Tuesday, December 3, 2019

ભ્રષ્ટાચારી = આતંકવાદી...


ગયા અઠવાડિયેVTV ન્યૂઝ ચેનલ પર ઇસુદાનભાઇ ગઢવી દ્વારા સંચાલિત મહામંથન કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર પર ચર્ચા સાભળી. હું દશમાં ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે (૧૯૯૦) નિબંધ પૂછાયો હતો,. 'ભ્રષ્ટાચાર નાથવાના ઉપાય'...વર્ષો થી ભારતમાં ભ્રષ્ટાચાર પર ચર્ચાઓ ચાલે છે, આંદોલન થયા, સરકાર બદલાઇ પરંતુ ભ્રષ્ટાચાર વધતો જાય છે. કહેવાય છે કે ઘણાં ભારતીય ના નાણાં સ્વિસ બેંકમાં જમા છે. દરેક સરકાર આ રકમ પરત લાવવા ચૂંટણી સમયે વચનો આપે છે પરંતુ એ વચનો પોકળ સાબિત થાય છે. નોટબંધી સમયે કાળું નાણું સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહી ની વાતો કરવામાં આવેલ પરંતુ હજારો કરોડના ગોટાળા વાળા નો વાળ પણ વાંકો ના થયો અને કાળાના ધોળા થઈ ગયા.
અત્યારે સોશીયલ મીડીયા માં પાકિસ્તાન ને દુશ્મન દેશ, ભારત સામે આતંકવાદી કૃત્યો માં મદદગાર દેશ બતાવી દદરોજ અનેક દેશભક્ત લોકો  ગાળો દેતા હશે પરંતુ એ લોકો ભારતમાં રહી ભ્રષ્ટાચાર કરનાર કે કરાવનાર વિશે કાંઇ જ કહેશે નહી. આપણી દેશભક્તિ માત્ર પાકિસ્તાન થી શરૂ થઈ પાકિસ્તાન સુધી જ રહે છે.
ખરેખરતો કોઇ પણ સરકારી કર્મચારી કે નેતા કોઇ કામ કરવા બદલ ચા પિવે તો એ પણ એ વ્યક્તિ ભ્રષ્ટાચારી કહેવાય. ઘણાં લોકો કામ બદલ ભેટ સોગાદો લઇ ભ્રષ્ટાચાર ના મૂળ ને મજબુત કરવા આહુતિ આપે છે. કેટલાક તો અમુક ખાતામાં નોકરી જ ભ્રષ્ટાચાર માટે જોડાય છે. એક દિવસ હું મહેસાણા થી કડી બસમાં જતો હતો ત્યારે કોઇને મેં વાત કરતાં સાંભળેલા કે બસ એક વાર (____) નોકરીમાં લાગી જાઉ પછી જોજેને ફોર્ચ્યુનર સિવાય ફરું નહીં. મેં પણ વિચાર્યું કે એ ભાઇ કહે છે એ નોકરીમાં તો માંડ બાઇક ફેરવી શકાય અને આ ભાઇ ફોર્ચ્યુનર ની વાત કરે છે. કમાલ છે સરકારી નોકરીનો. હું સ્પષ્ટ પણે માનું છું કે ભ્રષ્ટાચાર પેટે એક પૈસો લેવો એ ભારત માટે આતંકવાદી કૃત્ય જ છે. આવા ભ્રષ્ટાચારીઓએ કે ભ્રષ્ટાચાર ને પોષણ આપતાં લોકો ભારત માટે પાકિસ્તાન કે આતંકવાદી કરતાં પણ વધુ ખતરનાક છે. આવા લોકોએ આતંકવાદી વિશે એક શબ્દ પણ બોલવાનો અધિકાર નથી કારણ તેઓ પણ આતંકવાદી જ છે. કેટલાક અધિકારીઓ, નેતાઓ સિધા પોતે ભ્રષ્ટાચાર કરવા બદલે  વચ્ચે દલાલ રાખે જેથી પોતાને રિસ્ક ઓછું રહે. આવા લોકો પોતાને લાયઝન તરીકે ઓળખાવે અને પોતાની ટકાવારી રાખે. છેલ્લા વિશેેેેે વર્કષથી લાયઝનિગ એક નવો અલગ પ્રકારનો વ્યવસાય શરૂ થયો છે. ભ્રષ્ટાચારી કે એના દલાલ કોઇએ ઇન્કમ ટેક્ષ ભરવાનો થતો નથી.દલાલો પણ એમના સાહેબ ની જેમ દેશ માટે આતંકવાદી જ છે. જે લોકો શાંતીથી મહેનતનો રોટલો ખાઈ જીવવા માંગે છે અને જેમની પાસે તક છે તેઓ કાયમી ભારત છોડી વિદેશ જતા રહે છે. 

પચાસ સાઇઠ હજારની નોકરી કરનાર લક્ઝુરીયસ કારમાં ફરતાં હોય, આલીશાન મકાન માં રહેતાં હોય, બે-ચાર પોતાના આલીશાન મકાનો ભાડેથી આપ્યા હોય અને પત્નીને લાખો રૂપિયા ના દાગીના  દર મહિને ભેટમાં આપતાં હોય આવા લોકો કે કોઇ પણ પ્રકારની નોકરી કે વ્યવસાય ના હોવા છતાં માત્ર ભ્રષ્ટાચારીઓનું લાયઝનીગ કરી વીવીઆઇપી જીવન જીવનાર લોકો  સમાજમાં જોવા મળશે. પણ  આવા લોકો ને નાથવા કોઇ રસ્તો જ નહીં...? ?
મારું શું?? પગાર બાજું પર બચત તરીકે રહે એટલે સાઇડની આવકતો જોઇએ જ...ગાડી-ઘરના  હપ્તા ભરાય, પેટ્રોલ ડીઝલનો ખર્ચ નિકળી રહે એટલું જ કરવું એવું વિચારનારા ૯૯ની રમત રમે છે જે ક્યારેય ૧૦૦ એ પુરી થતી નથી.

ભ્રષ્ટાચારીઓએ વાલીયા લૂંટારા ની કથા યાદ હોવી જોઇએ. જ્યારે સાધુ એમને પૂછે છે કે તૂં લુંટ કોના માટે કરે છે તો વાલિયો કહે 'પરીવાર માટે'... આ લૂંટ ના પાપમાં પરીવાર સહભાગી ? પરીવાર ને પુછતાં પરીવાર ના કહેછે અને વાલિયો મહર્ષિ વાલ્મીકિ બંને છે. આ ભ્રષ્ટાચાર કરનારા ના પાપમાં એમનો પરીવાર સહભાગી નથી જ હોતો. ભ્રષ્ટાચારથી થતી સજા અહીં કે પરમાત્મા ના દરબારમાં જાતે જ ભોગવવાની છે. ભ્રષ્ટાચારથી મળેલ રકમનો આનંદ પરીવાર લેશે પરંતુ સજા તો ભ્રષ્ટાચારી એ જ ભોગવવી પડશે. આથી જ વિચારી ભ્રષ્ટાચાર બંધ કરી મહેનતના રોટલાને આનંદ થી આરોગો.
ભ્રષ્ટાચાર કરતાં પકડાય એના માટે દેશ સમક્ષ યુદ્ધ કે આતંકવાદી કૃત્ય જેવી સજા રાખવી જોઇએ. આવા ભ્રષ્ટાચારીઓને ઓળખવા સહેલા છે. મહિને પચાસ હજાર નો પગાર હોય અને વર્ષમાં એક કરોડનું મકાન  ખરીદે એટલે સમજવું એ આતંકવાદી જ છે. ભ્રષ્ટાચારીને આતંકવાદી જ કહેવાય.
- ભ્રષ્ટાચાર કરતાં પકડાય એટલે નોકરીમાં થી કાયમી ડીસમીસ.
- દર વર્ષે સોનું-મકાન-જમીન વેચાણ/ખરીદ કરનાર ની વિગતો મેળવી ક્રોસ ચેકીંગ કરવું. કોઇ બિલ્ડર જો થર્ડ પાર્ટીના નામે મદદ કરતા પકડાય તો એને પણ આજીવન જેલ ની સજા ની જોગવાઇ કરવી.
- ભ્રષ્ટાચાર માટે મદદગાર ને પણ ભ્રષ્ટાચારી જેટલોજ દોષિત માની સજા કરવી.
- ભ્રષ્ટાચાર માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવી જોઇએ. ત્રણ મહિનામાં ચૂકાદો આવતા કેસ લૂલો ના કરી શકે.
-. દરેક સરકારી કચેરીઓ અંદર અને આસપાસ CCTV થી સજ્જ હોવી જોઇએ. શક્ય હોયતો લોકો કામગીરી જોઇ શકે એવી વ્યવસ્થા પણ થાય.

દુઃખ સાથે કહેવું પડે છે કે જાહેરમાં પ્રજાએ ચૂટેલા નેતાઓ હોર્સ ટ્રેડિંગ દ્વારા એમના અંતરાત્મા ના અવાજને કારણે દેશહિતમાં જાહેરમાં વેચાય છે.
સરહદ પારથી આવતા આતંકવાદીઓ, બળાત્કારીઓ ને ફાંસી ની સજાની માગણી પ્રજા કરે છે. પોલીસના એન્કાઉન્ટર સમયે પ્રજા કાંઇ જ જાણ્યા વિના માત્ર સાંભળી ને પોલીસનું સન્માન કરવા લાગે છે. આતંકવાદી કે બળાત્કારીઓ જેટલા જ ખતરનાક ભ્રષ્ટાચારીઓ અને એમના વહીવટદાર (લાયઝન) છે...જો ભ્રષ્ટાચારી ને પણ દેશ ના દુશ્મન માની ફાંસીની સજા માંગવામાં આવે તો ? કોઇ ભ્રષ્ટાચાર નું વિચારશે પણ નહીં. ભ્રષ્ટાચાર બંધ થશે એટલે આપોઆપ દેશ પ્રગતિ કરશે અને શાંતિ સ્થપાશે. 

હું લગભગ બે વર્ષથી કેનેડા માં રહું છું. અહીં બે વર્ષ માં મેં એક પણ જગ્યા એ ભ્રષ્ટાચાર જોયું કે સાંભળ્યું નથી. અહીં દરેક અધિકારી પોતાનું કામ સાચી રીતે, મદદરૂપ બની, સરળતાથી કરે છે. કદાચ આથી જ શાંતિ થી જીવવા માગતા ભારતીય યુવાનો ની અત્યારે પહેલી પસંદ કેનેડા  આવવાની છે. વંદે માતરમ્ કે જય હિન્દ ના નારા બોલી પોતાને દેશભક્ત બતાવનાર કરતા અહીં બોલ્યા વિના કેનેડા ના લોકો સાચી રીતે દેશભક્તિ કરે છે. મને આનંદ છે કે હું પરીવાર સાથે કેનેડામાં રહું છું. મારા સંતાનો ભ્રષ્ટાચાર થી દુર રહી શાંતિ થી જીવશે. આપણે વસુદેવ કુટુંબકમ્ ની વાતો કરીએ જ્યારે અહીં મેં વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના સાથે લોકોને જીવતા જોયા છે. શું ભારત ભ્રષ્ટાચાર મૂક્ત નહીં બને ???? જો વ્યક્તિએ કામ કરાવવા કે નોકરી મેળવવા અઢળક રૂપિયા આપવા પડતાં રહેશે તો એક દિવસ બુધ્ધિશાળી યુવાનો કંટાળી વિદેશ શિફ્ટ થઈ જશે અને આપણે શાંતિ માટે કંટાળી દેશ છોડનારને ખરાબ કહેતા રહીશું. હજુ સમય છે, ભ્રષ્ટાચારી એ દેશનો સૌથો મોટો સૌથી ઘાતકી શત્રુ છે એ સમજીએ. આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ....સજા અપાવીએ...દેશને દુશ્મન (ભ્રષ્ટાચારી) થી બચાવીએ....

બે દિવસ‌ પહેલાં અજય દેવગણ અભિનિત ફિલ્મ રેઇડ જોઇ. એમાં કહ્યું છે કે સરકારી અધિકારી અને રાજકારણી માટે ભેટસોગાદ પણ લાંચ જ ગણાય. દેશની ગરીબાઈ, બેકારી કે અશાંતિ નું મૂળ કારણ ભ્રષ્ટાચાર છે.ભૂલથી પણ કોઇનું કામ કરી એના બદલામાં ચા પણ ના પીતા કે વેફર્સ સુધ્ધાં ના ખાતાં.... ભ્રષ્ટાચારથી ખાધેલા અન્નનો ઓડકાર આજે સારો લાગશે પરંતુ એક દિવસ પરીવાર ને બરબાદ કરશે....કુદરતનો આ નિયમ ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચાર કરનારને મદદ કરનાર લાયઝન સહિત સૌને લાગુ પડે છે. યાદ રાખીએ ભ્રષ્ટાચારી દરેક વ્યક્તિ ભારતના સૌથી મોટા દુશ્મન છે. 

કેટલાક અધિકારીઓ ઇચ્છિત જગ્યાએ નોકરી લેવા લાખો રૂપિયા આપે એ જંગ જાહેર છે. ઇચ્છિત જગ્યા પર જવા માટે રુપિયા નક્કી કરે એને ટેન્ડર ભર્યું કહે! આ રૂપિયા નેતાઓના ખિસ્સામાં જતાં હશે કે ... ??? સાંભળ્યું છે, સુરત નું ટેન્ડર સૌથી મોટું હોય છે. એનો અર્થ સુરત ગુજરાતનું સૌથી વધુ ભ્રષ્ટ શહેર હશે ???? 

ભ્રષ્ટાચારની લત દારુ કરતાં પણ ખરાબ છે. દારુડીયાને  દારૂની લતે છોડાવવા કેન્ર્દો છે પરંતુ ભ્રષ્ટાચારી માટે ?  અપૂરતી સજાની જોગવાઈ આને લાયકાત વગરની અપેક્ષાઓ દેશને દેવાદાર બનાવી રહ્યો છે. નવ્વાણું ની રમત રમતા ભ્રષ્ટાચારી માટે કોઈકે તો રણશિંગું ફૂંકવુ પડશે.

મોદીજી અને સરકાર દેશના વિકાસ માટે રાત દિવસ મહેનત કરે અને ભ્રષ્ટાચારીઓ અને એમના મદદગાર (લાયઝન) વિકાસ માટે અવરોધ ઉભા કરે. આવા ભ્રષ્ટાચારીઓ માટે પરંતુ આતંકવાદીઓ માટે જે સજાની જોગવાઈ છે એટલી સજા કરવી જરૂરી. ભ્રષ્ટાચારી વ્યક્તિ દેશ માટે પોતે દેશ વિરૂદ્ધ સફેદ કોલર રાખી યુધ્ધ કરી રહ્યા છે એમ માનવું. આવા આતંકવાદીઓના કોઇ ગૃપ નથી હોતાં પરંતુ એકલા દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિ કરતાં હોય છે. દેશને સરહદ પેલે પારથી આવતા આતંકવાદી કરતાં એસી ઓફીસમાં બેસી ખોટા માર્ગે ભ્રષ્ટાચાર કરી દેશના વિકાસ ને અવરોધતા ભ્રષ્ટાચારી રુપી આતંકવાદીઓથી વધુ ખતરો છે.

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચાર વિશે અનેક પોસ્ટ આવે છે. હૂં જ્યારે દશમાં ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે પણ પરીક્ષામાં નિબંધ લખવાનો આવતો, 'ભ્રષ્ટાચાર મુક્ત ભારત-એક સ્વપ્ન'. ભ્રષ્ટાચાર વિશે મેં પણ મારા બ્લોગ પર ઘણા વર્ષો પહેલાં લખેલું છે. 

આપણે સૌ જાણીએ છીએ ખેતરમાં કામ કરતા ખેડૂતો, સફાઈ કામ કરતાં સફાઈ કર્મચારીઓ અને મજૂરી કરતા મજુરો જે ટેક્સ ભરે એમાંથી  કર્મચારીઓ- અધિકારીઓના પગાર ચૂકવાય છે. એવું પણ બને કે કેટલાક અધિકારીઓ તો ખૂબ ગરીબાઈ માંથી આગળ આવ્યા હોય છે અને એ જ લોકો જ્યારે ભ્રષ્ટાચાર કરવામાં માઝા મૂકે ત્યારે સમજાતું નથી કે એમનો ખુદનો આત્મા કઈ રીતે માફ કરશતો હશે ?

 આપણે સૌ વાલિયા લૂંટારા વિશે જાણીએ છીએ. વાલિયા લૂંટારા ને જ્યારે સંત મળ્યા અને સંતે પુછ્યું તું જે આ પાપ કર્મ કરે છે એમાં તારો પરિવાર સહભાગી ખરો ? પરિવારના સભ્યોને વાલીયાએ પૂછતા કહ્યું તેઓ વાલીયાના કોઈ પાપ કર્મ સહભાગી નથી.... અને વાલીયો લૂંટારા માંથી મહાન રુષી બની ગયા.

 જો ખરેખર આખી જીંદગી ખોટા રસ્તે ભેગી કરેલી ધન, સંપત્તિ‌ સાથે લઈ જવાનું હોય તો ઠીક પરંતુ ભ્રષ્ટાચારથી ભેગી કરી અને મૃત્યુ સમયે બધું જ મૂકી જવાનું હોય તો આવા લોકોએ દેશમાં રહી, દેશનું ખાઇ શા માટે દેશ માટે આતંકવાદી બન્યા છે ? ભ્રષ્ટાચારી સ્વિકારે કે ના સ્વીકારે પરંતુ દરેક ભ્રષ્ટાચારી ભારત માટે આતંકવાદી સમાન કહી શકાય...! ખરેખર જો ભારતને સાચા અર્થમાં વિકાસશીલ બનાવવો હશે તો સત્તા પર બેઠેલા અધિકારીઓએ ભ્રષ્ટાચાર મુક્ત થવું જ પડશે અને સમાજે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને જાહેરમાં ખુલ્લા પાડી આતંકવાદી જેવો વ્યવહાર એમની સાથે પણ કરવો પડશે. આપણે પણ કેવા દેશ ભક્ત ? વેફર નું પેકેટ ચોરી કરતા બાળકને દુકાન બહાર નિકાળી જાહેરમાં માર મારી મર્દાનગી બતાવીએ આને ભ્રષ્ટાચારી લુખ્ખાઓ ને સાહેબ.આહેબ કહી માથે ચઢાવીએ. સરકારે ભ્રષ્ટાચારીઓ માટે કડક માં કડક એટલે કે આજીવન જેલ અથવા તો મૃત્યુદંડ જેવી સજા ની જોગવાઈ કરવી પડે, કારણકે ભ્રષ્ટાચારી પણ દેશમાં છુપાયેલા આતંકવાદી જ છે જો સજાનો ડર નહીં હોય તો આ લોકો કાંઈપણ કરશે. દિવસે દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સમજું વ્યક્તિ પોતાના સંતાનોના ભવિષ્યની ચિતા કરનાર વ્યક્તિ તક મળતાં જ વિદેશ રહેવા જતા રહે છે. કેનેડા, અમેરીકા કે બીજા દેશો એટલા માટે આગળ છે કારણ અહીં ભ્રષ્ટાચાર નથી, સૌ સમાન, કોઇ સાહેબ નહીં બધાં જ કર્મચારી, દરેક ને સરખો ન્યાય- સરખી તક.

પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ કે સરકારના કેટલાક મંત્રીઓ રાતદિવસ કામ કરવાથી દેશનો વિકાસ શક્ય નથી, પરંતુ દેશના વિકાસ માટે સમાજના દરેક વર્ગના લોકોએ પોતાનું યોગદાન આપવું પડે. અધધધ કહી શકાય એટલો પગાર લેતા અધિકારીઓ કોઈની 'ચા' પીવાની પણ અપેક્ષા કેવી રીતે રાખી શકે અને જો રાખે છે તો કુદરત એમને ક્યારેય માફ નહીં કરે. જે દિવસે એમના સંતાન ને ખબર પડશે કે એમના માતા કે પિતા દ્વારા ભ્રષ્ટાચારથી આ સંપત્તિ ભેગી થઇ છે એ દિવસે સંતાનની નજરમાં આવા બ્રષ્ટાચારી કેટલાં હલકાં લાગશે ?

રોજ સવારે પરમાત્માના નામની માળા કરવા બદલે પરમાત્મા ને પથારીમાં થી ઉભા થઇ એ ત્યારે વચન આપવું કે હું ભ્રષ્ટાચાર કરીશ નહીં કે ભ્રષ્ટાચારી ને મદદરૂપ નહીં થાઉં. જો ભ્રષ્ટાચાર કરું કે મદદરૂપ થાઉ તો ભગવાન મને આજે જ સજા મળે. ભ્રષ્ટાચારીએ એ ન ભૂલવું જોઈએ કે મૃત્યુ નિશ્ચિત છે અને સાથે કાંઇ જ લઇને જવાનું નથી. મૃત્યુ અતિ કષ્ટ દાયક બનાવવું હોય તો ભ્રષ્ટાચાર નું પાપ કરો...દેશના દુશ્મન બનો...

આવો સૌ સાથે મળી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરીએ અને ભારતના વિકાસમાં માટેનું પ્રધાનમંત્રીશ્રીએ જોયેલું સ્વપ્ન સાકાર કરવા સહભાગી બનીએ...

કેટલાક અધિકારીઓ કોઈનું મફતનું પાણી પણ પીતા નથી. આવા અધિકારીઓને દિલથી વંદન. 




No comments: