Sunday, June 14, 2009

Change the attitude of sheep walk....

ધેટાચાલની માનસિકતા બદલો

sheep_attitudeવિખ્યાત અર્થશાસ્ત્રી રોબર્ટ શિલર પોતાના પુસ્તક ‘ઇર્રેશનલ એકસ્યુબરેન્સ’માં લખે છે કે, માનવસમાજમાં એક વાત બહુ સામાન્ય જોવા મળે છે કે જે લોકો સતત એકબીજાના સંપર્કમાં રહે છે, તેમના વિચારો પણ એક જેવા જ હોય છે.

પાડોશમાં રહેતી બે મહિલાઓ પોતાના પતિઓ ઓફિસ જાય ત્યારબાદ વાતોએ વળગે છે અને પતિ ઘરે પરત આવે ત્યારે બંને એક જેવી જ વસ્તુઓ માગતી હોય છે !

બાળકો મોટા ભાગે એ જ કલર કે ડિઝાઇનના પેન્ટ-શટર્ની માગણી કરતાં હોય છે, જે કોલોનીમાં રહેતા અન્ય મિત્રો પહેરતાં હોય. જયારે આ જ બાળક કોલેજ જવા લાયક થઈ જાય છે તો તે કોલેજમાં જ પ્રવેશ મેળવવાનું પસંદ કરે છે, જયાં તેમના મિત્રોએ પ્રવેશ મેળવ્યો હોય.

એક સામાન્ય રોકાણકાર મોટા ભાગે પોતાની આસપાસનું વાતાવરણ જોઈને જ રોકાણ કરે છે. જયારે તેને ખબર પડે છે કે, તેના સંબંધીઓ, તેના પાડોશીઓ અને તેના જાણીતા લોકો રોકાણ કરે છે, તો તે પણ રોકાણ કરી દે છે. ઘણા લોકોનું માનવું છે કે ભીડની સાથે ચાલવું જ સુરક્ષિત છે, ભલે તેવું કરવું કદાચ ઉચિત ન હોય.

જોન મેનાર્ડ કેન્સ લખે છે કે દુનિયામાં મોટા ભાગના લોકો એવું જ વિચારે છે કે પોતાની આબરૂ માટે બિનપારંપરિક રીતે સફળ થવાને બદલે પારંપરિક રીતે નિષ્ફળ જવું સારું ! જો કોઈ કમ્પ્યૂટર કોર્સ કરી રહ્યો હોય તો આખી પેઢી સોફટવેર કોર્સ કરવા લાઇન લગાવી દે છે. આવી રીતે સિવિલ એન્જિનિયરિંગ કે અઘ્યાપન જેવા વ્યવસાયમાં જગ્યાઓ ખાલી છે. ભારત આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.

છેલ્લા અંદાજે આઠ-દસ વર્ષથી યુવાપેઢી અઢળક કમાણીના ચક્કરમાં સોફટવેર ક્ષેત્રે ઝંપલાવી રહી છે અને સિવિલ એન્જિનિયરિંગ કે અઘ્યાપન જેવા ક્ષેત્રને કોઈ અપનાવતું નથી. ભારતને સોફટવેર એન્જિનિયર કરતાં સિવિલ એન્જિનિયરની વધારે જરૂર છે. પોતાના જીવનની દિશા નક્કી કરવા જઈ રહેલા તમામ વિધાર્થીઓએ, અભ્યાસ માટે એવા જ વિષયો પસંદ કરવા જોઈએ, જે ભવિષ્યમાં તેમને કામ લાગે.
ફંડા એ છે કે તમે કોઈ પણ વિષય કે ક્ષેત્ર પસંદ કરો, જરૂર છે તેમાં સર્વશ્રેષ્ઠ બનવાની. કોઈ પણ કોર્સ એટલા માટે પસંદ ન કરશો, કારણ તમારો મિત્ર તે કોર્સ કરી રહ્યો છે.


બે પૂંઠા બહારનું હરિયાળું શિક્ષણ

off-trackકોઇ વ્યકિત બે દાયકા પછી દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાના બલેઠી ગામે આવે, તો એના આશ્ચર્યનો પાર ન રહે. કેમ કે ત્યાં આવેલો ‘હસગુલ ડુંગરી’ નામનો ડુંગરો આજે સાગ, નીલગીરી, બીલીપત્ર, સીસમ, ગુંદી, સવેન, બદામ, આંબા અને આમળાનાં પાંચ હજાર જેટલાં વૃક્ષોથી હરિયાળો છે. બે દાયકા પહેલા આ ડુંગરા પર માંડ આંગળીને વેઢે ગણાય એટલાં વૃક્ષો હતા. આ ડુંગરાને ફરીથી લીલોછમ બનાવવાનું શ્રેય સરકાર કે કોઇ સ્વૈરિછક સંસ્થાને નહીં, બલકે હાઇસ્કૂલનાં વિધાર્થીઓને જાય છે.

માંડીને વાત કરવા માટે થોડા ફલેશબેકમાં એટલે કે ૧૯૮૩-૮૪ના વર્ષમાં જવું પડશે. ઉપરા છાપરી દુકાળથી અધમૂઆ બનેલા આ ગામની આદિવાસી વસતી માટે જંગલનાં લાકડા જ એકમાત્ર આવક બની રહી. રોટલા રળવા વૃક્ષો કાપવાનો ક્રમ એવો ચાલ્યો કે હરિયાળું ગામ લગભગ વૃક્ષવિહોણું બની ગયું.

જંગલ માત્ર કાગળ પર જ રહ્યું. બલેઠી ગામમાં ભાગ્યે જ કોઇ વક્ષ નજરે પડતું હતું. ગામના સરપંચ નસવંતભાઇ ભૂતકાળ તાજો કરતાં કહે છે, ‘તમે નહીં માનો, તે વખતે અમારા ગામમાં અગ્નિ સંસ્કાર માટે પણ લાકડાં નહોતા મળતા. સ્થિતિ હદ બહાર ગઇ ત્યારે ગામનાં વડીલોએ નક્કી કર્યું કે હવે તો કંઇક કરવું જ પડશે. તે ‘કંઇક’નું પરિણામ આજે તમારી સામે છે.’

લાંબા વિચાર બાદ ગામનાં આગેવાનોએ નક્કી કર્યું કે સરકારી મદદ સાથે ‘વન મંડળી’ ઊભી કરીને ગામને ફરીથી નવપલ્લિત કરવું. ગામ આખું વન મંડળીના રસ્તે વૃક્ષ ઉછેરનું કામ કરતું હતું, ત્યારે બાજુના ગામની શાળામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કિશોરભાઇ ચૌધરીએ એક નવતર પ્રયોગ જ વિચારી રાખ્યો હતો. વિચાર હતો ગામનાં વિધાર્થીઓ જ વૃક્ષો ઉછેરે તો કેવું? નક્કી થયું: ઉત્તર બુનિયાદી શાળામાં ધોરણ ૮થી ૧૦માં પ્રવેશ મેળવનાર દરેક વિધાર્થીએ ફરજિયાત ત્રણ વૃક્ષ વાવવા જ.

એટલું જ નહીં તે જયાં સુધી શાળામાં અભ્યાસ કરે ત્યાં સુધી એ વક્ષની સંપૂર્ણ જવાબદારી પણ તે વિધાર્થીની રહેશે. તે વૃક્ષોને પાણી પાવાથી માંડીને તેની રખેવાળી પણ તેમણે જ કરવાની. આજે વીસ વર્ષ બાદ પરિણામ સામે છે. ગામના આગેવાન અને આ વિચારના પ્રણેતા કિશોરભાઇ ચૌધરી કહે છે, ‘પ્રથમ વર્ષે અમારા સત્તાવીસ વિધાર્થીઓએ ૮૧ વક્ષોનું વાવેતર કર્યું હતું.
આજે આ ડુંગરા પર પાંચ હજાર જેટલાં વક્ષો લહેરાય છે. વીસ વર્ષ બાદ ગામમાં વૃક્ષ વિનાનો એક નાનકડો ટૂકડો પણ બાકી રહ્યો નથી.’ વિધાર્થીઓની જવાબદારી વહેંચાઇ જાય તે માટે સ્કૂલે દરેક વક્ષ ઉપર એક બોર્ડ મારી દીધું હતું. જેમાં વિધાર્થી તથા વક્ષનું નામ અને તે કયારે વાવવામાં આવ્યું છે તેની વિગતો રહેતી.

અઠવાડિયામાં ત્રણ દિવસ માટે વૃક્ષને પાણી પીવડાવવાની જવાબદારી પણ જે તે વિધાર્થીની. ઉત્તર બુનિયાદી સ્કૂલમાં ‘વૃક્ષ ઉછેર’નાં માકર્સ પણ હોઇ વિધાર્થીઓ હોંશે હોંશે વૃક્ષોનું જતન કરતા. અત્યાર સુધી બલેઠી ગામની શાળામાં ૮૦૦ જેટલાં વિધાર્થીઓ ભણી ચૂકયા છે. તેમની યાદગીરી રૂપે આજે પાંચ હજાર વક્ષો લહેરાય છે.

સંપૂર્ણપણે આદિવાસી વસતી ધરાવતાં બલેઠી ગામની વસ્તી અંદાજે ૧૬૦૦ની છે. તેમાં મુખ્યત્વે ચૌધરી, વસાવાનો સમાવેશ થાય છે, જે મોટેભાગે ખેતી ઉપર નિર્ભર છે. વૃક્ષ વાવેતરની ઉત્તમ કામગીરી બદલ બલેઠી ‘વન મંડળી’ને કેન્દ્ર સરકારે ‘ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની વૃક્ષમિત્ર’ એવોર્ડ પણ આપ્યો છે.

જેમાં ૫૦ હજાર રૂપિયાનું રોકડ ઇનામ પણ છે. વિધાદાનની સાથોસાથ હરિયાળી ઉછેરવાનો બલેઠી ગામનો ‘ચેપ’ આજુબાજુના ગામોને પણ લાગ્યો છે. બલેઠી સહિત તાપીના કિનારે આવેલા ખેરવાડા, દેવગઢ, નરવાડી, ગામ તળાવ જેવા પંદરથી સત્તર ગામ આજે લીલાંછમ્મ બની ગયા છે.

No comments: