મારા દીકરા યશના
યજ્ઞોપવીત સંસ્કાર ૨૯ એપ્રિલે રાખેલ છે. યશને યજ્ઞો પવીત વિશે સમજાવવા અને મારા
યજ્ઞો પવીત સમયે અને તે પછી મળેલ યજ્ઞોપવીત ધારણ કરવાના મહત્વ વિશે જ્ઞાન આપ સૌ પણ
માહિતગાર થાઓ તે અર્થે અહીં પોસ્ટ કરું છું....
- જનોઈ શબ્દ સંસ્કૃત શબ્દ ઊપનયન અથવા યજ્ઞોપવીતના પર્યાયમાં
ઉપયોગમાં લેવામાં આવે છે. યજ્ઞોપવીત શબ્દ યજ્ઞ અને ઊપવીતમ્ થી બનેલો છે. યજ્ઞ એટલે
વિધિપૂર્વક બલિદાન(અહી બાલ્યાવસ્થા ની ટેવોને ત્યજી વિદ્યાભ્યાસ માટે પોતાને તૈયાર
કરવા) આપવું અને પવીતમ અર્થાત પવિત્રતા (અહીં પવિત્ર સૂત્ર) ધારણ કરવી. યજ્ઞોપવીત
ધારણ કરવા સમયે આપવામાં આવતા સંસ્કારોને જીવનભર ટકાવી રાખવાની પ્રતિજ્ઞાને યાદ
રાખવા માટે પવિત્ર સૂત્ર પહેરવામાં આવે છે.
- ઊપનયન શબ્દ પણ બે શબ્દ ઊપ અને નયન નો બનેલો છે. અર્થાત
આધ્યાત્મિક જ્ઞાન સહિતનું વિવિધ શાખાઓનું જ્ઞાન મેળવવાના પથ પર પ્રથમ પગલું ...
- યજ્ઞોપવીત એ ગૃહસ્થના સાંસારીક, આધ્યાત્મિક (દૈવિક) અને
પિતૃ તરફના એમ ત્રણ તરફના કર્તવ્યને નિભાવવા પ્રારંભને સૂચવે છે. આ ત્રણ કર્તવ્ય
નીભાવતી વખતે બ્રહ્મગાંઠ સાથેની ત્રણ સૂત્રની જનોઈ ડાબા ખભા ઉપર ધારણ કરવી જરૂરી
છે.
- લગ્ન સમયે ગૃહસ્થે વધુ ત્રણ સૂત્રની જનોઈ પોતાની પત્ની માટે
ડાબા ખભા ઉપર ધારણ કરવી જરૂરી છે.
- બ્રાહ્મણનો દ્વિજ પણ કહેવામાં આવે છે. દ્વિજ એટલે બે જન્મ
લેનાર અર્થાત પ્રથમ જન્મ માતાની કુખેથી અને બીજો જન્મ ઉપનયન સંસ્કાર સમયે થયેલ
ગણાય , બીજા જન્મ સમયે ગુરુ પાસેથી મંત્ર દિક્ષા લઇ વિપ્ર ધર્મ તરફ પ્રયાણ કરે છે...
(પક્ષીને પણ દ્વિજ કહેવાય પહેલાં ઈંડા તરીકે જન્મ અને ઈંડું સેવતા પક્ષી તરીકે..)
- જયારે બાળકના યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવે છે , ત્યારે તે
ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાનું શરુ કરે છે.આ વિધિમાં બાળકને આધ્યાત્મિક જ્ઞાનની અનંત
ખોજ શરૂ કરવાની તેમજ વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવા માટેના માર્ગ પર આગળ વધવાની
પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.
- યજ્ઞોપવીતમાં ત્રણ તારના બનેલા ત્રણ સૂત્ર હોય છે. જે
હકીકતમાં એક જ સૂત્રને ત્રણ વખત વાળીને ગાંઠ મારીને બનાવેલ હોય છે. આ ત્રણ સૂત્ર
માતા ગાયત્રી (મનની દેવી), માતા સરસ્વતી (શબ્દની દેવી) અને માતા સાવિત્રી (કર્મની
દેવી)ના પ્રતિક છે. શરીર પર યજ્ઞોપવીત ધારણ કરવી એ ઊપનયન સંસ્કાર પામ્યા હોવાની
નિશાની છે. યજ્ઞોપવીત એ ગોળાકાર સૂત્ર છે. જેમાં માત્ર એક જ ગાંઠ (બ્રહ્મગાંઠ) આવેલી
હોય છે અને સામાન્ય રીતે તેને ડાબા ખભા પર રાખીને જમણા હાથની નીચેથી શરીરને ગોળ
ફરતી વીંટાળવામાં આવે છે.આ સૂત્રની લંબાઈ વ્યક્તિના ચાર આંગળાના માપના ૯૬ ગણી હોય
છે. જે વ્યક્તિની ઊંચાઈ જેટલું માપ થાય છે. આ ચાર આંગળીમાની દરેક આંગળી માનવીના
આત્મા દ્વારા અનુભૂતિ કરવામાં આવતી ચાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચાર
સ્થિતિ છે – જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સ્વપ્ન વિનાની ગાઢ નિંદ્રા અવસ્થા અને
સંપૂર્ણ જ્ઞાનના અનુભૂતિની અવસ્થા...
આ થઇ આધ્યાત્મિક/ધાર્મિક બાબત,
યજ્ઞોપવીત ધારણ કરવા પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે, જેમકે
યજ્ઞોપવીતમ્ ને લઘુશંકા કે મળત્યાગ સમયે જમણા કાન પર વીંટવામાં આવે છે...કારણ જમણા
કાન પરની ગ્રંથી દબાવવાથી આ ક્રિયા સરળતાથી કરી શકાય છે તેમજ નિયમિત રીતે સમયાંતરે
એકયુંપ્રેસર થતું હોવાથી પ્રોસ્ટેટ તેમજ તેને લગતા અનેક રોગોથી મુક્તિ મળે છે. કાન
પર વિન્ટવાના કારણે જનોઈ કમરથી ઉપર આવે છે અને તેની પવિત્રતા જળવાઈ રહે છે.
યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યત્સહંજ પુરસ્તાત્ l
આયુષ્યમગ્ર્યમ પ્રતિમુંચ શુભ્રમ્ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ: ll
l કુર્યાત બટોર્મંગલમ્ l
No comments:
Post a Comment