પરાજયની તમામ શક્યતા સામે ઝઝૂમવું તે ઈશ્વરની શ્રેષ્ઠ પૂજા
તમને ક્રિકેટરમાં રસ ન હોય તોપણ આ કટારમાં જોહાનિસબર્ગ ખાતે ટી-૨૦ની ફાઇનલ મેચમાં અન્ડરડોગ ગણાતી એડમ ગિલક્રિસ્ટની(ડેક્કન ચાર્જર્સ)ટીમ, અનિલ કુંબલેની મજબૂત ટીમ સામે જીતી ગઈ તેને લગતી ‘ફિલસૂફી’ કે ભૂતકાળના પ્રેરણાદાયી દાખલા જરૂર વાંચજો, પ્લીઝ.
અનિલ કુંબલેની ટીમને રોયલ ચેલેન્જર્સ નામ મળેલું. કિંગફીશરના કિંગ વિજય માલ્યા ફિલ્મસ્ટાર કેટરિના કૈફને મોંધે ભાવે ક્રિકેટ જોવા લઈ આવ્યા હતા. પત્રકારો, ક્રિકેટના પંડિતો અને ૯૦ ટકા લોકો મેચ પહેલાં અને મેચ દરમિયાન પણ માનતા હતા કે કુંબલેની ટીમની જીત હાથવેંતમાં છે.
કુંબલેની ટીમ સામે મેદાને પડતાં એડમ ગિલક્રિસ્ટ ઝીરો રને આઉટ થઈ ગયો. ટીમનો હીરો જ ઝીરો બની ગયો પણ હારણ થયો નહીં. કુંબલેની ટીમના મજબૂત બેટ્સમેનોને કુનેહ દ્વારા એક પછી એકને આઉટ કરી જીત્યો.૨૫-૦૫-૦૯ના રોજ ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર છે કે જામનગરમાં લોહાણા દંપતીએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો.
શું એડમ ગિલક્રિસ્ટ જેની પાસે ચોક્કા-છગ્ગાઓની અપેક્ષા હતી તે આખરી મેચમાં (રૂ.છ કરોડના ઇનામવાળી) ઝીરોમાં આઉટ થાય તો તેણે ઝેર ખાઈને મરી જવું કે ઝઝૂમવું? શું કોંગ્રેસ જેને ચૂંટણીમાં તમામ ટી.વી. ચેનલો, અખબારો, ખાસ કરીને ગુજરાતના પત્રકારો અન્ડરડોગ માનતા હતા અને લાલકૃષ્ણ અડવાણીના દિલ્હીના વડાપ્રધાનપદનો વરઘોડો તૈયાર હતો, ચારેકોર ફરીને નરેન્દ્ર મોદીએ પ્રચાર કરેલો તે પક્ષ હારી ગયો અને કોંગ્રેસ જીતી તેથી શું અડવાણીએ ઝેર ખાઈ લેવું?ના, ફરીથી ઝઝૂમવું. વારંવાર પરાજય સામે ઝઝૂમવું. પશ્ચિમ જર્મનીના વડાપ્રધાન કોનરાડ એડેનોર ૮૮ની ઉમરે પણ સત્તા પર હતા. ૮૪ની ઉંમરે ચૂંટણી જીત્યા હતા. ચાણકયની ઉકિત છે:
બહુના ચૈવ સત્વાનો સમવાયો
રિપુજજય વર્ષધારાધરો મેઘસૂણૈરથિ નિવાર્ય
ભલે તમે જેને અશકત માનતા હો પણ નાના નાના પ્રાણીઓ કે દુર્બળ લોકો દ્રઢ સંકલ્પ સાથે ભેગા મળે તો શત્રુને જીતી લેવાય છે. મુસળધાર વરસાદ પડતો હોય ત્યારે ઘાસ-તૃણના સમૂહથી ઢાંકેલું ઝૂંપડું પણ મુસળધાર વરસાદનો સામનો કરે છે. માટે કદી જ હિંમત હારવી નહીં.
લગભગ ૩૮૦ વર્ષ પહેલાં શિવનેરના કિલ્લામાં જન્મેલા છત્રપતિ શિવાજી મહારાજે એડમ ગિલક્રિસ્ટની માફક અગેન્સ્ટ ઓલ ઓડ્ઝ-મોગલો સામે લડવાનું હતું. ૧૯ની ઉંમરે તેમના પિતાને મોગલોએ કેદ કર્યા. શિવાજીએ શું કર્યું? તેમણે આજુબાજુના આદિવાસી અને જંગલમાં રહેતાં બળૂકા લોકોને ભેગા કરીને લડવાની અને શહીદ થવાની તાલીમ આપી. બબ્બે વખત હાર્યા પણ આખરે તે જીત્યા. સોળની ઉમરે તેમણે દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી કે તે મોગલોને હરાવીને હિન્દુ રાજ સ્થાપશે. તે પ્રમાણે તે તમામ પ્રતિકૂળ સંજોગો સામે લડયા. યુરોપિયનો તેમને આજે નેપોલિયન સાથે સરખાવે છે. દેશ-પરદેશના ૨૦મી અને ૨૧મી સદીના ઘણા દાખલા છે, જેમાં માનવી તમામ પ્રતિકૂળ સંજોગો સામે (અગેનસ્ટ ઓલ ઓડ્ઝ) જીત્યો છે.
(૧) લાન્સ આમ્ર્સસ્ટ્રોંગ નામના જગવિખ્યાત સાઇકિલસ્ટે ફ્રાન્સની મશહૂર ૨૩૦૦ માઈલની રેસમાં ભાગ લીધો. જે હકીકત ડિઝની વલ્ર્ડની ફિલ્મની વાર્તામાં શકય બને તે લાન્સ આમ્ર્સસ્ટ્રોંગ માર્ચ-૨૦૦૧માં રિયલ લાઇફમાં બતાવી દીધું. ત્રણ વર્ષ પહેલાં તેને કોઈ ગણતું નહોતું. આર્મ્સસ્ટ્રોંગને એડવાન્સ સ્ટેજનું વૃષણનું અસાઘ્ય કેન્સર થયેલું. તેનું ઓપરેશન કરાવ્યું ત્યારે ખબર પડી કે તેના મગજ સુધી કેન્સર પહોંચી ગયું છે અને પછી ફેફસાંમાં આવી પહોંચવાનું હતું. લાન્સ આર્મ્સસ્ટ્રોંગ આવી કોઈ શકયતા સામે ડર્યોનહીં અને સાઇકિલંગની રેસમાં જીતી ગયો.
(૨) ડોનાલ્ડ શોટર્ર નામના લેખકે આવા મથાળાવાળું જ પુસ્તક લખ્યું છે -‘વિનિંગ અગેન્સ્ટ ઓલ ઓડ્ઝ - લીવ ધ પાસ્ટ બીહાઇન્ડ- ટર્ન ફેઇલ્યોર ઇન ટુ સકસેસ. લેખક ડોનાલ્ડ શોટર્ર ઘણા દાખલા આપે છે, તેમાં પ્રેરણાદાયી સૂત્રો પણ કહે છે. દરેક માણસમાં જીતવાનો ઉમંગ હોય છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ જીતવાના પુરુષાર્થને કદી મોળો ન પાડવો. નાનું બાળક કાંઈ ધાવતા શીખીને જન્મતું નથી. તે આપોઆપ ભૂખ લાગે ત્યારે માતાના સ્તનને શોધી લે છે.
ડોનાલ્ડ શોટર્ર સરસ વાત લખે છે. બિઝનેસ સાયન્સ, રોગનિવારણ, પતિ-પત્નીના કંકાસ, ફાઇનાન્સ, વેપાર-મિત્રો સાથેના સંબંધ, સરકાર સામેના ઝઘડા, ચૂંટણી અને ટેકિનકલ શોધોમાં કદી હારણ થશો નહીં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો આખરે જીતશો. એક સરસ ચૂંટણીના રાજકારણનો દાખલો છે.
(૩) લેટિન અમેરિકાથી આવીને ડલ્લાસમાં વસીને ધનિક થયેલી મહિલા શેરીફ જીમ બાઉલ્સ શેરીફ બન્યા પછી તેના પર ભ્રષ્ટાચારના આરોપો આવ્યા. તેણે ઘણાને કોન્ટ્રાકટ આપીને ખટાવી દીધેલા, તેવો ગંભીર આરોપ હતો. મેકિસકોથી હિજરત કરીને આવેલા મજૂર કુટુંબમાં તે જન્મી હતી. માતા પાસેથી ચારિત્ર્યના પાઠ મળેલા. માતા ગરીબ હતી છતાં બગીચો ઉછેરતી. એક જ સિદ્ધાંત હતો-તમારું જીવન અને ચારિત્ર્ય સાફસૂથરું કરવા પ્રથમ ઘરને ચોખ્ખુંચટ્ટ રાખો. બગીચો એકદમ બ્યુટીફૂલ રાખો. પછી તમને જીવનમાં ચોકસાઈ અને પ્રામાણિકતાની ટેવ પડશે.
આવા સંસ્કારમાં ઊછરેલી જીમ બાઉલ્સ અનેક ભ્રષ્ટાચારના આરોપ સામે અમેરિકન ગોરા સામે ચૂંટણી લડી. તેણે ભ્રષ્ટાચારનો બચાવ કરવાને બદલે મતદારોને કહ્યું ‘ધારો કે મેં ભ્રષ્ટાચાર ન કર્યોહોય તોપણ મારી રીતો હેઠળ ભ્રષ્ટાચાર થયો તેથી હું ગુનેગાર છું. મને પૂરતી સજા મળી છે કે હું પૂરતી બદનામ થઈ છું, માફી માગું છું. પણ મને એક ચાન્સ આપો અને જો મારા પર પછી શંકા આવે તો નિર્વસ્ત્ર કરીને સજા કરજો... અને અગેન્સ્ટ ઓલ ઓડ્ઝ તે જીતી ગઈ!
(૪) સ્ટીફન આર. કોવે નામના લેખકે એક પુસ્તક લખ્યું છે. ‘સેવન હેબિટસ ઓફ હાઈલી ઇફેકિટવ પીપલ’ અસરકારક લોકોની સાત પ્રેરણાદાયી ટેવોનું તેમાં વર્ણન છે. બિઝનેસમેનો જે દેવાળું કાઢી ચૂકયા હોય (પેપ્સીકોલાની કંપનીએ બે વખત દેવાળું ફૂંકેલું) તેને સલાહ આપી છે કે ‘ટર્ન યોર ડિફિકલ્ટીઝ એન્ડ ઓબસ્ટેકલ્સ ઇન ટુ સ્ટેપિંગ સ્ટોન’ તમારા માર્ગ આડે અવરોધોને તમે પ્રગતિ માટેનું પગથિયું બનાવી દો.
એક પગવાળો લંગડો સંકલ્પ બળ થકી મેરેથોનની લાંબી દોડ જીત્યો છે. ૫૬ની ઉમરની સ્ત્રીએ એ ઉમરે ગર્ભ ધારણ કર્યોછે. ભૂતકાળમાં સ્કોટલેન્ડના જુલ્મી રાજા સામે બળવો કરીને ક્રાંતિકારીઓ પાસે શસ્ત્રો નહોતાં, તો લાકડાના ડંડાથી- પાવડાથી, હળની કોશથી અને જે હથિયાર હાથમાં આવે તેનાથી લડયા છે. આઝાદી મેળવી છે.
(૫) ઉધોગમાં જોઈએ તો આ વિનિંગ અગેન્સ્ટ ઓલ ઓડ્ઝનો દાખલો મહિન્દ્ર એન્ડ મહિન્દ્રનો છે. પાંચ વર્ષ પહેલાં રૂ.૬૦૦ કરોડ રોકીને અને ૧૨૦ ઇજનરોને કામે લગાડીને મહિન્દ્રએ ‘પ્રોજેકટ સ્કોર્પિઓ’નો આરંભ કયો. મલ્ટિનેશનલ કારો સામે હરીફાઈ હતી. રૂ. પાંચ લાખની કાર વેચવાની હતી. પણ આ તમામ ડરામણા સંજોગો સામે સ્કોર્પિઓ કાર જીતી ગઈ અને મહિન્દ્રની કારને બીબીસીએ ૨૦૦૩માં ‘કાર ઓફ ધ યર’ જાહેર કરી. તેને સીએનબીસીનો એવોર્ડ પણ મળ્યો.
(૬) પંદર મહિના પહેલાંનો ઝી ટીવીનો લિટલ ચેમ્પિયનશિપનો દાખલો યાદ હશે. ૨૧ વર્ષની તેજસ્વિની શર્મા નામની કન્યાને મુંબઈમાં ઝી ટીવીએ બોલાવી. અક્ષયકુમારની હાજરીમાં તેણે ગાવાનું હતું. છેક ૧૮ વર્ષની ઉમરે જ તેજસ્વિની ચાલતાં શીખી. તે જન્મ્યા પછી સાતમે દિવસે તેના ઉપર બબ્બે ઓપરેશનો થયાં. ઓપરેશન દરમિયાન બે વખતે મરેલી જાહેર થઈ. મોટી થઈ ત્યારે તેની મેન્ટલ -એજ (માનસિક ઉમર) માત્ર ચાર વર્ષની હતી પણ તેણે જીવવાનો ઉત્સાહ ચાલુ રાખ્યો. ૧૫૦ જેટલા દેશી ગીતો અને બોલિવૂડનાં ગાયનો કંઠસ્થ કર્યાં અને તેનો જલવો બતાવ્યો.
શ્વેતા અરોરા નામની સ્કૂલની વિધાર્થિની ચાલી શકતી નહોતી. ડાબી આંખે અંધ હતી. તેને સર્વાઇકલ નર્વ ડેમેજ નામની વ્યાધિ હતી. પાંચની ઉંમરે અપંગ થયેલી પણ શ્રદ્ધાના બળ અને સંકલ્પ સાથે જીવે છે અને તેણે ૧૦મા ધોરણમાં સૌથી ઊચા માર્ક્સ મેળવેલા.
(૭) નામ અજાણ્યું છે. કોલંબસ મેરિઓન જોઇનર નામનો ક્રૂડ તેલનો શોધક ટેકસાસમાં તેલના કૂવા શોધતો હતો. ત્રણ ત્રણ વર્ષની સખત મહેનતમાં તબિયત ગુમાવી. તમામ નાણાં ગુમાવ્યા છતાં તે તેલની શોધ માટે મંડયો રહ્યો. લેણદારોએ કેસ ઉપર કેસો કર્યા. ન્યાયાધીશ રોબર્ટ બ્રાઉન તેનો સગો નહોતો પણ કોલંબસ જોઇનરનો જુસ્સો જાણી ગયો.
જજે લેણદારોને કહ્યું ‘એક માનવી જેને તેની બેબી મેળવતા ત્રણ ત્રણ વર્ષ લાગ્યા છે, તેને તેની બેબીને થોડો વધુ વખત ઉછેરવાનો સમય આપો તો શું ખોટું છે?’ અને જોઇનરે આખરે તેલના કૂવા શોધીને તમામ લેણદારોને રાજી કર્યા.
ક્રિકેટ કે રોગ કે ધંધામાં હારણ થવું તે વિશ્વનિયંતા પ્રત્યેનો અપરાધ છે. પરાજયની તમામ શકયતામાં ઝઝૂમવું તે ઈશ્વરની શ્રેષ્ઠ પૂજા છે
1 comment:
congratulations!
this type of blogging will connect the new generation with each other.
It is very useful for teachers specially for primary teachers to express their new ideas and innovative work in their field.
Post a Comment