Monday, December 16, 2019

કૈકેયીના કુંવર - જશોદાના જાયા


કહેવાય છે કે કૈકેયી રાજા દશરથ ના મહારાણી જ નહીં પરંતુ મિત્ર અને માર્ગદર્શક પણ હતાં. રાજા દશરથ કોઇ નિર્ણય લેવામાં દ્વિધા અનુભવે ત્યારે કૈકેયી નું માર્ગદર્શન લેતાં. એમ પણ કહેવાય છે કે યુધ્ધ સમયે કૈકેયી રાજા દશરથ સાથે  યોધ્ધા તરીકે યુધ્ધ લડવા પણ જતાં. પરીવાર ને સાથે રાખી સૌને સરખો પ્રેમ આપવામાં કૈકેયી મોખરે હતા. રધુકૂળ માં કૈકેયી નું સ્થાન ખુબ મહત્વનું અને પુજનીય હતું....

જો કૈકેયી મંથરાની દૃષ્ટિએ ભગવાન રામને ન જોયા હોત અને ભરત જન્મ પહેલાં રામને અપાયેલ કુંતા જેવો માતૃપ્રેમ જીવન ભર  આપ્યો હોત તો....તો કદાચ રામ બ્રહ્માંડમાં સાત હજાર વર્ષ થી ભગવાન તરીકે ના પુજાત....અને કૈકેયીને લોકો આજે પણ સાવકી મા તરીકે ઉદાહરણ આપી ધુત્કારતા ના હોત....

કૃષ્ણ પણ માતા જશોદા માટે સાવકા‌ જ હતાં. પરંતુ માતૃ વાત્સલ્ય ની મૂર્તિ બની ગયા અને હજારો વર્ષ પછી આજે પણ લોકો જશોદા એ કૃષ્ણ ને આપેલ માતૃપ્રેમ ને યાદ કરે છે, પૂજે છે. આજે પણ લોકો કૃર સાવકી માતા તરીકે કૈકેયી ને યાદ કરે તો અપાર પ્રેમ આપનાર માતૃવાત્સલ્ય તરીકે જશોદાને યાદ કરે. કૈકેયી ને જશોદા બનતાં હજારો વર્ષ પાપ કર્મના કારણે વેદનાઓ ભોગવવી પડી.


કુદરતની પણ ગતી ન્યારી છે. રામ અવતારમાં કૈકેયી એ રામ લક્ષ્મણ ને પોતાના પુત્ર ભરતના મોહને કારણે ૧૪ વર્ષનો વનવાસ આપેલ. આપણને એમ કે ચૌદ વર્ષ શામાટે ? એ સમયમાં એવો નિયમ હતો કે કોઇ રાજા ચૌદ વર્ષથી વધારે રાજ્ય બહાર રહે તો એમનો રાજા તરીકે હક પુરો થાય. કૈકેયી ને મંથરા નું પૂરું માર્ગદર્શન. આજે પણ આવી મંથરા માં કે માર્ગદર્શક તરીકે સમાજ માં જોવા મળે છે. જો કે મંથરા પ્રકૃતિ ધરાવનાર લોકો પાછલા જીવનમાં ખુબ રિબાય છે. સાથે સાથે એમની સાથે રહેનાર લોકો પણ એમના પાપ માં સહભાગી બની આંખ આડા કાન કરી કાંઇ જ કહ્યા વિના જોતાં હોઇ તેઓ પણ પાપ કર્મોના એટલા સહભાગી બને છે. મંથરાએ કૈકેયી ને એના પિયર પક્ષમાં તપાસ કરી રાજગાદી ના નિયમો પૂછ્યા હશે ? મેં સમાજમાં આવા ઘણા માં અને ભાઇ જોયા છે જેઓ  દિકરીના રુપિયા અને સત્તા ભોગવવા એના પરીવાર ને વેરવિખેર કરી નાંખે. આવા લોકો ને પરમાત્મા ક્યારેય માફ ના કરે અને એથી જ કહેવાય છે કે 08,63,874 વર્ષ સુધી કૈકેયી, મંથરા અને એના ભાઇ યુદ્ધજીત
નો અતૃપ્ત જીવ ભટકતો રહ્યો અને કૃષ્ણ અવતાર માં કૈકેયીએ જશોદાનો જન્મ લિધો, મંથરા એ પુતનાનો જન્મ લિધો અને યુદ્ધજીતે પુત્રના ના સાથી રાક્ષસનો જન્મ લીધો. કૈકેયી માતા હોઇ રામ લક્ષ્મણ (કૃષ્ણ અને બલરામ) મારી ના શકે વળી રામે પણ કૈકેયીની ભૂલ માફી કરી મોક્ષ આપવા પાલક પુત્ર કૃષ્ણ તરીકે જન્મ લીધેલ. કૃષ્ણ ના માતા દેવકી પરંતુ સાવકી માતા બની જશોદા એ કૈકેયી અવતારમાં કરેલ પાપકર્મથી મોક્ષ લીધેલ. જે સાવકી માતા સંતાન તરીકે કોઇને સ્વિકારે તેઓ એ સંતાનને તરછોડવાની ભૂલ ના કરવી જોઇએ નહીંતર તરછોનાર માતા, એને મંથરા બની સાથ આપનાર સાથી અને યુધ્ધજીત જેવા ભાઇઓએ ફરી જન્મ લઇ પાપ મૂક્ત થવું પડશે.
આપણા શાસ્ત્રોમાં જીવન જીવવાના દરેક પાસા છે. આપણે ક્યારેય પોતાના સ્વાર્થ ખાતર સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી અને દોષ નશીબનો નિકાળીએ્
સંતાન સાવકુ હોય જ નહીં, ઉછેરનારના સાવકા વિચારો જ સંતાન વચ્ચે ભેદ ઊભો કરે છે. માટે જ કહેવત બની હશે, છોરું કછોરું થાય તો પણ માવતર કમાવતર ન થાય...!

જો વાલિયા લુંટારા ના પાપમાં સહભાગીતા પરીવારે બતાવી હોત, વાલીયાના પરીવાર પ્રેમના કારણે ત્યાગને સમજ્યા હોત કે કામમાં સહભાગી બન્યા હોત તો આજે વાલ્મીકિ ઘરેઘરે રામાયણ ન પહોંચ્યું હોત...

કૈકેયી, કૈકેયીના ગુરુ મંથરા અને વાલીયાના પરિવાર ને વંદન....જેમના કારણે વિશ્વ ને રામ સ્વરૂપે ભગવાન અને વાલ્મીકિ સ્વરૂપ ભક્ત મળ્યા....
કલ્પના તો કરો એ રાત્રે દશરથ રાજાની માનસિક સ્થિતિ કેવી અસહ્ય હશે ?
સવારે દિકરા રામનો‌ રાજ્યાભિષેક...
રાત્રે રામના સાવકા માતા કૈકેયી નો નિર્ણય કાંતો રામને વનવાસ અને ભરતને ગાદી,
કાંતો રાજા દશરથ થી કાયમી છૂટા થવું...આ ધર્મસંકટ જેને અનુભવ્યું હોય એ જ જાણે. પુત્ર કે પત્ની ?
રાજ્યના તમામ નાગરિકો સવારે રામ રાજ્યાભિષેક થવાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા.... આખું અયોધ્યા હિલ્લોળે ચઢેલ અને છાતી પર પથ્થર રાખી રાજા દશરથનો નિર્ણય....
રામને વનવાસ. ભરતને રાજ ગાદી....
પરીણામ
-દશરથનુ મૃત્યુ
-ભરતનો રાજમહેલ ત્યાગ
-કૈકેયી વિધવા...
- મંથરા પાગલ
અને
રામ આજે પણ ભગવાન તરીકે પૂજાય
- દશરથની વ્યથા પર આજે પણ લોકો દયા ખાય, જીવ બાળે.
- રામ-દશરથના અતી ખરાબ સમયમાં સાથ આપનાર સૌ આજે પણ ઇતિહાસ માં અમર થયા...
અને હા,
- કોઇ માવતર પોતાના સંતાનનું નામ કૈકેયી કે મંથરા કે ભાઇ યુધ્ધજીત રાખતું નથી...

કૈકેયી દ્વારા રામને વનવાસ પછી રામ વિયોગમાં પિતા દશરથ  કૈકેયી ના શયનખંડ માં કે વતન કેકયા માં ક્યારેય પગ મૂક્યો ન હતો અને મૃત્યુ પામેલા. કૈકેયીના દિકરા ભરતે અયોધ્યા નગર બહાર ચૌદ વર્ષ ઝૂંપડી માં રહ્યા- રાજમહેલ નો ત્યાગ કરી મોટાભાઈ રામની રાહ જોઇ.

