
૨૨ નવેમ્બરના દિવસે મારા ક્લસ્ટરની રામગઢ પ્રાથમિક શાળામાં જવાનું થયું. ત્યાં પહોંચ્યો ત્યારે અમારા બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ પણ આ શાળામાં મળ્યા. શ્રી રોહિતભાઈ એ શિક્ષક તરીકે આ શાળા તંબુમાં શરુ કરાવેલ અને ગામના દરેક વ્યક્તિ આજે પણ તેઓને “સાહેબ’ કહેતા આનંદિત થતા જણાયા. આ શાળામાં વિદ્યાર્થીઓ બહુ ઓછા છે માત્ર ૨૭ વિદ્યાર્થી અને ત્રણ શિક્ષક આથી ગ્રુપ ટ્યુશન કરતા પણ ઓછી સંખ્યા શિક્ષકને વર્ગ કાર્ય માટે મળે. જયારે ઓછા વિદ્યાર્થીઓ અને વધારે ધોરણ હોય ત્યારે શિક્ષક તરીકે કામ કરવું ખુબ અઘરું બને છે. કારણ વિદ્યાર્થી પાંચ હોય કે પચાસ પરંતુ અભ્યાસની પ્રક્રિયા તો એ જ રહેશે ને? એકમ શીખવવાના પગથીયા ઓછા ઓછા થવાના ? આમ એક શિક્ષક્ને ત્રણ શિક્ષક્નુ કાર્ય અને જવાબદારી. જો વિષયની જરૂરિયાત મુજબ શિક્ષક એકમ માટે પુરતો સમય ન આપે તો શિક્ષક્નો આત્મા દુખી થાય કારણ પોતે જરૂરી સમય નથી આપી શકતા અને જરૂરી સમય આપે તો અન્ય વર્ગ નું શું ? આમ છતાં આ શાળાના તમામ વર્ગમાં શિક્ષક, વિદ્યાર્થીઓએ મળીને શાળાને શોળે કળાએ ખીલવી છે. શાળા પરિસરની સફાઈ, વર્ગની ગોઠવણી, મૂલ્યવર્ધિત પ્રવૃત્તીઓની કાર્ય રચના અને ગોઠવણી જેમકે અક્ષયપાત્ર, બુલેટીન બોર્ડ વિગેરે શિક્ષક, વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ આવનાર કોઈ પણ મુલાકાતીના મનને આનંદ અપાવે તેવો છે. અહી વર્ગમાં દરેક વિદ્યાર્થીને શાંતિથી સાંભળવામાં આવે છે અને પુરતો સમય આપવામાં આવે છે. આચાર્ય શ્રી બળદેવભાઈ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર છે. મેં અને અમારા બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈએ વિદ્યાર્થીઓને વચન આપ્યું કે હવે પછીની મુલાકાતમાં વિદ્યાર્થી વાર્તા, કવિતા અને બાળગીત રજૂ કરશે અને એ જ રીતે અમે બંને પણ વાર્તા, કવિતા અને બાળગીત રજૂ કરીશું. આમ અમે દરેક વિદ્યાર્થી સાથે આત્મીયતા કેળવી શકીશું. આમારા દ્વારા આ રજુઆતથી સૌ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત રેલાતું જોઈ અમારો દિવસ ધન્ય બન્યો તેવી અનુભૂતિ થઇ.
No comments:
Post a Comment