ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા સમાજમાં સ્ત્રીઓનું સ્તર ઊંચું આવે અને સ્ત્રી પુરુષની સમાનતા જળવાઈ રહે તે હેતુસર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કન્યાઓના સશક્તિકરણ અને સમાનતા માટે અલગ અલગ પ્રકારના શૈક્ષણિક અને સહ-અભ્યાસિક તાલીમ કાર્યક્રમોની વિશિષ્ઠ કામગીરી જેન્ડર વિભાગ દ્વારા આયોજિત થતી હોય છે. જે અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કે તાલીમ જેમ કે કિશોરી મેળો, કાઉન્સેલિંગ સેન્ટર, જેન્ડર ઇક્વિટી પ્રોગ્રામ, મહિલા આરોગ્ય તપાસ, મીના મંચ, સશક્તિકરણની કરાટે તાલીમ, જેન્ડર સમજ વગેરે વગેરે પ્રવૃતિઓ કે તાલીમ સમયાંતરે યોજાતી હોય છે અને જેની મદદ વડે ગુજરાતની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દરેકે દરેક દીકરી પોતાની જાતને ઓળખે છે, પિછાણે છે અને તેને સમાજના અન્ય વર્ગ કરતા વિશેષ, પુરુષ સમોવડી બનવાનો પ્રયત્ન કરે છે અને આ વિચારથી જ સમાજમાં જાતીય સમાનતાના બીજ રોપાય છે.
જાતીય સમાનતા એટલે એવી પરિસ્થીતિ કે જ્યાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન અધિકારો પ્રાપ્ત થાય, સમાન સ્વતંત્રતા મળે અને સમાન તકોનું નિર્માણ થાય જેથી કરી સમાજમાં સ્ત્રી અને પુરુષ બને વર્ગ પોતાનું કૌશલ્ય દાખવી શકે. અને આવી જ પહેલ કરવી હોય તો શિક્ષણ જ એક માત્ર સહારો છે જે આ તકોનું યોગ્ય દિશામાં નિર્માણ કરી શકે તે છે. સર્વ શિક્ષા અભિયાન,અમદાવાદના OIC જેન્ડર શ્રીમતી અલકાબેન વ્યાસના માર્ગદર્શન મુજબ દેત્રોજ તાલુકાના નદીશાળા ક્લસ્ટરની નદીશાળા,ગમાનપુરા,લક્ષ્મીપુરા,રામગઢ અને જશપુરા પ્રાથમિક શાળાઓમાં પણ મહિલા-કન્યા શાશક્તિકરણ અને મહિલા જાગૃતિ અર્થે કેટલાંક કાર્યક્રમો નિયમિત રીતે સહભ્યાસિક પ્રવૃત્તિ તરીકે, શાલેય પ્રવૃત્તિ તરીકે કે શાળામાં જરૂરિયાત મુજબ ઇરાદાસર ચલાવવામાં આવી રહ્યા છે.
દેત્રોજ તાલુકાના નદીશાળા સીઆરસીની નદીશાળા પ્રાથમિક શાળામાં આવો જ એક યોગ્ય દિશામાં પ્રયાસ થઇ રહ્યો છે. મારા ક્લસ્ટરની પાંચ શાળાઓમાંથી ચાર શાળાઓમાં માત્ર શિક્ષક ભાઈઓજ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ ગામોમાં, નદીશાળા અને જશપુરા ગામ આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ લોકો ગામમાં હાલ રહે છે. જયારે લક્ષ્મીપુરામાં ૧૫૦ થી ૨૦૦ વ્યક્તિઓ મળીને બનેલ ગામ છે અર્થાત નાનું પરું... આ ચારેય ગામોમાં, ઠાકોર, દેસાઈ અને ક્ષત્રિય સમાજના લોકો વધારે સંખ્યામાં છે. આ સમાજના કેટલા રીવાજો અને સામાજિક માન્યતાઓને દીકરા-દીકરીઓ વચ્ચે કેટલાંક બંધનો દેખાતા. ક્યારેક આ બંધનો શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ અડચણ પેદા કરતાં. જેમકે, રમતોત્સવ,વિજ્ઞાન પ્રદર્શન કે અન્ય કારણોને લીધે બહાર જવાનું હોય તો દીકરા-દીકરીઓને સાથે લઇ જવામાં વાલી તરફથી આનાકાની કરવામાં આવતી. વિદ્યાર્થીની ઈચ્છા હોવા છતાં પ્રવૃત્તિમાં સહભાગી ન બની શકે અને અંતે તેનાં સર્વાંગીણ વિકાસમાં અવરોધ આવે.
સી.આર.સી કૉ ઓર્ડીનેટર તરીકે ૧ ઓક્ટોમ્બર ૨૦૧૨માં કાર્યભાર સંભાળતા શાળા મુલાકાત દરમિયાન આ બાબતો ધ્યાને આવી. આ અંગે અમારા બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ અને OIC જેન્ડર શ્રીમતી અલકાબેન વ્યાસ સાથે ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું...અને તેમના માર્ગદર્શન મુજબ જરૂરી કર્યો શરુ કાર્ય. સૌ પ્રથમ શાળા પરિવાર સ્ટાફના શિક્ષક-ભાઈ બહેનો સાથેની વાતચિત દરમિયાન આ સમસ્યા અંગે ચર્ચા કાર્ય બાદ ક્લસ્ટરની દરેક શાળામાં SMC સભ્યોની મુલાકાત-બેઠક યોજી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક સહભ્યાસિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા. વાલીઓને સમજણ આપી અને ધીમે ધીમે સૌ સાથે મળી કામ કરી શકે તે દિશામાં આગળ વધવાનું શરુ કર્યું. વિદ્યાર્થીઓના મનમાં પણ એવી માન્યતાઓ ઘર કરી ગયેલી જોવા મળી કે અમુક કાર્યો છોકરાઓ કરી શકે અને અમુક કર્યો છોકરીઓ કરી શકે...જેમકે, કચરો સાફ કરવો, વાસણ ઘસવા, ચા બનાવવો, શાકભાજી સમારવી વિગેરે...છોકરીઓ કરી શકે છોકરા નહિ જયારે ઝાડ પર કે છાપરા પર ચડવું, ક્રિકેટ રમવી, બઝારમાંથી કોઈ સામાન લાવવો, વિગેરે કર્યો છોકરાઓ જ કરી શકે છોકરીઓ નહિ. SMC સભ્યોની મુલાકાત-બેઠકમાં દરેક શાળાના કોઈ એક શિક્ષકને દીકરા-દીકરી ભેદ નિવારણ અંગે વાર્તા આપેલ જે રજુ કરવામાં આવી. બેઠકમાં વીડીઓ ક્લીપ તેમજ કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા જેના વડે જેન્ડર બાયસ દુર કરી શકાય. બીજા દિવસથી શાળાના સફાઈના કામમાં છોકરીઓ સાથે છોકરાઓને જોડ્યા ..શરૂઆતમાં થોડો સંકોચ અનુભવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ સુંદરરીતે પોતાનું કાર્ય કરતા થયા. આમ તમામ કામો જે છોકરાઓ કે છોકરીઓ કરતા તેમાં ધીમે ધીમે બંનેનું સમપ્રમાણ કરતાં ગયા.
આજે, શાળા સમયની શરૂઆતથી જ શાળાની સફાઈ-પાણી વ્યવસ્થા દીકરા- દીકરીઓ દ્વારા જ સંપૂર્ણપણે સ્વંય સંચાલિત અને પ્રાથના કાર્યક્રમમાં સરખી સહભાગિતા નોંધાવે છે. સાથે સાથે રમત ગમત, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધ, નિબંધ સ્પર્ધ વગેરે જેવી સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં પણ મહતમ વિજેતા શાળાની દીકરીઓ જ બને છે, જે એકપણ શિક્ષિકાબેનના માર્ગદર્શન વગર મેળવતા હોવાથી ખુબજ સરાહનીય છે. સાથે સાથે આ શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો પણ એટલા જ અભિનંદનને પાત્ર છે.
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જેન્ડર એજ્યુકેશનની ‘કાઉન્સેલિંગ બોક્ષ’ પ્રવૃત્તિ દ્વારા શાળામાં મુખ્ય જગ્યા એ એક બોક્ષ રાખવામાં આવેલ હોય છે અને જે દીકરીઓને કોઈપણ મુંજવણ હોય તો તે પોતાના પ્રશ્નને આ પેટીમાં નાખે છે અને મહિના અંતિમ ગુરુવાર પ્રાથના સભા પછી આ પ્રશ્નોનું શાળાના આચાર્ય અને શિક્ષકો નિરાકરણ લાવી આપી છે અને જો પ્રશ્ન કોઈ શારીરિક મૂંઝવણને લાગતો હોય તો સી.આર.સી પરની એક દિવસીય તાલીમ દરમિયાન રીશેષના સમયે આવી વિદ્યાર્થીનીઓને ગમાનપુરા અને રામગઢ શાળાના શિક્ષકબેન દ્વારા તેનું ઉકેલીકરણ કરવામાં આવે છે.
એક આનંદની વાત એ પણ છે કે શાળામાં કુમાર કન્યા શિક્ષણમાં છેલ્લા ૪ વર્ષથી ૦ % ડ્રોપ આઉટ રેશિયો છે. અને તેમાં પણ વધુ સારી બાબત એ છે કે શાળાની બધી જ દીકરી જે ધોરણ ૮/૭ પાસ કરે છે તે નદીશાળામાં આવેલ લોકશક્તિ ગ્રામ વિદ્યાલય નદીશાળામાં પોતાનું નામ નોંધાવે છે અને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સાયકલ લઈને તે શાળાએ જાય છે તથા શિક્ષણ પૂરું કરે છે. આમ શાળાનો સ્ત્રી સાક્ષરતા દર ઘણો સુધારી રહ્યો છે. ક્લસ્ટરની તમામ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં એવરેજ ૨૫ બાળકો દર વર્ષે એનરોલ થતા હોય છે જેમાં દીકરીઓની સંખ્યા ૫૦ થી ૫૫ % સુધીની હોય છે જે ગર્વની બાબત હોય છે. ક્લસ્ટરની તમામ પ્રાથમિક શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓના બાળકો આવે છે જેમાં મહતમ અનુસુચિત જાતી કે બક્ષીપંચના બાળકો હોય છે તેમ છતાં પણ શાળાના અથાગ પ્રયત્ને આ બાળકો આર્થિક ઉપાર્જનને બદલે શાળામાં નિયમિત આવે છે અને કન્યાઓ પણ સવિશેષ હાજર રહી તેમની સહભાગીતા, સમાનતા, સામર્થ્યનો પરચો આપે છે.
શાળામાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં ડોક્ટર દ્વારા બધા જ બાળકોનું યોગ્ય નિદાન અને ઉપચાર કરવામાં આવતું હોય છે પણ શાળાના શિક્ષકો જે પણ કુપોષિત બાળકો સવિશેષ દીકરીઓ જણાય તેમની અલગથી યાદી નોંધી તેઓની પર સવિશેષ કાળજી લે છે જેથી કરી આ બાળકોનો તરવરાટ અને થનગનાટ યથાવત રહે અને તેના પરિણામ સ્વરૂપ એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું ઘડતર શક્ય બની શકશે.
આમ આપણા એક પ્રયાસથી આ રાજ્યને, દેશને અનેક માનસિક, મનોવૈજ્ઞાનિક, તાર્કિક કોઠાસુજ ધરાવતી મહિલાઓ પ્રાપ્ત થશે...





No comments:
Post a Comment