કૈકેયી ના આત્માને મોક્ષ આપવા કૃષ્ણ (સમયે લક્ષ્મણ બલરામ માતા રોહિણી અને પિતા વાસુદેવ ના દિકરા, કૃષ્ણ ના સાવકા મોટા ભાઇ જ્યારે રામ અવતારમાં તેઓ રામના નાના ભાઇ લક્ષ્મણ હતાં. રાજા દશરથ ના બીજાં પત્ની સુમિત્રા - દશરથ ના દિકરા લક્ષ્મણ હતાં. કેવો સંયોગ???) જેઓ સાવકી માતા કૈકેયીને મોક્ષ આપવા જશોદા ના  જાયા (દિકરા) તરીકે ઉછર્યા. હજારો વર્ષ પછી આજે પણ લોકો જ્યારે કોઇ કૃર માતા નું ઉદાહરણ આપે ત્યારે કૈકેયી નું નામ આપે અને ખુબ પ્રેમાળ આદર્શ માતાનું ઉદાહરણ આપે ત્યારે જશોદા નું ઉદાહરણ આપે. કદાચ આજે પણ કુદરત ઘણી કૈકેયી જેવી માતાઓની ભૂલને માફ કરી મોક્ષ આપવા સાવકા સંતાન ને પ્રેમ આપવા તક આપતાં હશે પરંતુ મંથરા રુપે (માતા કે મિત્ર સમાન કોઇ) ભાઇ યુદ્ધજીત ( ખુદના ભાઇ કે ધર્મના ભાઇ જેવા) જેવાની ચઢામણીથી આ તક ગુમાવી વધારે પાપ કર્મ કરે છે. આવા લોકોને કુદરત એક તક આપે છે પરંતુ કલીયુગ કેટલીક મહિલાઓ અને પુરુષો ને સાવકા માતા પિતા બની પોતાનો પ્રેમ આપતાં અટકાવે છે. સાવકા માતા પિતા બનવાની તક ગયા જન્મમાં કરેલી ભૂલોની ક્ષમા રુપે હોય છે. પરંતુ આ સમજણ એમને નથી હોતી. હું એવા કેટલાક ને ઓળખું છું જેઓ નંદ જશોદા જેવા શ્રેષ્ઠ સાવકા માતા પિતા છે... જ્યારે એક બે પોતે નંદ જશોદા જેમ રહે પરંતુ બીજાને કૈકેયી બનવા પ્રેરણા આપે.

સંતાન સાવકુ હોય કે પોતાનું, સ્વિકાર્યું છે તો પ્રેમ આપીએ નહીંતર તરછોડવામા સાથ આપનાર સહિત તમામ કુદરતની સજા ભોગવવા તૈયાર રહીએ.સમાજમાં, ધર્મગ્રંથોમાં સાવકી માતાના સંતાન પર અત્યાચાર ની કથા જોવા મળશે પરંતુ સાવકો પિતા જોવા નહીં મળે. પુરુષ બીજાના સંતાનને પોતાના તરીકે સ્વીકાર કરે પછી જીવનભર સાથ આપે છે, જ્યારે સ્ત્રી સમય આવ્યે નફા નૂકશાન ની ગણતરી કરી મંથરાઓના માર્ગદર્શન ને કારણે સંતાન ને કોઇ પણ સમયે છોડી દે છે...અને જાતે જ પાપકર્મ ની સજા ભોગવે છે.

અને અંતે,

જો તમને આ જન્મમાં સાવકા માતા કે પિતા બનવાની તક મળી છે કે ત્યજાયેલા બાળકના પાલનનો કોઇએ તમારા પર ભરોસો મૂક્યો છે તો આ તક પરમાત્મા એ તમને જશોદા-નંદની જેમ પૂર્વ જન્મના કોઇ પાપકર્મ નું પ્રાયશ્ચિત કરવા આપી છે. જો આ જન્મમાં પણ તમે એ બાળક પર કૈકેયી, મંથરા કે યુધ્ધજીત જેવો વ્યવહાર કરશો તો કર્મના સિદ્ધાંત મુજબ તમારા જીવનના ઉત્તરાર્ધમાં બહું ખરાબ રીતે ભોગવવું પડી શકે છે. પરમાત્મા એ‌ આપને 'નંદ-જશોદા' ના ઐતિહાસિક ઉદાહરણ ને સમાજ સમક્ષ સાર્થક કરવા તક આપી છે....એ સંતાનને ઉછેરવા ઉર્જા પણ પરમાત્મા આપશે જ. આપ કલીયુગમા દ્વાપરયુગ નું ઉદાહરણ પુરું પાડો એવી શુભકામનાઓ...

કહેવાય છે કે વર્ષો સુધી રામને ભરત કરતા પણ વધુ માતૃપ્રેમ આપનાર કૈકેયીએ રાજગાદી અને સંપત્તિ ખાતર રામને વનવાસ આપ્યો. આજે કોઇ પોતાની દિકરીનું નામ કૈકેયી રાખતા નથી.

આપને સાવકા માતા પિતા બનવાની તક મળી છે- આપે સ્વિકારી છે તો એ સંતાનને થોડાં વર્ષો રાખી ત્યજી દેવાની ભૂલ ન કરતા. પરમાત્મા ક્યારેય માફ નહીં કરે... મરજી આપની... અંતે, માતા બનવા માટે સંતાનને જન્મ આપવો પડતો નથી. ઘણી માતા જન્મ આપેલ બાળકને ઘરમાં સુતા મૂકી ખોટા કામ કરવા જાય અને ઘણી માતા જન્મ ન આપવા છતાં સંતાન તરીકે સ્વીકારેલ બાળકને પોતાના ક્ષણ વાર માટે છૂટું ના પાડે...

સાવકા બની તરછોડાયેલા સંતાનોને પ્રેમ આપનાર  માતા પિતા રાજસ્વી સુખ ભોગવે છે જ્યારે નિ:સહાય ગાય, બ્રાહ્મણ કે બાળક પર અત્યાચાર કરનાર નું એક દિવસ બધું જ છિનવાઈ જાય છે. - ગરુડ પુરાણ


No comments: