Tuesday, August 23, 2011

અંગદનો પગ

લગભગ બે વરસ પહેલા મેં મારા કેટલાક મિત્રોને લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા લિખિત ‘અંગદનો પગ’ પુસ્તક વાંચવા એસએમએસથી અનુરોધ કરેલ. થોડા દિવસ પહેલા આ પુસ્તક હાથમાં આવતા ફરી એક વાર મનોમન વાંચવાની ફરજ પડી.વાંચતા વાંચતા એમ થયું કે લાવો પુસ્તક વિષે થોડું બ્લોગ પર પણ મૂકી જ લઉં.
‘અંગદનો પગ’ કથામાં મુખ્ય પાત્ર સૃષ્ટી રચનાર છે શિક્ષક, વિદ્યાર્થી,ટ્રસ્ટ અને આચાર્ય.પોતાના સીધાન્તોમાં માનનાર શિક્ષક્ જ્યોતીન્દ્ર શાહ સાચા અર્થમાં મા-સ્તર છે એમ લાગે છે.તેઓ શિક્ષક તરીકે જેટલા પ્રતિભાશાળી છે એટલાજ માણસ તરીકે ઉત્તમ.વિદ્યાર્થીઓને ઓળખી તેને તે મુજબ માર્ગદર્શન આપી વિદ્યાર્થીના જીવનને જીવંત બનાવવાની કળા તેઓએ હસ્તગત કરેલ.
હરેશભાઈ કહેછે ‘વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના લોકો એટલે કે ફર્સ્ટ રેટર્સ અને દ્વિતીય કક્ષાના એટલેકે સેકંડ રેટર્સ. માનવના ઉષ:કાળથી આ વિશ્વનો વિકાસ હમેશા પ્રથમ કક્ષાના લોકોએ કર્યો છે. કરુણા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ,રાજસત્તા કે અર્થ (ધન) સત્તા માત્ર બીજી કક્ષાના લોકો પાસે રહી છે.પ્રથમ કક્ષાના લોકો પોતાની મસ્તીમાં-કાર્યમાં એવા મસ્ત હોય છે કે એમને આવી કોઈ જરૂર રહેતી જ નથી.બીજી કક્ષાના લોકોમાં સર્જનાત્મકતા ન હોવાથી તેઓ આવી બાબતોમાં વધારે રસ ધરાવે છે અને હમેસા પ્રથમ કક્ષાના લોકોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.’
નવલકથામાં એક છેડે પ્રથમ કક્ષાના શાહ સાહેબ છે તો સમા છેડે દ્વિતીય કક્ષાના દવે સાહેબ. દવે સાહેબને બાળપણમાં જ તેમની માતાએ કહેલ કે ‘તારામાં મહત્વકાન્ક્ષા છે પરંતુ એ પૂરી કરવાની શક્તિ નથી...તું સામાન્ય બુદ્ધિ ધરાવે છે.તારી મહત્વકાન્ક્ષા ભાગ્યે જ ફળશે.’ આત્મવિશ્વાસનો અભાવ ધરાવનાર છીછરા માનસ તેજોદ્વેશથી પીડાતો હોય તેમ દવે સાહેબ પણ જ્યોતીન્દ્ર શાહને મ્હાત કરવા અને સ્થૂળ લોકપ્રિયતા મેળવવા સતત છળકપટ માં રચેલા રહે છે...જાતજાતના કારનામાં કરતા હોય છે.
શાહસાહેબ આ બધું જાણતા હોવા છતાં એમની સ્વસ્થતા અકબંધ રાખે છે કારણ તેઓ પ્રથમ કક્ષાના વ્યક્તિ છે જેઓ ક્યારે પણ કોઈને નુકસાન પહોંચાડવા માંગતા નથી.તેઓને પોતાની પ્રતિભાની એટલી મસ્તી હોય છે કે બાહ્ય બાબતો નું કોઈ મહત્વ હોતું નથી.
આ નવલકથા વાંચતા પહેલી દ્રષ્ટીએ લાગે કે દવે સાહેબે ધર્યા નિશાન પાર પડ્યા પણ વાસ્તવિકતા જુદી જ હોય છે.ખરો વિજય શાહ સાહેબની પ્રતિભાનો, એમના મુલ્યોનોજ થાય છે.
આ નવલકથાનો પ્લસ પોઈન્ટ તેમની વિષયવસ્તુ સાથે એના લખાણ ની પ્રવાહિતતા પણ છે. વાચક એને અટક્યા વગર સડસડાટ વાંચી જાય તેવું જકડી રાખતું લખાણ છે. શક્ય હોય તો જરૂરથી વાંચજો...

No comments: