આપણે જાણીએ છીએ તે મુજબ રાજ્યની પ્રાથમિક
શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માટે ભાષા શિક્ષકની નિમણુક કરવામાં આવી છે. ભાષા શિક્ષક કોઈ
પણ ભાષા સાથે સ્નાતક હોઈ શકે. તેમણે જે શાળામાં નિયુક્તિ મળી હોય તે શાળામાં
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા ફરજીયાત શીખવવાની રહે....ભલે તેઓને એ
ભાષાનું વિશેષ જ્ઞાન હોય કે ન હોય. એવાં ઘણા ગામ છે જ્યાં ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત
સાથે અભ્યાસ કરેલ અને ધોરણ દશ પછી ક્યારેય અંગ્રેજી વિષય ન ભણેલ શિક્ષક અંગ્રેજી
ભણાવે છે અથવા અંગ્રેજી ભણેલ શિક્ષક બીજી ભાષા ભણાવે છે. અંગ્રેજી ભાષા ભણેલ શિક્ષક
પોતાને મળતાં વાતાવરણ ને કારણે કદાચ અન્ય ભાષાઓ ભણાવી શકવા સમર્થ કહી શકાય પરંતુ
અન્ય ભાષામાં ઉચ્ચ અભ્યાસ મેળવેલ અને અંગ્રેજી ભાષા ન ભણેલ શિક્ષક માટે અંગ્રેજી
ભણાવવું અઘરું કહી શકાય. અન્ય ભાષા ભણાવનાર શિક્ષક પોતે જ માંડમાંડ અંગ્રેજીમાં પોતાનો
પરિચય બે વાક્યમાં આપતા હોય ત્યાં ભાષા શિક્ષણની અપેક્ષા કેવી રીતે રાખવી ? જે ગામમાં
અંગ્રેજી વિષય ન ભણેલ શિક્ષક ભાષા શિક્ષક તરીકે નિમણુંક પામેલ હોય તે ગામનું શું ?
આવા શિક્ષકની બદલી થાય નહિ અને ગામના નાગરીકો અંગ્રેજી જેવા વિષયથી વિમુક્ત રહે ?
આ સમસ્યાની ચર્ચા અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે કરાતાં અમદાવાદ જીલ્લાના
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવીબહેન દવે એ અમેરિકાના ડલ્લાસમાં રહેતાં અને
સામાજિક સેવા સાથે જોડાયેલ ઇન્ટેલ જેવી જ પ્રસિદ્ધ કંપનીમાં કામ કરી રિટાયર્ડ થયેલ
ડૉ અરવિંદભાઈ અમીન સાથે સંપર્ક કરી અમદાવાદ જીલ્લાના શિક્ષકોને અંગ્રેજી ભાષાથી
અવગત કરવા અને અંગ્રેજી ભાષામાં જ્ઞાનવૃદ્ધિ માટે પ્રોજેક્ટ અમલી કર્યો. ડૉ અમીન
એક સારા સામાજિક કાર્યકર છે અને તેઓએ વોલેન્ટરી બેઝથી (સ્વેચ્છાએ કોઈ પણ પ્રકારના
નાણાકીય લાભ વિના) આ કાર્યમાં જોડાવવાનું સ્વીકાર્યું. અમદાવાદ જીલ્લાના પ્રાથમિક
શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ મહેતા સાહેબનો મુખ્ય વિષય અંગ્રેજી હોઈ તેમજ તેઓનું ભાષા
શિક્ષણ માટે પેડાગોગી ક્નોવ્લેજ સવિશેષ હોઈ તેમના માર્ગદર્શન મુજબ દસક્રોઈ
તાલુકાના ૫૬ શિક્ષકો અને સીટી તાલુકાના ૨૬ શિક્ષકો સાથે પાયલોટ પ્રોજેક્ટ અમલી
કર્યો. સાથે સાથે અમદાવાદ જીલ્લાની જિલ્લા પંચાયત સંચાલિત સાણંદ અંગ્રેજી મીડીયમ
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ અઠવાડિયામાં બે વાર (મંગળવાર અને ગુરુવાર) ડૉ
અમીનની સેવાનો લાભ મળી તેવું આયોજન હાથ ધરાયું. સોમવારે દસક્રોઈ તાલુકાની કઠવાડા
શાળામાં ૨૮ શિક્ષકો અને બુધવારે ઘુમા શાળામાં ૨૮ શિક્ષકો તેમજ સીટી તાલુકાની વસ્ત્રાપુર
શાળામાં શુક્રવારે ૨૬ શિક્ષકો ડૉ અરવિંદભાઈ અમીન પાસેથી અંગ્રેજી ભાષા અને સોફ્ટ
સ્કીલ વર્ગખંડમાં ઉપયોગ કરી શકે તે માટે અંગ્રેજી (વેન્ચર ૨) અને સોફ્ટસ્કીલ ૨૮ નવેમ્બર ૨૦૧૬ થી ફેબ્રુઆરી ૨૦૧૭ દરમિયાન શીખશે.
આ માટે ડૉ અરવિંદભાઈ અમીને તેમના અભ્યાસક્રમને દશ યુનિટમાં વહેંચેલ છે અને દરેક
યુનિટના શિક્ષણ માટે એક પૂરો દિવસ અને તેની વર્ગખંડમાં પ્રેક્ટીસ માટે એક
અઠવાડિયું ફાળવેલ છે. પ્રથમ દિવસના અનુભવના અંતે શિક્ષકોનુ કહેવું છે કે આ
પ્રોજેક્ટ તેમને જીવનભર વર્ગખંડ અંદર અને વર્ગખંડ બહાર તેમના દૈનિક જીવનમાં ઉપયોગી
બની રહેશે.
આ નાવીન્યપૂર્ણ કાર્યના નોડલ ઓફિસર તરીકે મારી નિમણુક કરવા બદલ હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીનો હું આભારી છું. એક નવા જ પ્રકારનો અનુભવ મળશે જે મારે માટે નવું શીખવાનો અવસર બનશે.



No comments:
Post a Comment