Monday, February 1, 2010

The life of fix salary employee...

એક હજાર રંગ બે રંગીન લાખોટીઓં...

માનવ એક શિક્ષક.પ્રતિષ્ઠિત શિક્ષક.સતત શિક્ષણના વિચારોમાં, અસરકારક વર્ગવ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ માટે વિચારનાર કાર્યશીલ શિક્ષક.રાજ્યકક્ષાએ-જીલ્લા કક્ષાએ કે પછી તાલુકા કક્ષાએ કોઈ પણ શૈક્ષણીક કાર્ય હોય બધે જ માનવ જ છવાયેલ રહે.

શાળાના તમામ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ કરવાનું કાર્ય હોય કે પછી બાળકના સર્વાંગી વિકાસ માટે અન્ય કોઈ કાર્ય હોય, માનવ પોતાનો મહત્તમ સમય આપતો.ગીજુભાઈ બધેકા જેવા મહાન શિક્ષણશાસ્ત્રી માનવના "માનસ ગુરુ"-રોલ મોડલ.ગામમાં બધા મિત્રો વચ્ચે,લોકોમાં,વિદ્યાર્થીઓમાં અને શાળાના શિક્ષકોમાં પોતાના મીતભાસી સ્વભાવના કારણે માનવ માનવંતો અને આદરપાત્ર વ્યક્તિ બની ગયેલ.સૌ કોઈ માનવને પ્રેમથી બોલાવે તેની સાથે પોતાનો સમય પસાર કરવા મળે તો આનંદ અનુભવે. માનવ સતત લોકોથી ઘેરાયેલ રહે. માનવ સૌના માટે એક સફળ કલાકાર જેવું માન મેળવી બધાનો લાડકો હીરો બની ગયેલ.શાસ્ત્રોમાં શિક્ષક માટે ગુરુ કહ્યું છે તેવા ગુરુની – સાચા શિક્ષકની છબી માનવને જોતા જ ઉભરાઇ આવે.માનવ વિદ્યાસહાયક સ્કીમથી શિક્ષક તરીકે જોડાયેલ.રાત દિવસ કામ કરવા છતાં નિયમ મુજબ તેને વેતન તરીકે પગાર મળે ૨૫૦૦ રૂપિયા મહિને.કેટલીક વાર તો પગાર લઇ ઘરે જતા માનવના આંખમાંથી આંસુ સારી જતા.માનવના ઘરમાં ચાર સભ્યો.વૃદ્ધ માતા-પિતા, નાનો ભાઈ અને પત્ની.ઘર ખર્ચ, કરિયાણું કે ઘરના ચાર સભ્યોના ખર્ચના કારણે મહિનાના અંતે માનવના ઘરે ઉઘરણીયાના આંટા શરુ થઇ જતા.કેટલીય વાર માનવે ઉઘરણીયાથી પોતાને છુપાવવો પડતો તો પછી કેટલીક વાર શરમથી નીચે જોવું પડતું.સતત હસતો ચહેરો લઇ ફરતો લોકોને હસાવતો માનવ આર્થિક તંગી અને આવા આઘાતથી ઘણી વાર મહિનાના શરૂઆતના દિવસોમાં ધીર, ગંભીર અને મુઝાયેલ રહેતો.

ઘરના બધા સભ્યો-મિત્રો અને સાથી શિક્ષકો માનવને નોકરી સાથે કોઈ પ્રવુત્તિ કરવા પણ કહેતા જેથી આર્થિક ટેકો મળી રહે.આવી સલાહોની માનવ પર કોઈ અસર ન થતી, કોઈનું કહ્યું ન સાંભળે કારણ વિદ્યાસહાયક તરીકે ઓર્ડર લેવા ગયેલ સમયે નવ નિયુક્ત વિધાયાસહયકના હાથમાં ઓર્ડર આપનાર અનુભવી રાજકારણી એવા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીએ પોતાના ધારદાર વક્તવ્યમાં કહેલ આપ, સૌ યુવાનોના હાથમાં આજનું ગુજરાત , આજનું ભરત સોપતા આનંદ અનુભવીએ છીએ.આપ જ ક્રાંતિ લાવી શકશો.આપ સૌ તો સમાજના ઘડનારા છો.ચાણક્યના વંશજો છો.નવસર્જન કરનારા છો.અમે તો હવે ઘરડા થયા. આ સમાજ અને આજનું રાષ્ટ્ર આપ સૌ શિક્ષકોને અર્પીએ છીએ.આપ દ્વારા એક એવા સમાજનું ઘડતર કરો કે સમાજ ભય, ભ્રષ્ટાચાર અને દુરાચારથી મુક્ત બને...ગુજરાતનો શિક્ષક વિશ્વનો શિક્ષક બને.વિશ્વમાં શાંતિ સ્થાપવાની શરૂઆત આપથી થાય.આપ માનવમાંથી મહા માનવ બનો.... જયારે જયારે મનમાં કૈક નવું કરવાના વિચારો જન્મે ત્યારે ત્યારે માનવના માનસ પટ પર પદાધીકારીશ્રી ના આ શબ્દો કાને ગુંજવા લાગે અને માનવ સમાજની અપેક્ષા વાળો મહામાનવ બનવા પ્રયત્ન કરવા લાગે...

નોકરીને બે વર્ષ થયા.માનવના ઘરે દીકરાનો જન્મ થયો.મોંઘવારી સાથે સાથે માનવની આર્થિક તંગી પણ વધતી ગઈ. નાના ભાઈના લગ્ન અને પિતાજીના હદય રોગના કારણે માનવની આર્થિક તંગી અને વ્યગ્રતા વધવા લાગી.માનવનો સ્વભાવ ચીડિયો થવા લાગ્યો.પત્ની પણ માનવની સરખામણી તેમની અન્ય બહેનો અને બનેવીઓં સાથે કરવા લાગી.પોતાના માતા પિતાની ખોટી શિખામણો ને કારણે માનવની પત્ની માનસી બાજુના શહેરમાં રહેવા જવા સતત માનવને ટકોરતી રહે.રોજની ટકોર હવે ઝાગડાઓમાં પરિણામવા લાગી.રોજ કોઈના કોઈ બહાને ઝગડા વધવા લાગ્યા.પરિવારના પ્રત્યેક સભ્યોની જુદી જુદી માગણીઓં અને લાગણીયોને સંતોસવા મનાવ નોકરી સાથે અન્ય રોજગાર કરવા મજબુર થયો.પોતાને ન પસંદ હોવા છતાં બે-ત્રણ વર્ષના શિક્ષક તરીકે ના અનુભવને કારણે માનવે ટ્યુશન ક્લાસ નો વ્યવસાય સ્વીકાર્યો.ગામના લોકોએ આનંદ સાથે વાતને સ્વીકારી માનવને પોતાના બાળકો ટ્યુશન માટે આપ્યા.માનવે થોડા જ મહિનાઓમાં આજુ બાજુના ગામ અને પછી નજીકના શહેરમાં એક શ્રેષ્ઠ ટ્યુશન કરતાં શિક્ષક તરીકે નામના મેળવી લીધી.વર્ષની શરૂઆતથીજ માનવને વિદ્યાર્થીઓનું વેઇટિંગ લીસ્ટ તૈયાર થઇ જતું.પોતાના સંતાન ને માનવ સર ન ક્લાસીસમાં મોકલવાની વાત ને લોકો પોતાનું સ્ટેટ્સ માનતા.

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીમાંથી હવે માનવ સેકન્ડનરી થી માંડી ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું ટ્યુશન કરવા લાગ્યો.ગરીબાઈ માનવને ગાળ સમાન લાગતી અને ગરીબીમાંથી બહાર આવવા માનવ સતત બહાર રહેતો થઇ ગયો.માનસીને ઝગડવા માટે હવે કારણો ન શોધવા પડતા.સમજણ વિનાના ઝગડાઓથી કંટાળી પરિવારના સભ્યોની માગણીઓ પૂરી કરવા માનવ પૈસાની દોડમાં સતત બહાર રહેતો થઇ ગયો.સવારના પાંચ વાગે જાગી તૈયાર થઇ સૌને સુતા મુકી માનવ ટ્યુશન કરવા નીકળી જતો.ટ્યુશનથી સીધા શાળાએ અને શાળાએથી સાંજે ઘરે જઈ થોડું જમી અને પાછો કામ પર...રાત્રે નવ વાગ્યે છેલ્લું ટ્યુશન પૂરું કરી દશ વાગ્યે માનવ પોતાના ઘરે પહોંચતો ત્યારે ઘરના બધા સભ્યો સુતા હોય. પત્ની સાથે બેસી શાંતિથી વાત કરવા માટે, દીકરાને છાતી એ ચાંપી રમાડવા માટે કે માતા પિતાની સાથે બે મીનીટ પણ બેસવા માટે માનવ પાસે સમય જ ન રહેતો.માનવ પોતાના પરિવારનાં સભ્ય ને બદલે મહેમાન બની ગયો..મનાવે પોતાના પરિવારને આર્થિક સધ્ધરતા તરફ લઇ જવાની સાથે સાથે નાના ભાઈના લગ્ન કારવ્યા અને તેને એક નાનો ધંધો શરુ કરાવી આપ્યો.સંપત્તિ વધતી ગઈ પરંતુ એક સારો-સાચો શિક્ષક મરતો ગયો.માનવ પાસે પોતાના પરિવાર જનો , મિત્રો કે સગા-વ્હાલા માટે સમય જ ન રહેતો.ફિલ્મોના શોખીન માનવને ફિલ્મો જોયે વર્ષો વીતી ગયા.મિત્રોનો લાડલો માનવ મિત્રોથી દુર થઇ ગયો.તેને એ પણ યાદ નહિ કે પરિવારના સભ્યો સાથે બેસી ક્યારે ભોજન લીધું હશે.માનવ યંત્ર વંત બની ગયો.

એક સવારે મનાવે પોતાનો રેડિયો ઓન કર્યો.આમતો રોજ એટલો બધો વ્યસ્ત રહે કે રેડિયો, ટી.વી. કે અન્ય આનંદ પ્રમોદના સાધનોનું તેના રોજીંદા જીવનમાં સ્થાનજ નહોતું રહ્યું.રાત દિવસ પોતાના કલાસીસ,પર્સનલ ટ્યુશન અને પોતાના શાળામાં થતી પ્રવુત્તિઓ ને કારણે વ્યસ્ત રહેતો. એ રવીવારે પણ એને આમ જ રેડિયો ઓન કરેલ.જોકે અમસ્તોજ નહોતો કરેલ.તે દિવસે વિદ્યાર્થીઓને જે ટ્યુશન આપવા જવાનું હતું તેને કોઈ કારણ સર અચાનક બહાર જવાનું થતા તેની પાસે એકાદ કલાકનો સમય હતો.પથારીમાં પડ્યા રહી શું કરવું તેની અવઢવમાં જ તેને અમસ્તો રેડિયો શરુ કરેલ.

રેડિયો ઓન કર્યો ત્યારે તેના પર કોઈ વૃદ્ધ માણસ એક હજાર લખોટીઓની વાત કરતાં હતાં.સંઘર્ષમય જીવન જીવવાના અનુભવના નીચોડવાળા એ માણસના આવજમાં અને એની વાતમાં એવું કઈક હતું કે માનવને ધ્યાનથી સંભાળવાની ઈચ્છા થઇ આવી.આમતો પ્રાથમિક શાળાના શિક્ષક્નો આત્મા ને ? સારી વાતો તરત આકર્ષી લે...ભોળપણ તો હોય જ ...વૃદ્ધ માણસ પોતાના મનસુખ નામના કોઈ મિત્રને સંબોધી કહી રહ્યો હતો,મનસુખ ! મારા ભાઈ.તું જ્યાં હોવ ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો પછી હવે હું જે કઈ કહું એના પર બરાબર ધ્યાન આપજે. હું જાણું છું કે તું ખુબ જ વ્યસ્ત રહે છે અને અઢળક ધન કમાઈ રહ્યો છે.તારે મન ધન સંપત્તીજ તારા મન નું સુખ છે.પરંતુ તે ક્યારેય વિચાર્યું છે કે તેના કારણે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દૂર રહેવું પડે છે..?ઘણો ખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હો છો.રાત દિવસ કામ કાજ માં વ્યસ્ત હો છો.તારા ઘરના આંનદ ન પ્રસંગોમાં પણ તું હાજર નથી રહી શકતો.તને યાદ છે કે ગયા અઠવાડિયે તારી દીકરીના નૃત્યના કાર્યક્રમ માં પણ તું તેની શાળામાં હાજર રહી નહોતો શક્યો.ખરુને ?એ વૃધ્ધે બોલતા બોલતા થોડો આરામ લીધો.

માનવને પણ એની વાતમાં બરાબરનો રસ હતો. થોડુંક વોલ્યુમ વધારીને એ ધ્યાનથી સંભાળવા લાગ્યો.

રેડિયો પરથી પેલા વૃધ્ધે આગળ કહ્યું, મનસુખ ! મારા ભાઈ ! હું તને એક એવી વાત કહેવા માગું છું કે જેને મારી આખી જીંદગી જ બદલી નાખી,વાત એમ છે કે એક દિવસ મેં થોડુંક વિચાર્યું.મારા જીવનનું ગણિત માંડી જોયું.માણસની સરેરાસ ઉંમર પંચોતેર વરસની હોય.જોકે કેટલાક આનાથી વધારે તો કેટલાક આનાથી ઓછું જીવતા હોય છે, પરંતુ સરેરાશ પંચોતેર વરસની ગણાય.હવે એ 75 વર્ષને 52 રવિવાર વડે ગુની નાખ્યા. કારણકે એક વર્ષમાં 52 રવિવાર હોય છે.ગુણાકાર આવ્યો 3900 રવિવાર.એટલેકે આટલા રવિવાર 75 વર્ષ જીવતા વ્યક્તિને આખા જીવનમાં મળે.રવિવારે રાજા હોય છે, માટે આ દિવસ બધાના માટે આનંદ ણો દિવસ ગણાય.જયારે મેં આ હિસાબ માંડ્યો ત્યારે મારી ઉંમર હતી 55 વર્ષની...એનો અર્થ એ કે એટલા વર્ષો દરમિયાન મેં 2900 રવિવાર તો પસાર કરી દીધા હતાં. હવે હું જો 75 વર્ષો સુન્ધીજ જીવવાનો હોવું તો મારી પાસે ફક્ત 1000 દિવસ જ બચ્યા હતાં.!એનો સાવ સાદો અર્થ એટલોજ કે મારી પાસે આનદ અને રજાના માત્ર 1000 રવિવાર બચ્યા હતાં..! હું વિચારમાં પડી ગયો. ઘણો વખત વિચાર્ય પછી મેં એજ દિવસે માર્કેટ જઈ બે ચાર સ્ટોરમાં રખડી એક હાજર રંગ બે રંગી લખોટીઓં ખરીધી આવ્યો.એ તમામ લખોટીઓં ને મેં મારા ટેબલ પરની કાચની બરણી માં ગોઠવી દીધી.દર રવિવાર હું પરિવાર, મિત્રો અને સ્ન્હીઓં સાથે આનંદભેર વિતાવતો.દર રવિવારે વિતાવેલ દિવસને વાગોળતા વાગોળતા રંગ બે રંગી વિતાવેલ દિવસની યાદમાં પૂરા જોમ જુસ્સા સાથે દૂર આકાશમાં બરણીમાંથી એક લખોટી નીકળીને ફેકી પરમાત્માનો આભાર માની ફરીથી આગામી અઠવાડિયાના કામ અને આયોજન અંગે વિચારતા વિચારતા પથારીમાં સૂઈ જાઉં છું. જેમ જેમ હું એ બરણીને ખાલી થતા જોઉં છું તેમ તેમ મને મારા મિત્રો,સ્નેહીઓં અને કુટુંબી જનો માટે વધારેને વધારે સમય ફાળવવાની ઈચ્છા થતી જાય છે.અગત્યના અને કરવા જેવા કામો માટે ની મેં યાદી પણ બનાવી લીધી છે અને હા આપણી જિંદગીના ઘટતા જતા દિવસોની સંખ્યા આપણને બાકીના દિવસોની સર્જનાત્મક અને જીવવા જેવા કેવી રીતે બનાવવા એ બાકીના રવિવાર આપો આપ સમજાવી શીખવી દે છે..!

રેડિયો પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ.પછી ફરીથી એ વૃદ્ધનો અવાજ આવ્યો, હા તો મનસુખ ! આજે મારી એ કાચની બરણીમાંથી મેં છેલ્લી લખોટી કાઢી ! મારા દોસ્ત ! આજે મને 75 વર્ષ પૂરા થયા. અત્યારે હું મારી વ્હાલી પત્ની,બાળકો અને મિત્રો ને શહેરના મોટા અને આધુનિક રેસ્તોરંતમાં નાસ્તો કરવા લઇ જવાનો છું. હવે મારી બરણી ખાલી છે. હવે પછીનો દરેક રવિવાર મને ભગવાન તરફથી મળેલ ભેટ હશે. હું ખરેખર ખુબ જ આનંદ થી જીવું છું. હું ઇચ્છુકે તું પણ તારા મિત્રો, પરિવાર જનો અને સ્નેહીઓં સાથે આનંદથી જીવી શકે.એના લીધે પંચોતેરમાં વર્ષે શું ગુમાવ્યું એનો અફસોસ ન રહે..! તું એવું કરી શકે એના માટે મારી શુભેચ્છાઓ ! હવે હું રાજા લઉં છું દોસ્ત ! ટેક કેર, બાય.!

રેડિયો પર વાર્તાલાપ પુરો થયો. એની અસર માનવ પર એવી હતી કે તે ઊંડા વિચારોમાં પડી ગયો.થોડી વાર પછી એ ઊભો થયો.બે ચાર ફોન કરી કઈક વાત કરી પછી ઉપરના મળે જઈ પોતાની પત્ની માનસી, દીકરા હર્ષ અને માતા પિતાને જગાડ્યા.બધાને નવાઈ લાગી અને સાથોસાથ આશ્ચર્ય પણ થયું !પાંચ વાગ્યાથી પોતાના કામ માં ગરકાવ થઇ જતા આ માનવ ને આટલા હળવા મૂડમાં જોતા સૌ આશ્ચર્ય થવા છતાં કાંઈજ બોલ્યા વિના તૈયાર થવા લાગ્યા.ઘરના બધા જ સભ્યો તૈયાર થઇ નીચે હોલમાં આવ્યા એટલે મનાવે બધાને કહ્યું કે આજે આપણે એક મોટી હોટલમાં બ્રેક ફાસ્ટ કરીશું અને પછી દિવસભર અમદાવાદ ફરીશું.આજનો દિવસ પીકનીક માટે સ્પેર...ખુશ...હર્ષ તો આ સાંભળતાજ વિચારમાં પડી ગયો કે આ મારા એજ પિતા છે કે ...? માતાપિતાને વર્ષો પછી પોતાનો દીકરો મળ્યો હોય તેવું લાગ્યું તો માનસી પણ સાસુ સસરા આજે સાથે છે તો કાલે એકલા પણ જવા મળશે તેમ વિચારી જલ્દી બહાર જવાની તૈયારી કરવા લાગી.ઘરની દરેક વ્યક્તિ આનંદના આઘાતમાં સરી ગઈ, પણ કોઈ એ કાંઈજ દલીલ ન કરી.કદાચ એમની જીંદગીમાં આવેલી આ પળોને દલીલોથી દુષિત કરવા નહોતા માગતા કે કોઈ એ હિંમત પણ ન કરી..

બધા હોંશે હોંશે ગાડીમાં ગોઠવાયા.દરેકનો ચહેરો આનંદની ચાડી ખાતો હતો.મનમાં કઇક જુદા જ પ્રકારની લાગણી-ખુશી હતી.પરિવારના બધાજ સભ્યો સાથે કેટલાક વર્ષો પછી આમ પહેલી વાર જ માનવ ઘર બહાર નીકળેલ.પરિવારના સૌ સભ્યોને જીવનમાં આ આનંદ વર્ષો પછી પ્રથમ વખત જ મળેલ.બજારમાંથી પસાર થતી વેળાએ એક સ્ટોર પાસે ગાડીને બ્રેંક વાગી. માનવ કઈક વિચારતો હોય તેમ ગંભીરતાથી ગાડી ઊભી રાખી. બધા ચુપ થઇ ગયા.સૌ વિચારવા લાગ્યાકે શું થયું હશે ? પ્રોગ્રામ કેન્સલ તો નહિ રહે ને ? માનસી થી ન રહેવાતા તેને પૂછી જ લીધું કે, "કેમ તમારો વિચાર બદલી ગયો કે શું ? અહિયા કેમ ઊભા રહી ગયા ?

માનવ થોડી વાર વ્હાલથી માનસી સામે જોઈ રહ્યો અને પછી સસ્મિત ચહેરે બોલ્યો,"નહિ વ્હાલી ! વિચાર નથી બદલ્યો ! આતો મારે થોડીક લખોટીઓ ખરીદવી છે ને !!”....


અતિ વ્યસ્તતા માં રહેનાર આપણે સૌએ આપણી જિંદગીના દિવસોને રંગ બે રંગી અને યાદગાર સંભારણું બનાવવા માટે શું આપણે "લખોટીઓં..." ખરીદવાની જરૂરત લાગતી નથી ?

There is sufficiency in the world for our need but not for ours greed…”


કદાચ આપણી ફિક્સ પગારી સિસ્ટમ આવા કેટલાય કામગરા સારા માનવને કોમર્શીયલ માનવ બનાવતી હશે....!!!

ઈન્ટરનેટ કોર્નરનાં એક હાજર લખોટીઓં ની વાર્તા ના મૂળ વિચાર પરથી આજના વિદ્યાસહાયક- ફિક્સ પગારી નોકરિયાતની સત્ય કથાને સાથે વણી આ વાર્તા લખી છે. આપને આ વાર્તા કેવી લાગી જરૂરથી જણાવશો...તો માનવની જિંદગીના બાકીના દિવસો આપની સાથે વાર્તા સ્વરૂપે વહેચી શકું. આ માનવ એટલે હોઈ શકે હું , તમે અને સમાજની પ્રત્યેક વ્યક્તિ- જે જુદા જુદા સંઘર્ષો સાથે મક્કમતાથી ક્ષણે ક્ષણે લડી રહ્યા છે.

2 comments:

Tarun Patel said...

આપની આ વાર્તા ખરેખર ઘણા બધા માનવની જીવનશૈલી ને સાચી દીશા બતાવશે.....


Plz............
Always Publish That Type of inovative ideas, which can help to change attitude............

Thanx.......

Rakesh Nvndsr said...

સારી છે. વધુ વખાણ હજુ સારી પોસ્ટ મળ્યા બાદ!