જમવાની વાત આવે એટલે ગુજરાતીના હાથ પગ હાલતા બંધ થઈ જાય. તમે દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો ત્યાં જઇને તમે ગુજરાતી ખાણું શોધશો. ગુજરાતમાં ગુજરાતી ભાણું ક્યારેક જ ખાય પરંતું ગુજરાત બહાર ગુજરાતી ભાણું શોધે રાખે. ગુજરાતીઓને ખાવાનો ચસ્કો જ એવો કે દરેક વસ્તુમાં એને વેરાયટી જોઈએ. કહેવાય છે કે ગુજરાતી ને હોટલમાં ઘર જેવું જોઈએ ને ઘરમાં હોટેલ જેવું જોઈએ. ગુજરાતી સ્વાદ પ્રિય પ્રજા છે એટલે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પોતાના ભોજનની છાપ છોડતો આવે છે. ગુજરાતીને જેટલું ભોજન વહાલું છે એટલી જ સાઇડ ડીશ પણ. સાઈડમાં અથાણું, ચટણી, પાપડ, છાસ વિગેરે. છાસ થી અથાણુ દરેકમાં આપણી પાસે અદભુત વેરાયટી. દરેકને પોતાની પસંદની અલગ સાઇડ ડીશ હોય.
અહીં કેનેડામાં કેટલાક ગુજરાતી મિત્રો ના ત્યાં જમવા જવાનું થાય એટલે સુરતી ફ્રોઝન ચટણી ખાવા મળે. અહીં કેનેડામાં ગુજરાતી પ્રજાના ભોજનમાં ખાસ ધ્યાન ખેંચે એવી કોઈ બાબત હોય તો એ સુરતી ચટણી કહી શકાય. જમતાં જમતાં ચટણી ની વાત આવે એટલે મને પૂછે,'તમે કેવી ચટણી બનાવો ?' હું મહેસાણામાં વન ટેન રેસ્ટોરન્ટમાં મેનેજર હતો ત્યારે સાંજે સ્ટાફ ના સૌ સાથે જમવા બેસતાં. અમારા જમવામાં રોજ મેનૂ અલગ હોય એમ કહી શકાય પરંતુ ચટણી એક જ પ્રકારની અમારા રસોયા ભાઇ બનાવે. કદાચ એમને બીજા પ્રકારની ચટણી ફાવતી જ હશે પરંતુ અમને ગમતી ચટણી કંઇક અલગ જ હતી. શિયાળામાં કાંઇ ન મળે તો ખાલી અમારી ચટણી, રોટલો અને છાસ મળે એટલે મોજેમોજ.
આમ કહું એટલે તરત મિત્રો ચટણીની રેસિપી પૂછે. પ્લીઝ તમે રેસિપી ન પૂછતાં હો... નીચે આપેલો ફોટો જોઈ મિક્સર કે ખાંડણી દસ્તો લઈને કરો બધું ભેગુ. હું ગેરંટી આપી શકું કે એકવાર આ ચટણી ખાઓ પછી તમને વારે વારે એ ખાવાનું મન થશે. ચટણી સહેજ ઢીલી કરવા દહીં નાખી શકાય અને હા બે-ત્રણ ખજૂરની પેસી,આંબલી - ગોળનું પાણી, દ્રાક્ષ ને ફુદીનો નાખો ને પછી એનો સ્વાદ જોવો. આવી રીતે ક્યારેક રસોડામાં કામ કરશો તો ભાભીને પણ ગમશે.
No comments:
Post a Comment