Monday, November 7, 2011

Teach in English, Speak in English...

અંગ્રેજી ભાષા શીખવતા પહેલા આટલું જાણીએ :

અંગ્રેજી ભાષા શીખવતા પહેલા ભાષા શિક્ષણના Ground Rule પાયાના નિયમો જાણી તે મુજબ શૈક્ષણીક કાર્ય કરવાથી જરૂરથી પરિણામ મળશે... અંગ્રેજી પાઠ્યપુસ્તક નીચે જણાવેલ પાયાના સિધ્ધાંત ધ્યાને રાખી તૈયાર કરવામાં આવ્યું છે.

  • Initially speak quite a lot.
  • Do not speak all time.
  • Focus on meaning
  • Do not correct the error immediately.
  • Do not correct all the error at same time.
  • Allow the students to talk in the class.
  • Do not translate everything.
  • Encourage effort to comprehend
  • Use contemporary reference.
  • Assigns self learning task.

અંગ્રેજી ભાષા શિક્ષણ માટે શિક્ષકની ભૂમિકા મહત્વપૂર્ણ છે. કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ભાષા સાથે કામ કરશું તો આપણા દ્વારા કરાયેલ શૈક્ષણીક કાર્ય વધુ અસરકારક બનશે.આવો અહી સમજીએ ભાષાશિક્ષણના પાયાના નિયમોને.

  1. શરૂઆતના તબક્કે વિદ્યાર્થીને પુષ્કળ શ્રવણનો મહાવરો આપો.

કોઈ પણ ભાષા શીખવા માટે શ્રવણ એ પાયાની શરત છે. ગુજરાતીઓનું અંગ્રેજી નબળું હોવાનું એક કારણ એ પણ છે કે ગુજરાતીને અંગ્રેજી સાંભળવાનો મોકો ઓછો મળે છે. જ્યાં સુંધી ભાષા સાંભળીશું નહિ ત્યાં સુંધી બોલી કેવી રીતે શકશે ? નાનું બાળક જ જુઓને .. બાળક જાણ્યા પછી લગભગ ૬-૭ મહિના તેની આજુબાજુના સભ્યો દ્વારા બોલાયેલ વાતો સંભાળે છે શક્ય છે ટે કઈ જ ન સમજતું હોય પરંતુ મહિનાઓ સુંધી સંભાળ્યા પછી ઓષ્ઠય શબ્દો “બ,બા” થી ઉચ્ચરણ શરુ કરશે. અંગ્રેજી ભાષા સાંભળવાનો મોકો તમારા વર્ગખંડ સિવાય ઓછો મળે છે તે વાતને ધ્યાનમાં રાખીએ. વિદ્યાર્થીને હું અંગ્રેજીમાં બોલું છુ તે નથી સમજાતું તેવું તમને લાગશે પણ તેનાથી તમે બોલવાનું બંધ ના કરશો. દરેક નવી ભાષા પ્રથમ વખતે કાને પડે ત્યારે આ સામાન્ય બાબત છે. આપ જેવું ઇનપુટ આપશો તેવું અને તેટલા પ્રમાણમાં જ વિદ્યાર્થી ભાષાને યોગ્ય રીતે રજુ કરી શકશે.

  1. વિદ્યાર્થીને બોલવાની તક આપો.

વર્ગખંડમાં ફક્ત તમે જ બોલતા હો તેવું ચિત્ર પણ યોગ્ય નથી. જ્યાં સુધી બાળક જાતે ભાષાનો ઉપયોગ કરતો નહિ થાય ત્યાં સુધી તેને ભાષા આવડશે નહિ. તો કેટલાક તબક્કે અટકીને તેને બોલવા પ્રોત્સાહિત કરો. હા ! તે અંગ્રેજી બોલવો જ જોઈએ તેવો આગ્રહ કરતા પહેલા તમે તેને કેટલું અંગ્રેજી સાંભળવાનો મોકો આપ્યો છે તે ચોક્કસ નજરમાં રાખજો. આપણે આપણા નાના બાળક જે બોલવા શીખે છે કે શીખ્યું જ નથી તે પ્રયત્ન કરે “બ” કહેવાનો ત્યારે આપણે કેટલા લાડથી તેને “બા” બોલ બેટા “બા’...”બા” કહી સતત મહાવરો કરાવીએ છીએ તો પછી વર્ગખંડમાં શા માટે નહિ ? શા માટે શીધા મૂળાક્ષરથી ભાષા શીખવવી ?

  1. વિદ્યાર્થીની ભૂલો તરત અને બધી ભૂલો એકસાથે જ સુધારવાની ટાળો.

ભાષા તેના મહાવરાથી આવડશે તે જરૂરી છે. મહાવરો કરવા માટે પ્રેરાય તે માટે તેનામાં આત્મવિશ્વાસ કેળવાય તે મહત્વનું છે. શરૂઆતમાં વિદ્યાર્થીની ભૂલો થાય તો તેને તરત સુધારવાનું ટાળો. તે માટે યોગ્ય સમયની રાહ જુઓ. તેની ભૂલો સુધારવાનો શ્રેષ્ઠ ઉપાય તમારા દ્વારા થતો ભાષાનો સાચો ઉપયોગ છે.

ધારોકે તમે વિદ્યાર્થીને પૂછો : Where is the pen ? તેનો જવાબ વિદ્યાર્થી Pen in the pocket is. એવો આપે તો તેને રોકવાને બદલે. તેનો ઉત્તર સ્વીકારી કહો કે Very good ! The pen is in the pocket. આમ કરવાથી વિદ્યાર્થી ધીમે ધીમે પોતાની ભાષા પ્રત્યે સભાન થતો જશે. પણ જો આપણે તેને અટકાવી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશું તો તે ભાષા મને આવડતી જ નથી એમ વિચારી તેનો ઉપયોગ કરવાનું ટાળશે.

આવું જ બધી ભૂલો સુધારવામાં પણ છે. બધી ભૂલો એકસાથે સુધારવાને બદલે એક વખતે જે અંત્યત જરૂરી હોય તેવી ભૂલ સાહજીક રીતે સુધારવાનું કામ કરો. આખરે આપણે પણ ભાષા ભૂલ કરીને જ શીખ્યા છીએ તે યાદ રાખીએ.

4. ભાષાના બંધારણ કરતા તેના અર્થ પર વધુ ધ્યાન આપો.

ભાષાનો ઉપયોગ એ આપણે માટે મહત્વપૂર્ણ હોય ત્યારે તેમાંથી નીકળતો અર્થ મહત્વનો બને છે. ભાષા શિક્ષણના શરૂઆતના તબ્બક્કામાં વિદ્યાર્થી દ્વારા બોલાયેલ વ્યાકરણ પર વીશેષ કાળજી ન રાખતા વિદ્યાર્થી કેવું બોલે છે કેવું સમજે છે તે જાણવું બહુ મહત્વનું છે.આપણા ઘરમાં નાનું બાળક જયારે બોલવા શીખતું હોય ત્યારે આપણે ક્યારેય તેને વ્યાકરની ભૂલો છે કહી બોલતા અટકાવી વ્યાકરણ નિયમો શીખવતા નથી પરંતુ તેને બોલવાનો મહાવરો કરાવીએ છીએ. જેમ કે, નવું નવું બોલવા શીખેલ દીકરી જો એમ કહે કે “હું અમદાવાદ ગયો હતો.” ત્યારે આપણે તેને ગુજરાતી વ્યાકરણશાસ્ત્રના ભારે ભરખમ નિયમો શાખાવવા બદલે કહીશું કે બેટા “હું અમદાવાદ ગઈ હતી” તેમ બોલ અને ધીમે ધીમે તે સાચું બોલતા શીખશે. બોલવું અને વ્યાકરણશાસ્ત્રના નિયમોનું પાલન કરી બોલવું એમાં ઘણો ફરક છે. અહી આપનો આગ્રહ બાળક બોલતા થાય ત્યારબાદ નિયમાનુસાર બોલે તે હોવો જરૂરી છે. આપણે વર્ગ ખંડમાં સીધા મૂળાક્ષર સિખવવા બદલે ભાષા બોલતા, મૂળાક્ષર ઓળખાતા અને ત્યારબાદ લખતા શીખવીએ તે જરૂરી.

એક ઉદાહરણ જોઈએ.

એક વ્યક્તિ સવારમાં મળે ત્યારે તમને “Hello ! Good Evening !” કહે છે તે ભાષાના બંધારણની રીતે યોગ્ય છે પણ સંદર્ભની દ્રષ્ટિએ ખોટું છે.

બીજી વ્યક્તિ કહે, “I am Detroj from” એવું કહે તો તે બંધારણની દ્રષ્ટિએ ખોટું છે પણ તે પોતાને પુછાયેલ “Where are you from?” પ્રશ્નનો અર્થપૂર્ણ જવાબ તો આપે છે. ભાષા શીખવાના પ્રથમ તબક્કામાં ફક્ત અર્થ પર વધુ ધ્યાન આપવાથી તે પછીના તબક્કે પોતે બંધારણ મુજબ ભાષા પ્રયોગ કરતો થઇ જશે.

  1. બધી બાબતોના અનુવાદથી બચો.

જયારે અંગ્રેજીની વાત હોય ત્યારે આપણી પહેલી ફરિયાદ હોય છે કે વિદ્યાર્થીઓ અંગ્રેજી સમજતા નથી માટે બધી બાબતોનો અનુવાદ કરવો જ પડે છે. મિત્રો, આમ કરવાથી વિદ્યાર્થી જે-તે વાર્તા અથવા અન્ય કોઈ બાબત તો સમજી જાય છે પણ ભાષા શીખતો નથી. જો કોઈ તમારી સામે ઉર્દુ ભાષામાં વાર્તા કહે અને તેના દરેક વાક્ય પછી તરત તેનો ગુજરાતીમાં અનુવાદ કરે તો વાર્તાના અંતે તમે વાર્તા જાણશો ઉર્દૂ ભાષા નહિ !

હા ! જરૂર જણાયે ગુજરાતીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકાય. મૂળ અંગ્રેજી શબ્દની આસપાસ માતૃભાષાનો ઉપયોગ કરી તેને Context આપવાનો પ્રયત્ન કરાય. જેમકે વિદ્યાર્થીને Mason શબ્દનો અર્થ ખબર નથી અને તમારી પાસે તેનું કોઈ ચિત્ર કે અન્ય કોઈ મૂર્ત સામગ્રી ઉપલબ્ધ નથી- તો Mason એટલે કડીયો એમ લખાવી દેવાથી કે ગોખવી દેવાથી આપણું કામ નહિ થાય. એન બદલે તેમને કહો “આપણું ઘર Mason બનાવે છે.” “આપણા ગામના રંગીતભાઈ Mason છે.” “તમને ખબર છે તમારું ઘર કયા Mason બનાવ્યું છે?” આમ, વિદ્યાર્થી ભાષાના સંદર્ભથી તેનો અર્થ તારવી લેશે અને તેનો વ્યવહારમાં પણ ઉપયોગ કરતો થશે. બીજા તબ્બકે તે જ શબ્દને અંગ્રેજીમાં “Rangitbhai is a mason.” એમ કહેશો ત્યારે તે સરળતાથી સમજી શકશે.

  1. આધુનિક વાંચન સામગ્રીનો ઉપયોગ કરો.

ભાષા એ એક વિષયની જેમ ભણાવવાની વસ્તુ નથી. તેના માટે અંગ્રેજીમાં ઉપલબ્ધ સામગ્રીનો વર્ગખંડમાં ઉપયોગ કરો. તે પુસ્તક સ્વરૂપે જ હોય તે જરૂરી નથી. અંગ્રેજી સમાચાર પત્રો, જુદી જુદી વસ્તુઓના રેપર, ઈલેક્ટ્રોનિક વસ્તુઓના ઉપયોગના મેન્યુઅલ, બિલ, ફોર્મ, મોબાઈલ મેસેજ, ઈમેઈલ વગેરે પણ આપણા ભાષા શિક્ષણનો હિસ્સો બનાવો જોઈએ. જેથી વિદ્યાર્થી શીખેલી ભાષાને પોતાના રોજબરોજના જીવનમાં ઉપયોગ કરી શકે.

  1. વિદ્યાર્થીને જૂથમાં,જોડીમાં અને જાતે શીખવાનો મોકો આપો.

આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી શીખવેલું જ શીખતો નથી તે પોતે પણ જ્ઞાનનું સસર્જન કરે છે. એવા તબક્કે ભાષાના વર્ગખંડમાં વિદ્યાર્થી-વિદ્યાર્થી, વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે વાર્તાલાપ થતો રહે. તે ઉપરાંત એવા કાર્યો પણ અપાય કે જેમાં તેને જૂથમાં કામ કરવું પડે. કેટલીકવાર તે પોતે પુસ્તકાલયનો ઉપયોગ કરી માહિત એકત્ર કરે. જોડીમાં સંવાદ કરે. આ પ્રકારના કાર્ય બાદ તેનો ભાષા પ્રત્યેનો ડર દૂર થશે. તે ભાષાના ઉપયોગ માટે તત્પર બનશે.

પ્રવીધિઓ

· વાર્તા

· સંવાદ

· વાંચન માટેના ફકરાઓ

· કાવ્યો-જોડકણા

· જૂથ કાર્ય

· મુલાકાત અને અહેવાલ

· પ્રોજેક્ટ

· ભાષાકીય રમતો[

· મૌખિક પ્રવુત્તિઓ

· લેખિત પ્રવુત્તિઓ

!f વાર્તા ov

વાર્તા કોઈ પણ નવી ભાષા શીખવવા માટે એક અગત્યનું અંગ છે.

વાર્તા સહજ રીતે વિદ્યાર્થીને આકર્ષિત કરે છે અને બાળક ભાષા સાથે જોડાય છે. અંગ્રેજી પથ્ય પુસ્તકમાં આપેલી વાર્તાઓ બાળકને સંભળાવવાથી બાળકને અંગ્રેજી ભાષા સાંભળવાની તક મળશે અને શબ્દ ભંડોળ અને અંગ્રેજી પ્રેત્યેની રુચિ વધશે.ભાષા શીખવાની શરૂઆત તેના શ્રવણ થી જ થાય છે એ ન ભૂલવું. ક્યારેય મુળાક્ષરની સીધી ઓળખ ન કરાવવી. આ બાબત હું મારા સ્વ અનુભવથી કહી શકું કારણ કે મેં બંગાળી શીખવાની શરૂઆત મુળાક્ષર થી કરી અને હું ભાષા ન શીખી શક્યો જયારે તમિલ ભાષા બોલતા શીખ્યો પછી વાંચતા અને લખતા શીખ્યો જે મને સરળ રહ્યું.

પાઠ્યપુસ્તકમાં વાર્તા બે રીતે છેP

!f વિદ્યાર્થી આવૃત્તિમાં

Zf શિક્ષક આવૃત્તિમાં

શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલી વાર્તાઓ વિદ્યાર્થીઓને વાંચવા નથી હોતી પરંતુ યોગ્ય ઉચ્ચાર સાથે વિદ્યાર્થીઓને સંભળાવવા હોય છે.

વાર્તા કહ્યા પહેલા શિક્ષક- વાર્તા કહેનારે વાર્તા આત્મસાત કરાવી ખુબ જરૂરી છે. જે વાર્તા કહેવાની છે ટે બે ત્રણ વાર વાંચી જવી. વાર્તા વાંચ્યા પછી જાતે નક્કી કરવું કે હું વાર્તા કહેવા સમયે કેવા પ્રકારની ભાષા, અવાજનો ઉતર ચઢાવ, હાવભાવ,જરૂર હોય તો અભિનય કરી શકીશ. ક્યારેક વાર્તા પુસ્તકમાંથી વાંચીને કહી શકાય...પરંતુ તેમાં પણ વિદ્યાર્થીઓને મજા પડે ટે તત્વ જરૂરી ખરું.

વાર્તા કહેતી વખતે દરેક વાક્ય અને શબ્દ નું ભાષાંતર ન જ કરવું. એવો ડર ન જ રાખવો કે વિદ્યાર્થીને વાર્તા નહિ સમજાય તો ? વાર્તા કહેતા એ બાબત નું ધ્યાન રાખવું કે વિદ્યાર્થીને રસ પડે, ભાષા સમૃદ્ધ થાય ટે માટે વાર્તા કહેવામાં આવી રહી છે. વાર્તા માંથી પડઘા પ્રશ્નો ન જ પૂછવા. અહી વાર્તાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાષા સંભળાવવાનો છે ગોખાવવાનો નહિ. જે ધ્યાન રાખવું.

આ જ પ્રક્રિયા વિદ્યાર્થી આવૃત્તિ માની વાર્તા માટે પણ કરવી પરંતુ અહી બે –ત્રણ વાર કહ્યા પછી વાર્તા વિદ્યાર્થી પાસે કહેવારાવવી.

વિદ્યાર્થીને વાર્તા સાંભળવામાં રસ પડે તેવી પૂર્વ ભૂમિકા બંધાવી.તેમને વાંચતી વખતે અઘરા શબ્દોને સમજવા શબ્દકોશ નો ઉપયોગ કરવ માર્ગદર્શન આપવું.

વિદ્યાર્થી આવૃત્તિમાં કેટલીક વાર્તાઓ અધૂરી છે જયારે કેટલીક વાર્તાના અંતે ચિંતનાત્મક પ્રશ્નો છે તેનો જવાબ તેના સાચા ઉત્તર માટે નથી કે સાચી વાર્તા લખાય ટે માટે નથી પરંતુ વિદ્યાર્થી વિચારતો થાય ટે માટે છે જે યાદ રાખવું. દરેક વિદ્યાર્થીનો જવાબ, વાર્તાનો અંત અલગ અલગ હોઈ શકે ( હોવો પણ જોઈએ).આ સમયે વિદ્યાર્થીને સમજવામાં કે વિચારતા કરવામાં મદદ કરવી.

2. સંવાદ:

ભાષા એ ઉપયોગ કરીને જ શીખવાની બાબત છે. જેમ કે તમારે તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું જ પડે. જો તમે કિનારે ઉભા રહીને વિચાર કરો કે “મને તરતા આવડી જાય પછી જ પાણીમાં ઉતરું !” તો એમ તમને ક્યારેય તરતા નહિ આવડે ! હા ! તરવા વિશેની વિવિધ માહિતી જ ભેગી કરી શકશો. તો શું તે તરતા આવડ્યું કહેવાય? ના ! આવું જ ભાષા વિશે છે. ભાષા આવડી જાય પછી જ તેનો ઉપયોગ કરીશ એમ વિચારવાથી તો ભાષા નહિ આવડે. તેના માટે તમારે ભાષાનો ઉપયોગ કરવો જ પડશે.

ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવો એટલે તે ભાષામાં પ્રત્યાયન કરવું. આમ, પુસ્તકમાં આપેલ સંવાદો વિદ્યાર્થીને ખરા અર્થમાં ભાષાનો ઉપયોગ કરતા શીખવે છે.

સંવાદ બે રીતે હોય છે.

· જે તે પરિસ્થિતિને અનુરૂપ સંવાદ આપેલ હોય તે વાંચી-સાંભળીને સંવાદ કરવો.

· આપેલ પરિસ્થિતિમાં કેવો સંવાદ થઇ શકે-તે વિચારી પોતાની રીતે સંવાદ કરવો.

વાંચીને સંવાદ કરાવતા પહેલા-તે સંવાદને તમે વિદ્યાર્થીને વાંચી સંભળાવો. ત્યારબાદ વિદ્યાર્થીના જૂથ બનાવી તેમને જે તે સંવાદ ને રજુ કરવા માટે તૈયારીનો સમય આપો. જયારે વિદ્યાર્થીઓ સંવાદ રજુ કરતા હોય ત્યારે તેઓ કોઈ ભૂલ કરે તો તેને અટકાવવાને બદલે તેને સંવાદ પુરો કરવા પ્રોત્સાહિત કરો. આપણું લક્ષ્ય તે સંવાદને પુરો કરવાનું નહિ પણ તેને ભાષાનો અર્થપૂર્ણ ઉપયોગ કરતા શીખવવાનો છે.

જયારે આપેલ પરિસ્થિતિને અનુરૂપ સંવાદ કરવાનું કામ સોપો ત્યારે વિદ્યાથી પર તમારા વિચારો થોપવાને બદલે- તે સંવાદ વિદ્યાર્થીનો બની રહે તે ધ્યાન રાખો. તેમાં તમે સંવાદો લખાવી દો તેવું તો ના જ બનવું જોઈએ. તો જ વિદ્યાર્થીમાં “હું અંગ્રેજી બોલી શકું છું તેવો આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે.”

૩. વાંચન માટેની સામગ્રી:

વાંચન એ ભાષા સજ્જતા કેળવવા માટેનું અગત્યનું અંગ છે. જેટલું વાંચન વધુ તેટલી તેની ભાષાકીય સજ્જતા અને વૈચારિક સમૃદ્ધિ વધશે. આમ, વાંચન એ ફક્ત એક યાંત્રિક રીતે થતી ક્રિયા નથી. વિદ્યાર્થી જે વાંચે તેનો અર્થ તારવે અને તે લખાણ-તેના સંકેતો શું કહેવા માગે છે. તે સમજે તે છે. આપણે વાંચનને ત્રણ રીતે જોઈ શકીએ.

· આપેલ લીપીના સંકેતોને ઓળખવા.

· તે શબ્દ-વાક્ય કે ફકરામાં રહેલા હાર્દને સમજવું. તેનું અર્થગ્રહણ કરવું. તથા તે દ્વારા પ્રાપ્ત કરેલ માહિતી-જ્ઞાનને વ્યવહારમાં પ્રયોજવું. તે દ્વારા ભાષાકીય સજ્જતા કેળવવી.

· વાંચન દ્વારા ભાષાનો સૌન્દર્ય બોધ માણવો.

પુસ્તકમાં વાંચન માટેની સામગ્રીરૂપે- કેટલાક ફકરા, વાર્તાઓ, સંવાદો, સૂચનાઓ, કાવ્યો, વાસ્તવિક ઘટનાઓ, વર્ણનો આપેલા છે.

વિધાર્થીઓને વાંચન કરાવતા પૂર્વે તમે તેનાથી પુરા અવગત થાવ તે ખુબ જરૂરી છે. વર્ગખંડમાં વિદ્યાર્થી સમક્ષ પ્રથમ આદર્શ વાંચન કરો. ત્યારબાદ વિદ્યાર્થીઓ તેને વાંચે તે માટે પ્રેરો. તે દરમ્યાન તેમને જે શબ્દો વાંચતા ના આવડતા હોય તેની નીચે લીટી દોરી રાખવાનું સુચન કરો. વિદ્યાર્થીનું વાંચન પૂરું થાય પછી તેમને અઘરા લાગેલ શબ્દોને સામુહિક રીતે સમજાવો. શબ્દો સમજાવવા માટે- તેને સંદર્ભ સહિત વાક્યમાં ઉપયોગ કરી બતાવો, તેને અનુરૂપ ચિત્ર કે વસ્તુ બતાવવું, તેને શબ્દકોષમાંથી શોધી બતાવવા જેવી રીતોનો ઉપયોગ કરવો.

આ પછી તેમને તે સામગ્રી ફરી વાંચી તેને આધારે અર્થગ્રહણની પ્રવૃત્તિ કરવાનું કામ સોપો.

4. કાવ્યો:

ભાષા શીખવાની મજા તેના લય ઓળખી તેનો રસાસ્વાદ કરવામાં છે. અને ભાષાનું આવું સ્વરૂપ એટલે કાવ્ય !

આપણા પુસ્તકમાં બે પ્રકારે કાવ્યોનો સમાવેશ કરેલ છે. ફક્ત ગાવા માટે અને કાવ્યનું પઠન કરી તેનો આસ્વાદ માણવા માટે.

તમે કાવ્યને વિદ્યાર્થીઓને ગાઈ સંભળાવો. જો ઉપલબ્ધ હોય તો તેનું સી.ડી. દ્વારા પણ શ્રવણ કરાવી શકાય. ત્યારબાદ તમે તેનું ઝીલ ગાન કરાવો. હવે તમારી મદદ વગર તે કાવ્યનું સમુહગાન અને વ્યક્તિગત ગાન કરાવો..

કાવ્ય પઠન કરાવ્યા બાદ તેની દરેક પંક્તિ સમજાવવાને બદલે વિદ્યાર્થીઓ તે કાવ્યમાંથી શું અર્થ તારવે છે તે મહત્વનું છે. તેમને જૂથ કાર્ય સોપી તે કાવ્યનો અર્થ તારવવા પ્રેરો.

5. જૂથ કાર્ય :

ભાષાનો સાહજીક રીતે ઉપયોગ થાય અને આ માટે આત્મવિશ્વાસ કેળવાય તે માટે જૂથ ચર્ચા ખુબ જ જરૂરી છે.

જૂથ કાર્ય માટે ચિંતનાત્મક પ્રશ્નો, અધૂરી વાર્તા પૂર્ણ કરવી, ‘જો’ અને ‘તો’ પ્રકારની ઘટનાઓ વગેરે આપેલ છે.

જેમાં તમારો રોલ એક સુવીધાકર્તા તરીકેનો જ રહે છે. વિદ્યાર્થીઓ જૂથ કાર્ય કરતા હોય તે દરમ્યાન દરેક જૂથમાં ફરી ક્યાં વિદ્યાર્થીઓ ચર્ચામાં સક્રિય નથી તેની નોધ રાખો. તે વિદ્યાર્થીઓને વધુ સક્રિય બનાવવા માટેના પ્રયત્નો પણ કરવા. જૂથ રચના વખતે જેન્ડર બાયસ અને અન્ય કોઈ બાયસ ના રાખવો. દરેક વખતે જુદા જુદા વિદ્યાર્થીઓના જૂથ બને તેવી પણ કાળજી રાખવી.

જૂથ કાર્ય પછી વર્ગમાં તેની રજૂઆત થાય તે અંત્યત જરૂરી છે. તમામને તમારા અભિનંદનની પણ જરૂર પડશે. તમારું અભિનંદન તેમને હવે પછીના જૂથ કાર્યને વધુ સારી રીતે કરવાનું પ્રેરક બળ પૂરું પાડશે.

6. પ્રોજેક્ટ :

જ્ઞાનને જીવન સાથે જોડવા માટે પ્રોજેક્ટ મહત્વનું અંગ છે. તેમાં વિદ્યાર્થી પોતાની જાતે શોધ ખોળ કરે, સ્થળ મુલાકાત લે, જુદા જુદા વ્યક્તિઓને મળે, પુસ્તકાલય અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે તે અભિપ્રેત છે.

પ્રોજેક્ટ સોપતા પહેલા તેને અનુરૂપ પૂર્વ તૈયારી અને તેના હેતુઓનું સ્પષ્ટીકરણ તમારા પક્ષે ખુબ જ અગત્યનું છે. વિદ્યાર્થીએ શું કરવાનું છે અને કેમ કરવાનું છે તે બંને બાબતો તેમને સમજાવવી તે તમારું કાર્ય છે.

ત્યારબાદ વિદ્યાર્થીઓને જાતે જ પોતાના પ્રોજેક્ટ માટે કોણ શું કરશે તેની વહેચણી કરશે.– જેમ કે માહિતી કોણ એકત્ર કરશે? પ્રશ્નોત્તરી કોણ કરશે? મુલાકાત વખતે કોણ નોધ રાખશે? તેનું અહેવાલ કોણ તૈયાર કરશે?

પૂર્ણ કરેલ પ્રોજેક્ટનો અહેવાલ શાળા અને શક્ય હોય તો સમાજ સુધી પણ પહોચાડો.

7. ભાષા રમતો :

રમવાનું કોને ના ગમે? રમત વખતે વપરાતી ભાષા નૈસર્ગિક હોય છે.

જો તેનો ઉપયોગ ભાષા શિક્ષણમાં કરવો હોય તો ? તેના માટે જ પુસ્તકમાં આવી રમતો આપેલ છે. જેમાં વિદ્યાર્થી ભાષાના કૌશલ્યોને અનાયાસે-અનૌપચારિક રીતે શીખે છે.

આવી રમત કરાવતી વખતે રમવાની મજાની સાથે ભાષાના ઉદ્દેશ્યો પાર પડે તે જોવાની જવાબદારી આપણી છે. વિદ્યાર્થીઓની રમતમાં ખલેલ ના પડે તે માટે – તે અંગેની સૂચનાઓ રમત પહેલા જ સ્પષ્ટ કરાવવી. જરૂર જણાય તો એક વખત ‘ડેમો’ કરાવી શકાય.

8. મૌખિક પ્રવૃતિઓ :

ભાષાના પાયાના બે કૌશલ્યો – શ્રવણ અને કથનને ખીલવવા માટે આ પ્રકારની પ્રવૃતિઓ મહત્વની બને છે.

ચિત્ર વર્ણન, ચિત્ર આધારિત પ્રશ્નોત્તરી, સામગ્રીના ઉપયોગથી ચર્ચા, સંવાદો, કોયડા ઉકેલ, રોલ પ્લે વગેરેનો સમાવેશ કરેલ છે.

તે કરાવતી વખતે વિદ્યાર્થીઓની Accuracy નહિ પણ Fluency પર ભાર મુકવો. એટલે કે તે પોતાની વાત અસ્ખલિત પણે કહેતી થાય તે જરૂરી છે-નહિ તે વ્યાકરણની રીતે સાચું બોલે તે !

9. લેખિત પ્રવૃતિઓ:

ભાષાની અભિવ્યક્તિ બે પ્રકારે થાય છે. – મૌખિક અને લેખિત.

લેખિત કાર્ય એ ભાષાનું અંતિમ કૌશલ્ય છે. સારા લેખન કૌશલ્ય માટે સારું શ્રવણ અને વાંચન પણ જરૂરી બને. વળી, લેખન કૌશલ્યનો અર્થ સારા હસ્તાક્ષર જ નહિ. પોતાના વિચારને લેખિત સ્વરૂપ આપવું એમ પણ. ભાષામાં મૌલિક સર્જન કરવું.

પ્રશ્નોના જવાબ, સંવાદ અને વાર્તા પૂર્ણ કરવા, ચિત્ર,સ્થળ,વ્યક્તિનું વર્ણન, ફકરાનું લેખન, પત્ર લેખન કરવું જેવી લેખિત પ્રવૃતિઓ છે.

આ પ્રવૃત્તિઓ કરાવતી વખતે વિધાર્થીને પોતાની જાતે તે કરવાની સ્વતંત્રતા આપો. જરૂર જણાયે તેમને શબ્દો અને વાક્ય રચના સંદર્ભે મદદ કરવી. તેમાં પૂર્વશરત વિદ્યાર્થીની જરૂરિયાત છે.

No comments: