મારા દિકરા યશે એની નાની ઉમ્મરે જીવનના દરેક પાસાઓનો ઘણો અનૂભવ મેળવ્યો છે. જીવનને ૩૬૦ ડીગ્રી એ વણાંક આપતાં કેટલાક અનુભવો કેનેડામાં આવી ને થયા જે અમે જીવનભર નહીં ભૂલી શકીએ. મને વિશ્વાસ છે યશ એના જીવનમાં ખુબ સફળ થશે....એના જીવનઘડતર નો શિક્ષક એ પોતે અને એનો સમય રહ્યો છે. યશ એની ઉંમર કરતાં વધુ મેચ્યોર છે....કદાચ વ્યક્તિ ઓળખ અને સમજણ પૂર્વક સમય મુજબ નિર્ણય શક્તિમાં મારા થી પણ વધુ આગળ કહી શકાય.
આજે યશ એની શાળાના અનુભવ કહેતા કહેતા ભાવુક બની ગયેલ. યશ જ્યારે ભારત માં હતો ત્યારે ભણવામાં ઘણો સ્લો લર્નર. અભ્યાસ માટે એને અમારે રોજ ઠપકો આપવો જ રહ્યો. ભણવાનું મહત્વ એના માટે કાંઇ જ નહી. આમ પણ ભારતમાં ભણપારને ક્યાં નોકરી મળવાની છે ? ધંધા માટે મોટી મૂડી છે નહીં અને પ્રાયવેટ નોકરીમાં સ્કિલ મહત્વનું છે.... આવી એની દલીલો રહેતી.
અમારી લફલેશ શાળાના શિક્ષકો એ માત્ર ત્રણ મહિના માં યશનુ સ્કિલ ઓળખી લીધું. યશ ભારતમાં ગુજરાતી માધ્યમમાં ભણતો જ્યારે અહીં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું. શરુઆત માં અઘરું લાગતું પરંતુ સમય મુજબ એને મન બનાવી લિધેલ. અહીં શાળામાં રીમેમ્બરન્સ ડે નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધા માં યશનો ત્રીજો નંબર આવતા એમની શાળાના આચાર્યશ્રી એ મને ફોન કરી જાણ કરતાં કહેલ કે,'અમને આનંદ છે યશ અમારી શાળામાં છે. અમને યશ પર ગર્વ છે. યશ માટે અમારી શાળા પસંદ કરવા તમારો આભાર. હું અવાક બની સાંભળતો રહ્યો. શું કહેવું એ જ સમજાતું નહીં. મારા માટે પણ ગર્વ કહી શકાય!
લફલેશ શાળામાં પુસ્તકીયા જ્ઞાન સાથે સ્પોર્ટ્સ, રસોઇ બનાવવાનું પણ શિખવવામાં આવે છે. શાળા દ્વારા જ યશને ડ્રાઈવર્સ લાયસન્સ ની થિયરી પરીક્ષા અને પ્રેક્ટિશ કરાવી લાયસન્સ અપાવ્યું. રસોઇ માટે જુદી જુદી ટીમ બનાવેલ હોય. લફલેશ ગામમા માત્ર અમારો પરીવાર શાકાહારી છે. અહીં શાકાહારી રહેવું અઘરું કહી શકાય! જોકે અશક્ય નથી. યશ શાકાહારી છે એ એનો શાળા પરીવાર જાણે. શાળામાં રોજ જુદું જુદું જમવાનું જાતે ગૃપમા બનાવી ખાવાનું અને એના માર્ક્સ મળે. યશ નોન વેજ ન ખાય. એના શિક્ષક અને સાથી મિત્રો એ પુછતાં થશે ન ખાવાનું કારણ બતાવ્યું. વિદ્યાર્થીઓ અને શિક્ષકને લાગ્યું કે યશ નહીં જ ખાય આથી શિક્ષકે વેજ બ્રોથ અને અન્ય સામગ્રી લાવી આપી અને સાથી વિદ્યાર્થીઓએ પણ સ્વેચ્છાએ વેજ ખાવાનું શરૂ કર્યું. શાળાના એક વિદ્યાર્થી ના કારણે ગૃપના સભ્યો પણ વેજ ખાય એ અકલ્પનીય જ કહી શકાય.અહીંના કેનેડીયન વિદ્યાર્થીઓએ યશ સાથેના માત્ર ત્રણ મહિનાના સંબંધમાં જો ગૃપ સમયે વેજ ખાવાનું નક્કી કર્યું હોય તેનો અર્થ એમને યશના વિચારો એની પસંદગીનું સન્માન કર્યું. નાની ઉંમર ના વિધાર્થીઓ આમ તો જ કરી શકે જો એમને ઘરમાંથી આ પ્રકારના સંસ્કાર મળ્યા હોય....! મેં ભારતમાં એવા ઘણાં શિક્ષિત જોયા છે જેઓ માત્ર પોતાની દૃષ્ટિએ જ જુએ છે. એમના માટે પોતે જ સાચા. પોતાના ઘમંડને સંતોષવા માટે કોઇ પણ વ્યક્તિ સાથે સંબંધ પુરો કરતા સામેની વ્યક્તિ ની મજબૂરી સમજે નહીં. આવા લોકો હંમેશા સામે વાળાને બદલવામાં જ પોતાનો વિજય સમજતા હોય છે. એ ન ભૂલવું જોઇએ કે, 'માણસે જાત બદલવા માટે કોઇ કારણ કે મજબૂરી જોઇએ....'કોઇને મજબૂર કરી એનું અસ્તિત્વ પુરું કરી ખુશ થનારા રાવણના પૂતળાનું દહન કરીએ છીએ પરંતુ એમાંથી કોઇ બોધપાઠ નહીં લઇએ...?' અહીં કેનેડાના લોકો સત્ય સાથે જીવે છે.... સાચું કહું તો આપણે વસુધૈવ કુટુંબકમ્ ની માત્ર વાતો કરીએ છીએ, જ્યારે અમારા લફલેશ ના લોકો અને તમામ કેનેડીયન સાચા અર્થમાં વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના સાથે જીવે છે. ખરેખર અહીંના લોકો પ્રેમાળ અને મહાન છે. અહીં શાળામાં પ્રવેશ મેળવતા સમયે કે આજ સુધી મને કે મારા પરિવાર ના સભ્યોનો કોઇએ ધર્મ. જ્ઞાતી કે પેટા જ્ઞાતિ નથી પૂછી. ભારતમાં શાળા પ્રવેશ ફોર્મમાં પહેલા જાતીની માહિતી આપતાં આ કોલમ તો આવે જ. દુઃખ સાથે કહેવું પડે કે દેશ જાતી ધર્મ સાંપ્રદાયના ફાંટા માં ફંટાઇ રહ્યો છે. ઘણી વાર શહેરમાં જવાનું થાય અને શોપિંગ મોલ માં કોઇ નવા આવનાર મળી જાય તો અહીં પણ પૂછે,' તમે ક્યાંના ?
ગુજરાતના.
ગુજરાતમાં ક્યાંના ?
કડીના
જાતે કેવા ? (આ સાંભળતા મનમાં ગુસ્સો આવે પણ કહેવાય તો નહી ?!....)
બ્રાહ્મણ
એમ કેવા બ્રાહ્મણ ?
ઔદિચ્ય...ભલે મારે મોડું થાય છે પછી મળીએ. આવા નાતજાતના વાડામાં રહેનારને બહાર ન જ નિકળવું જોઇએ. આવા લોકો આતંકવાદી જેવા કટ્ટર જ હોય! સમય આવ્યે આવા લોકો અન્ય સમાજ માટે ઉપદ્રવી બની શકે. આજે એક મિત્ર એ ફેસબૂક માં પોસ્ટ કરેલા કે,'ગીતા કોર્ટમાં નહીં ક્લાસ (વર્ગખંડમાં) ભણાવવી જોઇએ. હું ઘણાં વિકસિત, શાંતિ પ્રિય સફળ દેશમાં ફર્યો છું. મેં આવા કોઇ દેશમાં શાળામાં ધર્મનું જ્ઞાન આપતાં ન જોયા. શાળામાં આધુનિક જ્ઞાન જ અપાય! ધર્મ બાળકો મંદિરમાં જઈને જાણે. શાળાને ધાર્મિક અખાડો બનાવી શું મળશે ? અભ્યાસુ વ્યક્તિએ ધાર્મિક કટ્ટર દેશો અને ધાર્મિક સ્વાતંત્ર્ય વાળા દેશોની દશા વ્યવસ્થા જોવી જોઇએ. ધર્મ શાંતિ માટે છે, એ ખ્યાલ મને અહીં સ્પષ્ટ થયો. હું દર રવિવારે સવારે ૯.૦૦ કલાકે નિયમિત ઘરે પૂજા પાઠ કરી અમારા લફલેશ ની કેથલીક ચર્ચામાં જાઉ અને ૧૧ વાગે વુડ રો ની ચર્ચામાં જાઉં. મને અઠવાડિયું ફ્રેશ રહેવાની ઉર્જા મળે. કેનેડા એ ધાર્મિક સમભાવ ધરાવતો શ્રેષ્ઠ દેશ છે.
અને અંતે,
યશ દ્વારા છેલ્લે કહેવામાં આવેલ વાક્ય,'હવે ભણવું જ છે...'
કેમ ?
'ભણેલાને જ બધાં સભળે છે. વાંક હંમેશા નિર્બળ અને ઓછું ભણેલા નો જ હોય છે.'
હું અવાક બની યશના પોતાના જીવન માટેના કોન્ફીડન્સ અને ભવિષ્ય નું વિચારી થોડો સમય મૌનસ્થ બની રહ્યો. હું દૃઢપણે કહી શકું કે લફલેશ શાળા યશના જીવને યશવાન બનાવશે.
Thanks Lafleche Central School
No comments:
Post a Comment