મારી અંદર જીવતા એક પ્રેમીને મારે મારી નાખવો છે, બહુ નડે છે યાર, રોજ રડે છે એનો પ્યાર ... રાત્રે નીંદર આવવા દે નહિ અને સવારે પથારીમાં આળસ મરડીને જાગવાની જાહોજલાલી ભોગવવા દે નહિ. હર ક્ષણે પ્રેમભર્યા દિવસોની યાદો, મીઠા ઝગડાની મીઠાસ અને વર્તમાનના મહેણાંટોણાની યાદ અપાવી મરી પડી રહેલ દેખાતી માણસાઈ- સહાનુભૂતિ સંવાદ ની બુમો પાડતો એ હર પલ મને જ સામો મળી જાય છે. અનેકવાર વિચારશૂન્ય બની, કાઢીને મન મસ્તિકની બહાર ફેંકવાની કોશીશ કરૂ, પરંતુ એ સાલ્લો જાય જ નહીં... એને સમજાવવુ છે કે આ એ ઉંમર નથી કે હવે સામે પક્ષે કદાચ આ એ પ્રેમ પણ નથી કે ના આ એ દેશ-દુનિયા છે જ્યાં ખરેખર કોઈ માટે, અરે કોઈ માટે જવા દો પરંતુ કોઈ પોતીકા માટે સ્વાસ લેવાતો હોય! ... કે મન ને મોજ આવે એ માટે એકાદ કામ થતુ હોય! આતો એક અલગ દુનિયામાં આવી ગયો છું. જ્યાં પગ મૂકી પોતીકા પણ પારકાં બની જાય. જ્યાં માંહ્યલો જીવતો હોય અને પોતાના પ્રિય ‘ઈ’ માટે હુદય ધબકતું હોય ! હવે આ જમાનામાં તો મારા જેવા એક તરફી પ્રેમીઓનું કામ જ નથી રહ્યું. માટે જ માંરી નાંખવાનું મન થાય છે એ માણસને જે દર ધબકારે ભક્તીભર્યા ભાવે બસ એનું નામ જ રટ્યા કરે છે, અને એ કાલભૈરવ બની હર પલ ખંજર લઇ હૃદય સોંસરા ઘા ઠોકે છે.
ફરી આજે ભૂતકાળમાં ખંખોળિયું કરતાં મને મારી એજ ડાયરીમાં ડોકિયું કરવાનું મન થયું. આખ્ખા પાનામાં, દરેક લીટીમાં એક જ નામ, અનેકવાર...એક પાનું, બીજું પાનું, ત્રીજું પાનું....ત્રણસોને પાસઠમુ પાનું બસ એક જ નામ,
અનેકવાર...લાખો વાર લખાયેલું એનું બસ એનું જ નામ. એ અતિશય કપરા દિવસોમાં અમૃતબની રગેરગમાં લોહીને ધબકાવતું-ખુદને એ દિવસોમાં જીવતું રાખતું એનું નામ. કહેવાય છે કે કોઈ ભક્ત એના ઇસ્ટદેવની ‘ભક્તિ’ માં જે નામનું વારવાર રટણ કરે એ સિદ્ધમંત્ર બની જાય. અને એ સિદ્ધમંત્ર કાળભૈરવના રૂપમાં સતત ધબકતા હૃદયમાં સોય ભોંકવાનું શરુ કરે ત્યારે એને મારામાં રહેલ વેદના સહન કરતાં એ માણસને મારવો કે જીરવવો એ મૂંઝવણ બને. કદાચ માટે જ આજે એને મારી નાખી ‘એની’ જેમ જ આ દુનિયાને માણવી છે....
પ્રેમી બની પોતાનું સર્વસ્વ લુંટાવવા છતાં, લુંટારા બની લુંટવાનો આનંદ લેતાં ‘એમના’ નામનું રટણ કરતાં એ માણસને મારે આજે મારવો છે....શું હું મારામાં બેઠેલા એ પાગલ પ્રેમીને મારી શકીશ ? કે હું જ મરી જઈશ ? એનો એક શબ્દ સંભાળતા સરવા બનતા આ ‘કાન’ શું એ પાગલ નાં વિયોગનું રુદન જીરવી શકશે ? પરંતુ મને ‘એ’ પાગલ કરે એ પહેલા પાગલ બનેલા આ મારી અંદરના પ્રેમના પુજારીને અંદરથી ધક્કા મારી કાઢવો છે, મારે મારા એ ‘પાગલ’ પ્રેમને એના નવલા મિત્રો સાથે મનભરી પળો માણવાની ભેટ આપવા, મારા માંયલા ને મારે જ મારવો છે. ‘હું’ બિચ્ચારો ગરીબ બાપડો, એ તવંગર મિત્રો થકી. એના મિત્રોની જેમ એને અમુલ્ય સોગાદો તો હું ના આપી શકું, પરંતુ એને મન તુચ્છ મારો જીવ, ભેટ તો ધરી શકું. એની ભેટમાં ‘આત્મ’ મારો એના શરણે. કદાચ હું એના ઘરના ઉમ્બરાનું પગ લુછણીયું બનું તો એ મારી સામે જોઇ મને ધુત્કરતાં મારા હૃદય પર રોજ મલકાઇ પગ તો એ માંડશે. આ અજાણ્યા બર્ફાની અરણ્યમાં સતત પ્રેમની ઝંખના કરતા મારી અંદરના પ્રેમીને પછાડવો છે, મારે એની જેમ જ નવા મિત્રોને ‘ઇન’ કરવા એના જ રસ્તે કાળભૈરવના પુજારી બની ચાલવું છે, મારે મને જ આજે મારવો છે.
No comments:
Post a Comment