કેળવે....

ઈદ ઉલ જુહા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે.

ઈસ્લામી વિશ્વાસ મુજબ, ઈબ્રાહીમની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઈસ્લાઈલને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. જ્યારે તેણે પોતાનુ કામ પુરૂ કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો. વેદી પર કપાયેલ બકરીનુ બચ્ચુ પડ્યુ હતુ. આ તહેવાર ત્રણે દિવસોમાંથી એક દિવસ, પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે ૪૦૦ ગ્રામ કે તેનાથી વધુ સોનુ છે, બકરો, ઘેંટુ અથવા કોઈપણ ચારપગવાળા પશુને કુર્બાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે. ઈદની નમાઝ પછી કુરબાનીનુ ગોશ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીની ખાવામાં આવે છે.

ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. મુસ્લિમ બિરાદરોની આખા વર્ષમાં બે ઈદ હોય છે. પ્રથમ રમજાન ઈદ જેને અરબીમાં ઈદ-ઉલ-ફીત્ર કહેવાય છે અને બીજી ઈદ એટલે કે બકરી ઈદ જેને અરબીમાં ઈદ-ઉઝ-ઝુહા કહેવાય છે. આ બન્ને તહેવાર મુસ્લિમો માટે વિશેષ મહત્વ ધરાવે છે. જેમાં સમર્પણ ભાવની અનૂભુતિ કરાવતી બકરી ઈદ મોહમ્મદ પયગંબર (ઈસ્લામ ધર્મના સ્થાપક)ના સમર્પણને યાદ કરી ઉજવવામાં આવે છે. બકરી ઈદના દિવસે કુરબાનીનું વિશેષ મહત્વ હોય છે.

બકરી ઈદના દિવસે બલિ માટે જરૂરી પશુઓનું વેચાણ અનેક દિવસો અગાઉ શરૂ થઈ જાય છે. જેમાં બકરી, ઘેટા અને પાડા સહિત ચારપગવાળા પશુઓને ખરીદવામાં આવે છે. બકરી ઈદના મહિના અગાઉથી જ મોટાપાયે પશુઓની ખરીદી શરૂ થઈ જાય છે. બલિદાન માટે એકદમ તંદરસ્ત અને કોઈપણ ખામી વિનાના પશુની પસંદગી કરવામાં આવે છે. ઈસ્લામ ધર્મના જાણકારોના મતે પશુ બલિદાન કરી મુસ્લિમો સ્વાર્પણના ભાવનાની અનુભૂતિ કરે છે.

બકરી ઈદનું વિશેષ મહત્વ

    ઈદ-ઉલ-ફીત્ર (રમજાન ઈદ)ની જેમ આ ઈદ-ઉઝ-ઝુહા (બકરી ઈદ) પણ વિશેષ મહિમા ધરાવે છે. કારણ કે આ પર્વ પોતાની જાત સહિત સર્વસ્વ ધન, વૈભવ, સિદ્ધાંત, ન્યાય અને સત્ય માટે નિછાવર કરવાનું આહવાન આપે છે.
    મુસ્લિમ બિરાદરોના મતે જીવનમાં એક વખત પણ હજયાત્રાએ ગયેલી અથવા ન ગયેલી વ્યક્તિ આ દિને પશુબલિ ધરવાનું પોતાનું કર્તવ્ય સમજે છે. મક્કા નગરીમાં હજની ફરજ અદા કર્યાની સમાપ્તિના વળતે દિવસે ઈદ-ઉઝ-ઝુહા ઉજવવામાં આવે છે. આ તહેવાર હજ (સઉદી અરબના મક્કાની ધાર્મિક યાત્રા) ના પૂરા થવાનુ પણ પ્રમાણ છે.
    પરંપરા અનુસાર ધનિક પરિવારમાં પ્રતિ વ્યક્તિ એક જાનવર કુરબાનન કરીને માંસનું એક ભાગ ગરીબ લોકોમાં વહેંચવામાં આવે છે.
    જે લોકોની યથાશક્તિ ઓછી હોય એ પરિવારમાં એક જાનવરની કુરબાની કરવામાં આવે છે.
    બહુ જ ગરીબ લોકો 60થી 70 પરિવારો સાથે મળીને એક જાનવરની કુરબાન કરી શકે છે. (સાભાર 'સંદેશ'...)
બકરી-ઈદ ના આ પવિત્ર તહેવાર વિશે આપ વિશેષ જાણવા જેવી વાત શેર કરવા માંગતા હોવ તો આપણી તમામ શાળાઓ ને ઇ મેઇલથી લખી જણાવી શકો જેથી વિદ્યાર્થીઓ ને પૂરતું જ્ઞાન-માહિતી આપી શકાય....

મહોરમ....

ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગયા 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સરચાઇની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિન્હ સમજે છે.

હુઝુર સરવરે કાએનાત અને તેમના સાથીદારોએ અસંખ્ય તકલીફો અને હજારો કીમતી જીવોની કુરબાની આપીને જે રાજય સ્થાપિત કર્યું હતું, તે સામ્રાજય યઝીદ જેવા દુરાચારી શકિતના કબજામાં આવી ગયું, જે ન તો ઇસ્લામી તઅલીમનો દિલથી સ્વીકાર કરતો હતો, ન તો એવા હક્કોને મહત્ત્વ આપતો હતો, જેનો સંબંધ માનવતા અને અખ્લાકિયાત (આચારશાસ્ત્ર)ની સાથે હોય. યઝીદમાં તે તમામ બુરાઇઓ હતી, જેનું અસ્તિત્વ કોઇ પણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય છે. યઝીદ પોતાની રીતે જે મનમાની કરવા ચાહતો હતો, તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પયગમ્બરે ઇસ્લામની તે તઅલીમ હતી, જે ન કેવળ અરબવાસીઓ બલકે સમગ્ર માનવજાત માટે દીવાદાંડી સમાન હતી.

યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે, તે સમયના અમીર ઉમરાવો પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા તથા દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે. પરંતુ જનાબે હુસેન, જે રિસાલતના ખોળામાં પોષણ પામ્યા, તેમની જ છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે, તેમને કોઇ લાલચ-આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં. આ હાલતમાં (યઝીદ) તેમના ઇન્કારને બહાનું બનાવી (તે) લોકમતને પોતાના હક્કમાં ફેરવી શકશે, તેવું તેનું માનવું હતું. પરંતુ હજરત હુસેનના જેવા સિદ્ધાંતવાદી અને કર્મવીર ઇન્સાનની નજરોમાં કેવળ જિંદગીની ફાની સમૃદ્ધિઓ જ સર્વસ્વ ન હતી. તેમની નજરો સમક્ષ તો માનવીય અધિકારોનું રક્ષણ હતું, જે તેમના નાનાજાન હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમની પાયાની તઅલીમ અને સિદ્ધાંતોનો મૂળ હેતુ હતો. કરબલાના મયદાનમાં હજરત ઇમામ હુસેને જે કુરબાની આપી, તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો બહુ જોશ અને જઝબા સાથે મનાવે છે.

10મી મોહરમે સઘળા સાથીઓ ભૂખ અને તરસની હાલતમાં યઝીદના લશ્કરનો મુકાબલો કરતાં-કરતાં શહીદ થઇ ગયા. નિકટના કુટુંબીજનોમાં બત્રીસ વર્ષના જુવાનજોધ ભાઈ, નવજુવાન હજરત અબ્બાસ હતા. તે કુરાત નદીમાંથી પાણી ભરવા ગયા, જેથી નાનાં-બાળકોની તરસ મિટાવી શકે, જે તંબુમાં તરફડી રહ્યાં હતાં. હજરત બંને હાથ કપાવીને શહીદ થઇ ગયા. જનાબે હુસેનના નવજુવાન પુત્ર અલી અકબર છાતીમાં ભાલો ખાઇને યાદગાર શહાદત મૂકી ગયા. મોટાભાઈ હજરત ઇમામ હસન રદિયલ્લાહો અન્હોના જુવાન પુત્ર હજરત કાસિમ પણ શહાદત પામ્યા. તેમની બહેન હજરત ઝયનબ (ઝેનબ)ના બંને નવજુવાન ફરજંદો યઝીદી ફોજ સાથે લડતાં-લડતાં શહીદ થઇ ગયા. છ મહિનાના નાનકડા ફરજંદ અલી અસગરની તરસ અને સાત તીર લાગવાથી આ બાળકની શહાદત, એક એવી ઘટના છે, જે કોઇ પણ માનવીના હૃદયને ડગમગાવી દેવા માટે કાફી થઇ શકે છે. તેમની શહાદતની મહાનતાનું આ એક મહાન દૃષ્ટાંત છે, જેના પર સમગ્ર માનવજાત વાસ્તવિક રીતે ગર્વ લઇ રહી છે.


આમ, ‘કિસ્સા-એ-કરબલા’, એ મહાન માનવીય આદર્શોઅને માનવ ગૌરવને જિંદગી બક્ષવાનું કારણ બની હજરત ઇમાન હુસેને (ર.અ.) કરબલાના મેદાનમાં અમલી રીતે, એ સાબિત કરી બતાવ્યું કે, ‘કોઇ પણ અત્યાચાર અને દમન વિરુદ્ધ માથું ઝુકાવવાને બદલે, માનવ-અધિકાર માટે મૃત્યુને શરણ થવું, તેનું જ નામ અમલ છે.’

ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડું પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે.


સુરતનો ઇતિહાસ નવાબ અને મુઘલ સામ્રાજ્યથી ભરપુર છે. આજે સુરતમાં મુસ્લિમ બિરાદરો તાજિયાનું જુલૂસ કાઢીને આ શોકના તહેવારની ઉજવણી કરશે. આ તાજિયાઓમાં સલાબતપુરાના મેમનાવાડના તાજિયાની સવારી છેલ્લાં ૧૨૯ વર્ષથી એક જ લારી પર કાઢવામાં આવે છે અને આ લારી પર ૧૮૮૫માં પહેલીવાર સુરતમાં તાજિયા કાઢવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય વાત એ છે કે આ લારી સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ઇંગ્લેન્ડથી મંગાવવામાં આવી હતી.

ઈમામ હુસેન સાહેબની કરબલામાં વહોરેલી શહાદતના શોકમાં નીકળતું આ જુલૂસ છેલ્લાં ૧૨૯ વર્ષથી ચાલતું આવે છે. ઇતિહાસમાં નોંધાયું છે કે સુરતમાં કલાત્મક તાજિયાનું જુલૂસ કાઢવાનો પ્રથમ શ્રેય સલાબતપુરામાં રહેતા મોમનાવાડના મુસ્લિમ બિરાદરોને જાય છે. ઈ.સ. ૧૮૮૫માં બોરાજીવાલાના તાજિયા તરીકે ઓળખાતો સૌપ્રથમ તાજિયો બનાવવામાં આવ્યો હતો. ૨૦-૦૮-૧૮૮૫માં પહેલી વખત તાજિયાના જુલૂસ માટે પહેલીવાર પરવાનગી આપવામાં આવી હતી. આ વખતે તાજિયાના વહન માટે ખાસ ઇંગ્લેન્ડથી 'લંડન એન્ડ વોટફોર્ડ' કંપનીની લોખંડની લારી તે સમયે મંગાવવામાં આવી હતી. આ લારીની ખાસીયત છે કે તેમાં તે સમયે બ્રેક સાથે ત્યાંથી આયાત કરવામાં આવી હતી. ૧૪૦૦ કિલોની વજનની આ લારી તે સમયે રૃ. ૩૭૪માં ખરીદી હતી.

બોરાજીવાલા પરિવારના હાલના વંશજ મુનવ્વરભાઈ મોમના જણાવે છે કે આવી ચાર લારી સુરતમાં તે સમયે આવી હતી, જેમાં ત્રણ સલાબતપુરા મોમનાવાડમાં આવી હતી અને એક ગોપીપુરા મોમનાવાડમાં આવી હતી. સુરતમાં મોટા ભાગના તાજિયા શેરીઓમાં મંડપ બનાવીને બનાવાઈ છે, જ્યારે બોરાજીવાલા, મોટા મીંયાવાલા અને ભગતવાલાના તાજિયા માટે બ્રિટિશ કાળમાં સ્પેશિયલ મિલકત ખરીદવામાં આવી હતી, જ્યાં આજે પણ ફક્ત તાજિયા બનાવવાનું કામ કરવામાં આવે છે. આ લારીને સમયે સમયે રિપેર કરીને મેન્ટેન કરવામાં આવી છે અને આજે પણ આ લારી પર જ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા કાઢવામાં આવે છે.

તાજિયામાં હિન્દુઓ બાધા રાખે છે
૧૨૯ વર્ષથી સુરતના કોટ વિસ્તારમાં નીકળતા તાજિયાનું જુલૂસ માત્ર મુસ્લિમો માટે જ નહીં, પણ હિન્દુઓ માટે પણ એટલું જ શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. વર્ષોથી કોટ વિસ્તારમાં રહેતા ખત્રી, રાણા અને મોઢ વણિક સમાજના લોકો સહિત અન્ય હિન્દુ સમાજના લોકો પણ તાજિયાની બાધા રાખે છે. પોતાના ઘરે બાળક થાય તે માટે પારણાની, બાળક બોબળું બોલતું હોય તો તેના માટે બોલતા પોપટ સહિત, મિલકત અને અન્ય વસ્તુઓની પણ બાધા રાખે છે. આ બાધા ર્પૂિત માટે હિન્દુઓ પણ તાજિયાના જુલૂસમાં જોડાય છે. 
(સાભાર: 'સંદેશ' ઓનલાઈન સમાચાર પત્ર)

No comments: