શબ્દકોષ કચરાપેટીમાં!
- કંઇ પણ શીખવું એક કળા છે અને એમાંય સાવ અજાણી ભાષા શીખવી એ તો અતિવિશિષ્ટ કળા છે. સ્પેનમાં જન્મેલા અને ઊછરેલા ફાધર વાલેસ અમદાવાદમાં સ્થાયી થયા અને ગુજરાતી ભાષા એવી તો કમાલની શીખ્યા કે જોતજોતાંમાં સૌથી વધુ વંચાતા ગુજરાતી લેખકોમાંના એક બની ગયા.
- શબ્દો તો ભારે ખટપટિયા હોય છે. એમને મિજાજ છે, એમની આબરૂ છે. એમના ગુપ્ત ગમા- અણગમા જાણવા હોય તો એ પારકા શબ્દકોષમાં નહિ મળે.
હું ગુજરાતી શીખવા લાગ્યો ત્યારે શરૂઆતમાં નછૂટકે ગુજરાતી - અંગ્રેજી શબ્દકોષનો ઉપયોગ કરતો. એ શબ્દનો વ્યવહારુ અર્થ આપે, પણ છૂટો આપે, અઘ્ધર આપે, શબ્દ કયાં આવ્યો, કોની સાથમાં છે, કેવી હવામાં છે, કેટલી અપેક્ષા લઇને આવ્યો છે એ ઘ્યાનમાં લીધા વગર આપે. સ્થૂળ અર્થ. શુષ્ક અર્થ. સંદર્ભ વિનાનો અર્થ.
જીવન વિનાનો અર્થ. અને બીજું, કે શબ્દકોષ મને ગુજરાતી શબ્દનો અર્થ આપે પણ બીજી ભૂમિકા ઉપરથી આપે, દૂરના પ્રદેશમાંથી આપે, પારકા વાતાવરણમાંથી આપે. એટલે કે અંગ્રેજી શબ્દો દ્વારા આપે. મને સમજવો હોય તો મારા ઘરમાં આવો, મને પૂછો, મારા શબ્દોમાં મારી વાતો સાંભળો. મારા વિશે બીજાઓને પૂછતા રહેશો ત્યાં સુધી મારી સાચી ઓળખાણ તમને મળવાની નથી.
ગુજરાતી ભાષાની ઓળખાણ જોઇએ તો ગુજરાતી ભાષાને જ પૂછીએ. એ પોતાના વિશે બોલશે. એક શબ્દની ઓળખાણ પોતાના બીજા શબ્દો દ્વારા આપશે. ધેર જ રહીને ઘરની વાતો કરશે. સગાંઓને પૂછીને જ સગાંઓની વાતો કરશે. પ્રત્યક્ષ કરશે. સીધી કરશે.
એટલે કે ગોળ ગોળ કરશે, કારણ કે પરિચય આપવાનું કામ સીધું નથી હોતું, વળાંકવાળું હોય છે, ધીરજવાળું હોય છે, સૂઝ અને ભાવવાળું હોય છે, અને એ માટે સમય જોઇએ, શાંતિ જોઇએ, ખુલ્લું મન અને પ્રેમાળ હૃદય જોઇએ. જીવંત પરિચય માટે એ નવા શબ્દની પાસે બેસવું જોઇએ, એના મોંની સામે ટગર ટગર જોવું જોવું જોઇએ, પંપાળવો જોઇએ, પ્રેમ કરવો જોઇએ, પૂજા કરવી જોઇએ.
એની વાતો એની પાસેથી જ સાંભળવી જોઇએ, એને કોની પાસે બેસવું ગમે, કોની સાથે જવું ગમે અને કોની જોડે એને કેમે કરીને નહીં ફાવે એ એની પાસેથી જ જાણી લેવું જોઇએ. શબ્દો તો ભારે ખટપટિયા હોય છે. એમને મિજાજ છે, એમની આબરૂ છે. નાક ચડાવીને ફરે છે, રોફ મારીને ચાલે છે. એમના ગુપ્ત ગમા- અણગમા જાણવા હોય તો એ પારકા શબ્દકોષમાં નહિ મળે.
એમની પાસેથી ધીરે ધીરે વાત કઢાવવાની હોય છે. પોતાની વાત પોતે કરે. પોતાની ભાષામાં જ કરે. પોતાની રીતે કરે. પોતાના સમયે કરે. હું એ જાણતો હતો એટલે વહેલી તકે ગુજરાતી- અંગ્રેજી શબ્દકોષને માનપૂર્વક વિદાય આપીને ગુજરાતી- ગુજરાતી શબ્દકોષ લીધો. ‘સાર્થ ગુજરાતી જોડણીકોષ’ મગાવ્યો. હજી યાદ છે કે કયો શબ્દકોષ છે એની ખાતરી કરવા માટે જેની પાસે હું મગાવતો હતો એ ભાઇએ મને પૂછ્યું: ‘વીસ રૂપિયાવાળો, નહિ?’ હા.
કિંમત આવે એટલે ખાતરી થાય ને! (અને એ વાપરનારાઓની બીજી આગવી વિશિષ્ટતા છે!) એટલે શબ્દકોષ આવ્યો. મેં એ પ્રેમથી વધાવી લીધો. મમતાથી પૂંઠાં ચડાવ્યાં. વેપારીઓ કરે છે તેમ વિધિથી નહીં તો મનમાં ને મનમાં ચોપડા- પૂજન કર્યું. અને ખરી પૂજા તો રોજ રોજ શ્રદ્ધાથી ને ખંતથી એનો કરેલો ઉપયોગ.
એ ઉપયોગ સહેલો નથી. એક શબ્દ ન આવડે. એ જોઉં. એને માટે બીજો શબ્દ આપે એ પણ ન આવડે. તો એ હવે શોધીને જોઉં. એમાં પણ ગડ નહીં બેસે. ફેરવો પાનાં. શોધો શબ્દ ઉપર શબ્દ. એટલામાં મૂળ શબ્દ શો હતો એ ભૂલી જાઓ. ફરીથી શરૂ કરો. લાંબો રસ્તો છે. ગોળ ગોળ રસ્તો છે. પણ સાચો રસ્તો છે. એ રીતે શબ્દનું માન સચવાય. એનાં રહસ્યો ખોલાય. એની આત્મીયતા કેળવાય. અને એ જિંદગીભરનો મિત્ર બની જાય. ફૂલ પોતાના છોડમાં શોભે. શબ્દ પોતાની ભાષામાં ખીલે.
ઘરની વાત ધેર જ કરીએ. ગુજરાતી ભાષા ગુજરાતી દ્વારા શીખીએ. હજી એ શબ્દકોષ મારી પાસે છે: એની ત્રીજી નકલ! ઘસાઇ ઘસાઇને ત્રણ અવતાર થયા. હવે ચોથો તૈયારીમાં છે. ભલે આવે. અનેક વખત ઉત્સુક યુવાનો મને પૂછે છે: ‘મારું ઇંગ્લિશ ‘પાવરફુલ’ બનાવવા મારે શું કરવું? હું પ્રથમ એમને કહું કે અંગ્રેજી ભાષામાં મને રસ નથી ને એનો મોહ પણ નથી પણ એના લાભ છે ખરા, એટલે શીખવાની ઇરછા હોય તો જરૂર શીખે.
પછી કહું કે શીખવા માટે બે ભાષા ભેગી કરીને બોલે તો આવડતી હતી એ બગડશે, અને ઓછી આવડે એ નહીં સુધરે. માટે તમારું એ ‘પાવરફુલ’ ઇંગ્લિશ’ જવા દો અને સરખી રીતે બોલતાં શીખો. ત્રીજું કહું છું કે જે મહેનત અને પુરુષાર્થ કરે એને બધું આવડે, અને પુસ્તકો- કાગળ- પેન- રેડિયો- સમય- બુદ્ધિ- આંખો- કાન- હાથ છે તો એ ચલાવે અને સૌનો ઉપયોગ કરે તો જલદી લખતો થાય - અને જે લખતો થાય એ જલદી બોલતો થાય. અને છેલ્લે એક વ્યવહારુ સૂચન કરું છું:
- તમારે ખરેખર અંગ્રેજી શીખવું? - હા, શીખવું છે. - સારું સારું શીખવું છે? - હા, સારું સારું શીખવું છે. - તમારી પાસે કોઇ શબ્દકોષ છે? - હા, છે. - અંગ્રેજી- ગુજરાતી છે? - હા, અને ગુજરાતી- અંગ્રેજી. - તો એ ફેંકી દો. - શું? - કે એ વહેલી તકે કચરાપેટીમાં પધરાવી દો અથવા તો પસ્તીમાં વેચી કાઢો ને નહીં તો જેને માટે તમને ઓછી લાગણી હોય એવા તમારા કોઇ શત્રુને એ જન્મદિવસની ભેટ તરીકે આપો. - ? - અને પછી અંગ્રેજી- અંગ્રેજી સારો શબ્દકોષ લાવીને નિષ્ઠાથી એનું સેવન કરજો. - ? - જરૂર કરજો.
No comments:
Post a Comment